ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): સમયની ગતિ ન્યારી છે, એવું ફિલસૂફો કહે છે. પણ ઘડીયાળની ગતિ ઘણી વાર એથી વધારે ન્યારી હોય છે. સ્માર્ટ વોચના જમાનામાં ઘડીયાળ થકી એટલાં બધાં કામ થતાં હોય છે કે પહેલી વાર સ્માર્ટ વોચ લેતી વખતે પૂછવાનું મન થઈ આવે, ‘ભાઈ, આ સમય તો બતાવશે ને?’ પહેલાં સ્માર્ટનેસનો ગુણ ઘડિયાળોમાં કેળવાયેલો નહીં, એટલે માણસોએ જ સ્માર્ટ બનવાનું કામ કરવું પડતું. ચિંતનલેખો વાંચ્યા વિના પણ તેમને ખબર હતી કે સમય કોઈનો થયો નથી. એટલે તે સમયને કાબૂમાં રાખવાનાં ફાંફાં છોડીને ઘડિયાળને વશમાં કરતાં હતાં. 

જૂના, ‘દાદાજીના ઘડીયાળ’માં ન હતો સેલ કે ન હતો ટચસ્ક્રીન. તેમાં કાંટા માટે અને ટકોરા માટે થોડા થોડા વખતે ચાવી ભરવી પડતી હતી. એ વખતે ઘરમાં દૂધ મેળવવાની જેમ ઘડીયાળ મેળવવાનો કાર્યક્રમ પણ ચાલતો. કારણ કે, આવાં ઘડીયાળ સ્વતંત્રતાપ્રિય હતાં. અત્યારની ટ્રોલ ગેંગ્સની જેમ કોઈની ભરેલી ચાવી પ્રમાણે ચાલવાનું તેમને ગમતું નહીં. એટલે એક વાર તેમાં સાચો સમય મેળવ્યા પછી પણ થોડા વખત પછી તે પોતાની મરજી મુજબ આગળ કે પાછળ ચાલવા લાગતાં. તેમની આવી વર્તણૂંક માટે ઘણી વાર તેમની છટકેલી કમાન જવાબદાર રહેતી. હા, શબ્દાર્થમાં ‘છટકેલી કમાન’. કેમ કે, એ ઘડિયાળોમાં ચાવી ભરવાથી કમાનનું ગુંચળું તંગ થાય અને ધીમે ધીમે તે ખુલતું જાય તેનાથી કાંટા ચાલે. પણ (તમામ પ્રકારની) ચાવી ભરનારાને ખબર હશે કે વારેઘડીએ ચાવી ભર્યા કરવાથી તેની અસર ઓછી થવા લાગે છે અને થોડા થોડા વખતે એક યા બીજા પ્રકારનું ઓઇલિંગ કરવું પડે છે. 

ઘણા સ્વતંત્રતાપ્રિય આત્માઓ ઘડીયાળ પાસેથી ચોક્સાઈપૂર્વકના સમયની આશા રાખવાને બદલે, તે ચાલે છે એ વાતથી સંતોષ અનુભવતા અને જ્યારે પડે ત્યારે, પણ તેના ટકોરા પડે છે ખરા અને કેવા રણકાદાર છે, એ વિચારે પોરસાતા. છેલ્લા થોડા દાયકામાં સરકારો પાસેથી પ્રજાકીય અપેક્ષાનું ધોરણ એવું જ થયું છેઃ સરકારના ચાલવા માત્રથી અને તેના ‘ટકોરા’ના રણકાથી જ પ્રજા એટલી રાજી થઈ જાય છે કે તેની પાસેથી સચ્ચાઈની કે કાર્યક્ષમતાની અપેક્ષા રાખવામાં આવતી નથી.

મનસ્વી રીતે ચાલતી ઘડીયાળોનું વર્તન જોયા પછી, તેની ભૂલનો સદુપયોગ કરી લેવાના આશયથી કેટલાક લોકોએ ઇરાદાપૂર્વક ઘડીયાળમાં ખોટો સમય મૂકવાનું શરૂ કર્યું હશે. જેમ કે, ‘આપણું ઘડીયાળ પંદર મિનિટ આગળ જ હોય.’ ભલા, સાચો સમય જાણવા માટે ઘડીયાળ લગાડ્યું હોય, ત્યાં આવું કરવાનો શો અર્થ? પણ ના, આ પગલું ઘણી વાર ટાઇમ મેનેજમેન્ટ પ્રત્યેના મૌલિક અભિગમ તરીકે રજૂ કરવામાં આવે છે.. ‘જુઓ, અમારા ઘરમાં બધાં નોકરી કરે છે, બે જણ ટ્રેનમાં અપ-ડાઉન પણ કરે છે. એટલે અમારે ત્યાં સમયમાં આઘુંપાછું જરાય ન ચાલે.’ 

આપણને થાય,’એ જ તો વાત છે. સમયની આટલી બધી કિંમત હોય તો તેમાં અચોક્સાઈ કેવી રીતે ચાલે?’ 

પણ ટાઇમ મેનેજર ભેદી સ્મિત કરીને કહેશે, ‘એ જ તો વાત છે. અમારું ઘડીયાળ આગળ હોય એટલે અમે હંમેશાં વહેલા પરવારી જઈએ અને કદી ક્યાંય મોડા ન પહોંચીએ. કારણ કે બીજાં કરતાં અમારી પાસે હંમેશાં વધારાની પંદર મિનિટ રહેવાની. ક્યારેક કશું આઘુંપાછું થયું તો પણ અમે તો સમય ન જ ચૂકીએ.’ આ ખુલાસા સાથે તેમના ચહેરા પર ફરકતું વિજયી સ્મિત જોઈને સમયની અછત ધરાવતા આત્માઓને થાય, ‘વાત તો સાચી. આટલો સાદો રસ્તો આપણને કેમ ન સૂઝ્યો?’ એટલે તે નવપ્રાપ્ત જ્ઞાન પ્રમાણે ઘડીયાળને છેતરીને વધારાની પંદર મિનિટ ચોરી લેવાનું નક્કી કરે છે. રાત્રે સૂતી વખતે ઘડીયાળના કાંટા પંદર મિનિટ આગળ ખસેડતી વખતે તેમને થાય છે કે બીજો દિવસ ઉગશે ત્યારે તે નવા સમયમાં પ્રવેશ કરશે, જ્યાં બીજા લોકો કરતાં તેમની પાસે પંદર મિનિટ વધારાની હશે. 

બીજી સવારે ‘સાત વાગ્યા. ઉઠો.’ એવો પોકાર પડે, ત્યારે ઘડીયાળ પાસેથી મળનારી પંદર મિનિટના જોરે તે કહે છે, ‘સાત તો આપણી ઘડીયાળમાં ને?’ 

હા, હવે ઘરમાં બે સમયનું ચલણ થયું છેઃ રાઇટ ટાઇમ અને ‘આપણી ઘડીયાળમાં’. આ તફાવત ધ્યાનમાં રાખીને ઉઠનાર સાતને બદલે સાત ને દસે ઉઠે છે અને વિચારે છે,‘જોયું? દસ મિનિટ વધારાનું ઉંઘવા મળ્યું. છતાં પાંચ મિનિટ સિલકમાં રહી. આને કહેવાય આઇડીયા.’ 

દિવસ આગળ ચાલે છે તેમ ‘આપણી ઘડીયાળના સમય’થી થતી રાહતનો તેને દરેક તબક્કે અનુભવ થતો રહે છે. નહાઈને નીકળ્યા પછી રોજિંદી આદતવશ ઘડીયાળ પર નજર જાય ત્યારે ફાળ પડે છે,‘અરે, સમય તો થઈ ગયો. મારે ટોવેલભેર દોડવું પડશે કે શું?’ પછી તરત યાદ આવે છે કે આ તો આપણી ઘડીયાળનો સમય છે. એટલે ટોવેલ વીંટીને ઓફિસે જવું નથી પડતું એ માટે તે આગળ ચાલતી ઘડીયાળનો આભાર માને છે. 

પરંતુ દોડતી ઘડીયાળ સાથેનું આ પ્રેમપ્રકરણ લાંબું ચાલતું નથી. ‘આપણી ઘડીયાળમાં સમય થયો ને? મતલબ, હજુ તો બહુ વાર છે’ એવી ગાફેલિયત એવી ઘર કરતી જાય છે કે એક દિવસ ગાડી ચૂકી જવાનો વારો આવે છે. ત્યારે એ પણ સમજાય છે કે ઘડીયાળને ગમે તેટલી છેતરીએ, પણ જાતને છેતરવામાં માપ રાખવું જરૂરી છે.