ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ):સાહિત્ય અને જીવન વચ્ચે પડી ગયેલું અંતર કાયમી ચર્ચાનો મુદ્દો છે. તેના માટે ઓશીકાનો ટેકો લેવાની જરૂર નથી. હા, એ ચર્ચા લાંબી ચાલે, તો ઓશીકું ખેંચીને લંબાવી શકાય છે. સાહિત્યિકના નામે થતી ઘણીખરી ચર્ચાઓમાં ભાગ લેવાનો ઉત્તમ રસ્તો એ જ હોય છે. ઓશીકાની આવી તો અનેક સેવાઓ છે અને મૌલિકતાથી વિચારવામાં આવે તો મામુલી લાગતું ઓશીકું લોકશાહી સુદૃઢ કરવા જેવાં મહત્ત્વનાં કામમાં પણ ભૂમિકા ભજવી શકે છે.

ધારો કે સંસદમાં ટેબલ-ખુરશીને બદલે ઓશીકાં-ગાદલાંની ‘ભારતીય બેઠક’ રાખવામાં આવે તો? તકિયા રાખવાથી તેને અઢેલીને બેસવાનું સૂચવાય છે, નવાબી-જમીનદારી પરંપરાની ફિલ્મો જોનારને તકિયાથી મુજરા પણ યાદ આવી શકે છે. તેની સરખામણીમાં ઓશીકું નીતાંત નિર્દોષ અને આરોગ્યવર્ધક એવી પ્રવૃત્તિ સૂચવે છે. એ પ્રવૃત્તિ એટલે બાકી બધું છોડીને એકાદ ઉંઘ ખેંચી લેવી તે.

કોઈને થાય કે હાય, હાય, ધારાગૃહમાં પથારીઓ પાથરેલી હોય તે કેવું લાગે? અંદર જનારા લોકશાહીની પથારી ફેરવી નાખે તો? પરંતુ સુજ્ઞ નાગરિકો જાણે છે કે એ કામ તો વગર પથારી-ઓશીકાએ થઈ જ શકે છે. તેના અનેક પરચા નજીકના અને દૂરના ભૂતકાળમાં મળેલા છે. માટે, એ બીક છોડીને ધારાગૃહોમાં પથારી પાથરવાનો રિવાજ કરાય, તો તેની સૌથી પહેલી અસર તો ત્યાં બેસનારાના મનોબળ પર થઈ શકે. ખુરશી-ટેબલ જોઈને માણસના મનમાં તનાવ પેદા થવાનો સંભવ રહે છે, પણ પથારી હોય ને તેની પર સરસ મજાનાં એક-બે ઓશીકાં પડ્યાં હોય, એ જોઈને જ માણસના મનમાંથી પક્ષાપક્ષીની, હુંસાતુંસીની, ઝઘડાઝઘડીની ભાવનાઓ સુષુપ્ત થઈ શકે અને તેના થાય કે ઓશીકું ખેંચીને સુઈ જવા જેવું મોટું સુખ એકેય નથી. કેટલાક લોકોનાં લક્ષણોને ધ્યાનમાં રાખતાં, મતદારોને પણ એવું લાગે કે આ લોકો બીજું કંઈ પણ કરવાને બદલે ઓશીકું ખેંચીને સુઈ જાય, તો દેશની મોટી સેવા થાય. કેમ કે, એટલો સમય તે બોલતા કે દુષ્ટ વિચારો કરતા કે તેને અમલમાં મૂકવાનાં કાવતરાં ઘડતા બંધ થાય.

ધારો કે કોઈને જાગ્રત રહેવાનું મન થાય, તો પણ ઓશીકું ઘણું ઉપયોગી નીવડી શકે છે તમે જ વિચારોઃ ધારાગૃહોમાં થતી ધાંધલધમાલ દરમિયાન માઈક ને ખુરશીઓ છૂટાં ફે્ંકાય તે ઇચ્છનીય છે કે ઓશીકાં આમથી તેમ ઉડતાં હોય, તે દૃશ્ય મતભેદોનો આદર કરતી તંદુરસ્ત લોકશાહી માટે વધારે સુસંગત લાગે? ધારાગૃહમાં એક છેડાથી બીજા છેડા સુધી ગમે તે દિશામાંથી ઓશીકાં ઉડતાં હોય, એકબીજા સાથે ટકરાતાં હોય અને કોઈની ઉપર જઈને પડતાં હોય, તો એ વાતાવરણ ધારાગૃહ જેવું નહીં, પણ ઘર જેવું લાગશે. તેનાથી સભ્યો વચ્ચે આપોઆપ ઘરનાં સભ્યો જેવી લાગણી પેદા થશે અને મતભેદોનો ઉકેલ પણ ઘરમેળે આવવાની સંભાવના રહેશે.
ઓશીકું હથિયાર તરીકે વપરાય, તો તેમાં સરવાળે અહિંસાનો જયવારો થશે. કેમ કે, ઓશીકું ગમે તેવું બળુકું હોય, પણ તેનાથી કોઈને લોહી નહીં કાઢી શકાય કે કોઈનું ઢીમ ઢાળી નહીં શકાય. હા, ક્રાઇમ થ્રીલર ફિલ્મોમાં કોઈ પાત્રના ચહેરા પર ઓશીકું દબાવીને હત્યા કરવાના પ્રસંગ દ્વારા ઓશીકાની બદનામી કરવાની કોશિશો થઈ છે ખરી. છતાં, કોઈ એકાદ ઓશીકું ખૂનમાં વપરાય, તેથી આખી ઓશીકા આલમ સામે શંકાની દૃષ્ટિથી જોઈ શકાય નહીં ને તેમને ખૂની માની શકાય નહીં—એટલી સમજ હજુ સુધી તો ઘણા લોકોને પડે છે. બસ, એ સમજ ઓશીકાથી આગળ વધીને સમુદાયો સુધી વિસ્તરે તો મોટું કામ થઈ જાય.

સમાજની જેમ ઓશીકામાં પણ અનેક વર્ગભેદ, પ્રકારભેદ હોય છે. ‘એક લડકીકો દેખા તો ઐસા લગા’—એ ગીતમાં અનિલ કપુરે ફાડેલા રેશમી ઓશીકાથી માંડીને આભના બિછાના સાથે જોડીમાં આવતા ધરતીના ઓશીકા સુધીનો વ્યાપ તેમાં જોવા મળે છે. દેખાવમાં અનાગ્રહી અને સરળ લાગતા લોકો ચોક્કસ ધારાધોરણ પ્રમાણેના ઓશીકા માટે ઘણી વાર આકરા થઈ જતા જોવા મળે છે. જાડા કે પાતળા ઓશીકા ખાતર વિશ્વયુદ્ધો લડાય એવું ભલે ન બનવાનું હોય, પણ નાના પાયાની ખેંચતાણો સંસારજીવનમાં થતી હોય છે. કેટલાક તો પોતાને ફાવી ગયેલા ઓશીકાના એવા હેવાયા હોય છે કે બહાર જાય તો તેમને કુટુંબીજનો કરતાં પોતાના વહાલા ઓશીકાનો વિરહ વધારે સાલે. ‘દાળ બગડી તેનો દિવસ બગડ્યો’ એવી કહેણીમાં તેમને ઉમેરવાનું મન થાય છે કે ‘ઓશીકું બગડ્યું તેની રાત બગડી’.

દેશમાં દ્વીઓશીકાપ્રતિબંધક ધારો નહીં હોવાને કારણે, ઘણા શખસો અને ઇસમો એકસામટાં બબ્બે ઓશીકાં માથા તળે દબાવીને સુઈ જાય છે. તેમની આ ચેષ્ટાને મૂડીવાદી સંગ્રહખોરી ગણવી કે મહત્તમ પરિણામ મેળવવા માટે કરાતા સંસાધનોના મહત્તમ ઉપયોગ લેખે લેવી, એ ચર્ચાનો વિષય છે. જેમને સીધાસાદા ઓશીકા પર માથું અઢેલીને લંબાવી દેવાની આદત હોય, તેમને ઉપરાછાપરી ગોઠવાયેલાં બે ઓશીકાં પર માથું મૂકવાથી એવું લાગે છે, જાણે તેમનું માથું એવરેસ્ટ પર છે ને શરીર તળેટીમાં. પરંતુ બેવડાં ઓશીકાંના પ્રેમીઓને એક ઓશીકા પર સુવાનું જમીન પર માથું મૂકવા જેવું આકરું લાગે છે.

પ્રવાસમાં પોતીકું ઓશીકું રાખવું અઘરું હોવાથી, તેમાં હવા ભરીને ફુલાવવાનું ઓશીકું વપરાય છે. તે બરાબર ફાવતું નથી. પણ હવા ભરેલા મગજ કરતાં હવા ભરેલું ઓશીકું સારું, એ આશ્વાસનથી કામ ચાલી જાય છે.