ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): પ્રજાસત્તાક દિવસના વિચાર કરતાં કરતાં આંખ મળી ગઈ ને સપનું આવ્યું કે પ્રજાસત્તાક ભારતનો ઇન્ટરવ્યુ કરવાનો છે. સેટ તૈયાર છે. પણ આ શું? પ્રજાસત્તાક ભારત માટેની મારી કલ્પના પ્રેમાળ વડીલ-મદદગાર મિત્રની હતી. તેની જગ્યાએ આ તો કોઈ દંડુકાધારી નીકળ્યા. પણ ઇન્ટરવ્યુ તો કરવાનો જ હતો. એટલે એ શરૂ થયો.

સઃ હેપી બર્થ ડે. સિત્તેર પૂરાં થયાં, કેમ?

‘પ્રજાસત્તાક ભારત’: (ઘુરકીને) તમે લોકો કદી સુધરવાના નહીં. સિત્તેર પૂરાં થયાં, પણ એમાંથી સાઠ તો ભ્રષ્ટ શાસનનાં હતાં. અને તમે લોકો કટોકટી તો કદી યાદ જ નહીં કરવાના...

સઃ હોય કાંઈ? છેલ્લા મહિનાઓમાં તો કટોકટીને નિયમિત રીતે યાદ કરીએ છીએ.

‘પ્ર.ભા’.: જોયું? અત્યારનું રાજ તમને કટોકટી લાગે છે, પણ અસલી કટોકટી યાદ નથી આવતી. દંભી, જૂઠા, ડબલ સ્ટાન્ડર્ડવાળા…

સઃ અરે..અરે..તમારો પરિચય તો મારે આપવાનો હતો. પ્લીઝ, થોડી ધીરજ રાખો અને શાંત થાવ.

 ‘પ્ર.ભા’: બહુ રાહ જોઈ, બહુ ધીરજ ધરી, સાઠ વર્ષ ઓછાં હતાં તે પછીનાં પાંચ વર્ષ પણ રાહ જોઈ. હવે સમય નથી. મનમાં રાષ્ટ્રવાદના તરંગો ઉછાળા મારે છે...

સઃ હું ધારું છું કે આ દંડુકો તમે તમારા તરંગોને કાબુમાં રાખવા માટે જ ધારણ કર્યો હશે...

‘પ્ર.ભા’: કયો દંડુકો?

સઃ તમે ભૂલી ગયા હો તો યાદ કરાવી દઉં કે આ ટીવી ઇન્ટરવ્યુ છે. એટલે તમે ‘કયો દંડુકો?’ એવું પૂછો છો, ત્યારે તમારા હાથમાં રહેલો દંડુકો પણ લોકોને દેખાતો હશે.

‘પ્ર.ભા’ : જેમને મારા હાથમાં દંડુકો દેખાય એ બધા ટુકડે ટુકડે ગેંગના સભ્યો, ડાબેરી, હિંસાવાદી, અર્બન નક્સલો છે. તેમની દેશવિરોધી પ્રવૃત્તિઓને કોઈ કાળે સાંખી નહીં લેવાય. તેમની હિંસકતાનો બદલો લેવામાં આવશે, એટલું હું ચોખ્ખા શબ્દોમાં આ જાહેર મંચ પરથી કહી દેવા માગું છું. (દંડુકો ટેબલ પર જોરથી પછાડે છે.)

સઃ આ તમે પછાડ્યું તે શું હતું?

‘પ્ર.ભા’: મેં ક્યાં કશું પછાડ્યું જ છે? મેં તો કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે શાંતિની અપીલ કરી છે અને દેશના વિરોધીઓને સાવધાન કર્યા છે. શું એ ગુનો છે?

સઃ અરે, પણ હમણાં આ કેમેરા સામે તમે દંડુકો પછાડ્યો એનો તમે ઇન્કાર કેવી રીતે કરી શકો?

‘પ્ર.ભા’: હમણાં કરીને બતાવ્યો તો ખરો. તમને સમજણ નથી પડતી? જેએનયુમાં ભણેલા છો કે જામિયામાં?

સઃ એક મિનિટ... તમે છો કોણ? તમારા વાત કરવાના અંદાજ પરથી મને શંકા પડે છે...

‘પ્ર.ભા’: હું પ્રજાસત્તાક ભારત છું. હું જ લોકોનો અવાજ છું. આ વાતમાં જેને શંકા પડે તે વાતો ભલે  લોકશાહીની કરતા હોય, પણ ખરેખર તે લોકશાહીના કટ્ટર દુશ્મન છે—જેએનયુવાળા જેવા.

સઃ  પણ આમાં જેએનયુ ક્યાંથી આવી?

‘પ્ર.ભા’: આખી હિંસાખોરીનું મૂળ જ એ યુનિવર્સિટી છે. તેના પ્રતાપે જ તમારા જેવા લોકોના મનમાં રહેલી હિંસાખોરીને પ્રોત્સાહન મળે છે ને ચોવીસે કલાક હિંસક વિચાર આવે છે.

સઃ મેં વળી ક્યારે તમારી આગળ હિંસક વિચાર વ્યક્ત કર્યા?

‘પ્ર.ભા’: તમને શું લાગે છે? તમે લોકો હિંસક વિચાર વ્યક્ત કરતાં પહેલાં દેશવિરોધી છૂપાં કાવતરાં ઘડ્યા કરો, ત્યાં સુધી સરકાર નમાલી થઈને, હાથ પર હાથ ધરીને બેસી રહેશે? તમારા જેવા કાવતરાંખોર, ડાબેરી, અર્બન-નક્સલોને વીણી વીણીને ખુલ્લા પાડવામાં આવશે અને તેમની સામે સખત હાથે કામ લેવામાં આવશે. આજે તમે જૂઠાણું ફેલાવો છો કે મારી પાસે દંડુકો છે. કાલે કહેશો કે મારી પાસે બંદૂક છે. એના કરતાં આજે  જ કહેવા માંડો ને કે પ્રજાસત્તાક ભારતમાં બંદૂક રાજ છે...સરકારને બદનામ કરવાની લ્હાયમાં તમે  બધા મને બદનામ કરો છો, એટલો પણ ખ્યાલ તમને નથી આવતો.

સઃ પણ મેં એવું ક્યાં કહ્યું કે પ્રજાસત્તાક ભારત ખરાબ છે. હું તો એના પક્ષમાં, એને બચાવવા માટે સરકારની અન્યાયી નીતિનો વિરોધ કરી રહ્યો છું. તમારી કંઈ ગેરસમજ થઈ લાગે છે.

‘પ્ર.ભા’: પગ તળે રેલો આવ્યો એટલે કેવા ‘ગેરસમજ થઈ છે’—કહેવા બેસી ગયા. ગેરસમજ થાય તો બોલતાં પહેલાં ભાન રાખીએ ને? સરકારની ટીકા કર્યા વિના એવા તે શું રહી ગયા છો?

સઃ તમે તો કમાલ કરો છો...હું તમારી ગેરસમજ થઈ હશે એમ કહું છું ને તમે તો ઉલટા મને ઠમઠોરવા ધસો છો. કોઈ વાતે તમે સમજતા કેમ નથી? હું કંઈક વાત કરું છું ને તમે કંઈક ભળતી જ વાત કરો છો. એક વાર પહેલેથી આપણી આખી વાતચીત તાજી કરી જાવ.એટલે હું શું કહેવા માગું છું, તે  સમજાઈ જશે.

‘પ્ર.ભા’: પણ મારે શા માટે તમારું જૂઠાણું સમજવું જોઈએ? પ્રજાસત્તાક ભારત હું છું કે તમે?

(અચાનક એક જણ અંદર ધસી આવે છે અને કહે છે કે સ્ટુડિયોના બાથરૂમમાં કોઈ વડીલને મોઢે પટ્ટી મારીને ફેંકી દીધા છે. તેમની પટ્ટી ખુલતાં જ તે રૂંધાયેલા સ્વરે કહે છે, ‘બેટા, હું પ્રજાસત્તાક ભારત છું. અહીં આવ્યો ત્યારે બે પઠ્ઠા મને ઇન્ટરવ્યુના બહાને અંદર લઈ આવ્યા. પછી મારી આ હાલત કરીને તેમાંથી એક જણ પછી મારી જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જવાનું કહેતો હતો...’)