ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): ઇંદિરા ગાંધીએ દેશમાંથી ગરીબી હટાવવાની વાત કરી હતી ને લાવ્યાં કટોકટી. તેમના પછી વડાપ્રધાન બનેલા રાજીવ ગાંધી દેશને ઇક્કીસવીં સદીમાં લઈ જવાની વાતો કરતા હતા, પણ શાહબાનો-રામમંદિર જેવા મુદ્દે તેમનાં પગલાં પછી અવળી મતિની સાથે અવળી ગતિએ પણ વેગ પકડ્યો. ત્યારથી નેતાઓ દ્વારા દેખાડાતા ભવિષ્યકાળની સમજુ લોકોને થોડી બીક લાગે છે.

એટલે જ, ‘વિઝન ૨૦૨૦’ની વાર્તાઓની સરકારી પ્રેઝન્ટેશનો-જાહેરખબરો અને ફીલગુડપ્રેમીઓ સિવાય ઝાઝી અસર ન પડી. હવે ‘વિઝન ૨૦૨૦’ નહીં, વાસ્તવિક ૨૦૨૦ આવી પહોંચ્યું. એટલે, લોકોની શેખચલ્લીસાધના ચાલુ રાખવા માટે નવી ચ્યુઇંગ ગમ લાવવી નહીં પડે? સ્વપ્નદૃષ્ટાને બદલે દુઃસ્વપ્નસ્રષ્ટા નીવડેલા વડાપ્રધાને આઝાદીનાં ૭૫ વર્ષ (૨૦૨૨)નું તોરણ તો બાંધી જ દીધું છે. છતાં, કલ્પનાને વધુ લાંબો પટ ને વધુ છૂટો દોર મળે એ માટે ‘વિઝન ૨૦૩૦’ની ચર્ચા થાય, તો એ કેવી હોય? તેની કાલ્પનિક ઊચ્ચ સ્તરીય સરકારી મિટિંગનો વાસ્તવિક અહેવાલ.

***
બધા અધિકારીઓ રૂમમાં ભેગા થયા પછી બૂટ ઉતારીને બે જણના વિરાટ કદના ફોટાને પગે લાગે છે, પછી રૂમના ખૂણે મુકાયેલા સીસીટીવી કૅમેરા તરફ એવી રીતે જોઈ લે છે, જેથી તેમણે હાજરી પુરાવી છે એવું ન લાગે, છતાં તેમની હાજરી પુરાઈ જાય. સામે એક મોટો સ્ક્રીન છે, જે ઓલવાયેલો હોવા છતાં, તે ગમે ત્યારે ચાલુ થઈ જશે, તેનો તનાવ અધિકારીઓના વર્તનમાં દેખાઈ આવે છે. કેમ કે, થોડી થોડી વારે બધા એ તરફ ઉચ્ચક જીવે જોઈને, તેના ઓલવાયેલા હોવાની ખાતરી થતાં હાશકારો અનુભવે છે. જાદુઈ ચિરાગમાંથી પ્રગટ થતા જીનની જેમ સ્ક્રીન પર સાહેબ કે પછી સાહેબના પણ સાહેબ પ્રગટવાના છે, એવું કહેવામાં આવ્યું છે. ‘પણ સાહેબનું ઠેકાણું નહીં’—એવું અલગથી કહેવાની કોઈને જરૂર પડતી નથી.

આછી ગણગણાટી વચ્ચે મિટિંગ શરૂ થાય તે પહેલાં મુખ્ય જણાતા અધિકારી હાંફળાફાંફળા થઈને કંઈક શોધી રહ્યા છે.

અધિકારી ૨: શું થયું સાહેબ?

અધિકારી ૧: લાગે છે, ચશ્મા નીચે ગાડીમાં જ રહી ગયા. તેના વિના વિઝનની મિટિંગ શી રીતે…

અધિકારી ૩: જવા દો ને સાહેબ, શું ફેર પડે છે? આમ પણ આપણે આપણું વિઝન ક્યાં વાપરવાનું છે.

અધિકારી ૧: વાત તો સાચી. આપણા માટે તો દેશ એટલે કે સરકાર એટલે કે સાહેબ જ સૌથી અગત્યના છે. ચાલો, કાર્યવાહી શરૂ કરીએ.

અધિકારી ૪: એજેન્ડાનો પહેલો મુદ્દો છે- વિઝન ૨૦૩૦ માટે આપણે કઈ પી.આર. કંપનીને રોકવી? ને તેના માટેનું બજેટ...

અધિકારી ૧: પી.આર. કંપનીઓનું સાહેબ જાતે સંભાળે છે અને સાહેબ માટેની પી.આર. કંપનીમાં બજેટનો ‘બ’ જીભે લાવતા જ નહીં.

અધિકારી ૪: હોય કંઈ, સાહેબ? હું તો એમ પૂછતો હતો કે એ બજેટ કયા કયા વિભાગોના ખાતે ઉધારવાનું છે તેનું આયોજન કરી લઈએ.  

અધિકારી ૨: પણ મેં તો બહારથી એવું સાંભળ્યું હતું કે સાહેબના મનમાં વિઝન ૨૦૩૦ માટે કંઈક જુદો પ્લાન છે...
(ખૂણામાંથી કોઈ બોલે છે): પાટનગર દોલતાબાદ ખસેડવાની યોજના તો નથી ને?

બધા એ તરફ અને એકબીજાની સામે જુએ છે, પણ કોણ બોલ્યું, એ સમજાતું નથી. એટલે ઠાવકાઈથી મિટિંગ આગળ ચાલે છે.

અધિકારી ૧: ના, જુઓ, પાટનગર બદલવાની સાહેબની કોઈ યોજના નથી. કારણ કે તે દિલ્હીના મુખ્ય ભાગને જ આખેઆખો બદલી નાખવાના છે. ૨૦૩૦ સુધીમાં તો. દિલ્હીની સિકલ બદલાઈ જશે.
(વળી ખૂણામાંથી અવાજ આવે છે) : અને શાસકોની?
આ વખતે થોડા અધિકારીઓ ખૂણામાં જુએ છે ને બીજા કેટલાક રાજદ્રોહ થવાની બીકે એ તરફ નજર સુદ્ધાં ઉઠાવીને જોતા નથી.

અધિકારી ૧: (ખોંખારો ખાઈને) આપણે વડાપ્રધાનશ્રીની કાર્યપદ્ધતિમાંથી બોધપાઠ ગ્રહણ કરીને, આલતુફાલતુ સવાલો સાંભળવાનું બંધ કરી દઈએ. તેમણે કેવી બહાદુરીથી નોટબંધીની અસરો, જીએસટીનો ખરાબ અમલ, આર્થિક મંદી, બેરોજગારી જેવા ફાલતુ સવાલોને ટાળી દીધા કે જેથી દેશમાં સ્થિરતા જળવાઈ રહે.

અધિકારી ૪: અમારા ગામલોકો કહે છે કે સાહેબે એક વાર એવો પાઠ શીખવાડી દીધો છે કે હવે એકેય સવાલનો જવાબ નહીં આપે તો ચાલશે.

અધિકારી ૧: એક્ઝેક્ટલી. પણ વિઝન ૨૦૩૦ માટે આપણે વિચારવાનું એ છે કે કેવી રીતે આ સ્થિતિ ટકી રહે અને ત્યારે પણ આપણે આ જ સાહેબોની સેવા કરતા હોઈએ.

અધિકારી ૨-૩-૪-૫ (શંકાથી): હેં? આવું કોણે કહ્યું?

અધિકારી ૧: સ્ક્રીન તરફ આંગળી ચીંધે છે. બંધ સ્ક્રીનમાં અચાનક જીવ આવે છે અને તેમાંથી પ્રગટ થયેલા સાહેબ ‘હું બધું જોઉં-સાંભળું છું’ એમ કહીને અદૃશ્ય થઈ જાય છે. કેટલાકને લાગે છે કે તેમને ભાસ થયો. પણ એ જે હોય તે, ‘આવું કોણે કહ્યું?’ એ ચર્ચવાનું રહેતું નથી.

અધિકારી ૧: તો ચાલો, આપણે હવે જરા બંધારણીય મુદ્દા હાથ પર લઈએ અને વિચારી જોઈએ કે આખી સરકારમાં ફક્ત બે જ જણ હોય અને વિપક્ષોની તો ઠીક, પોતાના પક્ષની પણ જરૂર ન પડે, એવા કયા ફેરફાર થઈ શકે.
અચાનક સ્ક્રીનમાંથી ફરી અવાજ આવે છેઃ ‘અમે પતાવી દીધાં હોય એવાં કામ તમારે હાથ પર લેવાની જરૂર નથી.’
ત્યાર પછી મિટિંગમાં ચા-નાસ્તા સિવાય બીજું કોઈ મોટું કામ બાકી રહેતું નથી.