ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): એક સમયે વડોદરા સંસ્કારનગરી ગણાતું હતું. પછી ત્યાં છાપાં-ચેનલો આવ્યાં. ને પછી એ બધામાં સમાચાર આવ્યા કે વરસાદ પછી વડોદરાના રસ્તા પર મગરો ફરે છે. થયું કે ચૂંટણી વખતે ભલે બિનરાજકીય ઇન્ટરવ્યૂ થાય, હવે તો રાજકીય ઇન્ટરવ્યૂ કરી શકાય. કેમ કે, લોકશાહી પરના ખતરાની સંભાવના મટી ગઈ છે. (કેટલાક કહે છે તેમ, તે સંભાવના મટીને વાસ્તવિકતા બની ગઈ છે.)

આવા વિચારો વચ્ચે કરાયેલો મગરનો રાજકીય ઇન્ટરવ્યૂ કેવો હોઈ શકે?

************************************************

પ્રઃ નમસ્તે, મગરજી.

મગરઃ આપણે તો 'ભાઈ'નો રિવાજ હતો. આ 'જી' ક્યાંથી આવ્યું?

પ્રઃ પ્રેરણા, મગરજી, પ્રેરણા. આપણા મુખ્ય મંત્રી હિંદીની પ્રેક્ટિસ કરી કરીને, લાલ કિલ્લાના નકલી સેટ પરથી હિંદીમાં બોલીને, અસલી લાલ કિલ્લા સુધી પહોંચી ગયા. તો આપણે પણ પ્રેરણા લેવી જોઈએ?

મગરઃ આટલી પ્રેરણા લે ત્યાં સુધી વાંધો નથી... બોલ, શું છે?

પ્રઃ તમે અહીં અમારી જગ્યામાં ક્યાંથી?

મગરઃ એ તો પ્રાણીઓએ માણસોને પૂછવાનો પ્રશ્ન છે.

પ્રઃ તમે પણ ડિસ્કવરી ચેનલ જુઓ છો?

મગરઃ ના, અમે તો તમારાં બધાનાં કરતૂત જોઈએ છીએ. પણ આપણે પર્યાવરણની વાત કરવાની છે?

પ્રઃ ના. તો રાજકારણની વાત પર આવતાં પહેલાં જરા પર્યાવરણ, આઇ મીન, વાતાવરણ બાંધું છું. મુદ્દાનો સવાલ તો કે તમે વડોદરામાં ક્યાંથી?

મગરઃ એમ માન કે આ અમારું ચોમાસુ સત્ર છે... (ગંભીરતાથી) હમણાં જ દિલ્હીથી આવ્યો.

પ્રઃ વાહ..આજકાલ તો બધા ગુજરાતમાંથી દિલ્હી...

મગરઃ મારું પોસ્ટિંગ નથી થયું. હું તો તાલીમ માટે ગયો હતો.

પ્રઃ શું વાત છે? દિલ્હીમાં મગરો માટે આંસુ સારવાના તાલીમવર્ગો શરૂ કરી શકે એવી પ્રતિભાઓ છે, તો ખ્યાલ હતો. પણ એવા વર્ગો ખરેખર શરૂ થઈ ગયા?

મગરઃ ના, હજુ સુધી નથી થયા. આ તો બીજા-ત્રીજા સ્તરના લોકોની તાલીમ માટે કેટલાક મગરોને બોલાવ્યા હતા.

પ્રઃ જોયું? ગુજરાતનો માણસ કેન્દ્રમાં હોય તો આટલો ફેર પડે. બાકી, ગુજરાતના મગરનો ભાવ દિલ્હીમાં કોણ પૂછે? ત્યાં સ્થાનિક ઓછા છે?

મગરઃ એ બધું તો ખબર નથી, પણ ટ્રેનિંગમાં આવી મઝા.

પ્રઃ અચ્છા? શાને લગતી હતી?

મગરઃ મુસ્લિમ મહિલાઓની અવદશા વિશે મગરનાં આંસુ કેમ સારવાં એ વિશેની. અને તું પૂછે એ પહેલાં કહી દઉં. એમાં બિલ્કીસબાનુને વચ્ચે ન લાવતો.

પ્રઃ ઓકે. બીજું શું ચાલે છે?

મગરઃ તું વાત જ ન પૂછ. ટાઇમ જ નથી મળતો. મોબ લિન્ચિંગ અને બળાત્કારપીડિતાથી માંડીને સરદાર-સુભાષને થયેલો અન્યાય...એક પછી એક મુદ્દા વિશે મગરનાં આંસુ સારવાના તાલીમ કાર્યક્રમો ચાલુ જ રહે છે. એક પૂરો થાય-ન થાય ત્યાં બીજો.

પ્રઃ તાલીમ વર્ગો સ્કીલ ઇન્ડિયામાં આવે છે?

મગરઃ કોને ખબર? કદાચ કર્મયોગી શિબિરમાં પણ આવતા હોય.

પ્રઃ અચ્છા, તમે હોમ ગ્રાઉન્ડ તરીકે વડોદરા પર શા માટે પસંદગી ઉતારી?

મગરઃ હવે તો ભારતનાં બાળકો પણ ચિત્રવાર્તાને કારણે જાણે છે કે સાહેબને મગર સાથે સારા સંબંધ છે.

પ્રઃ જુઓ, તમે સાહેબના નિકટના સહયોગીઓ વિશે એલફેલ બોલશો નહીં. માપમાં રહેજો અને યાદ રાખજો કે હવે તો કોઈને પણ ત્રાસવાદી જાહેર કરી શકાય એવો કાયદો આવી ગયો છે.

મગરઃ જો ભાઈ, અમારા તો ચાવવાના ને બતાવવાના દાંત સરખા જ છે. એટલે અમારે કશી ચિંતા નથી. (થોડું અટકીને) ડેમો આપું?

પ્રઃ તમારા દાંત જે હોય તે, તમારી ચામડી કોંગ્રેસ જેવી લાગે છે. ઉપરથી ગમે તેટલા ફટકા પડે, કશી અસર નહીં... પણ છોડો વાત. તમે સાહેબ ને મગરના સંબંધની વાત કરતા હતા.

મગરઃ હા, વીસ વર્ષ પછી સાહેબ વિશેનાં નવાં પુસ્તકો માટે નવી કથાઓની જરૂર નહીં પડે? જેમ વડનગર, તેમ વડોદરા પણ સાહેબની જ ભૂમિ ને? મગરદમન કરવા માટે તો તે વડોદરાથી ચૂંટણી લડ્યા ને જીત્યા.

પ્રઃ પછી શું થયું?

મગરઃ તમને લોકોને હિંદુ પરંપરાઓની કશી ખબર જ નથી ને સવાલો પૂછવા નીકળી પડો છો. અવતારકાર્ય પૂરું થાય એટલે માણસ કાશી જતો રહે, તેમાં ખોટું શું છે?

પ્રઃ તમારી પાસેથી પરંપરાઓની આવી જાણકારીની અપેક્ષા હોય--અધકચરી ને મતલબી. પણ ઠીક છે. લોકશાહીમાં જૂઠાણાં ચલાવવાં રાષ્ટ્રીય અધિકાર લાગે છે. જતે દહાડે તે રાષ્ટ્રીય-રાષ્ટ્રવાદી પ્રવૃત્તિ તરીકે પણ ઘોષિત થઈ જાય તો કોને ખબર? એટલે આપણે એમાં નથી પડતા. મને તમારી રાજકીય ફિલસૂફી જાણવામાં રસ છે.

મગરઃ (ડોકું ત્રાંસું કરીને) મગરોને ડૂબવાનો ભય હોતો નથી.

પ્રઃ તમે તો ચિંતન કરવા માંડ્યા. તમે પણ વિચારક-ચિંતક છો?

મગરઃ 'તમે પણ' એટલે?

પ્રઃ આજકાલ ગુજરાતમાં દસમાંથી નવ વક્તાઓ વિચારક-ચિંતક હોય છે. એટલે મને થયું કે..

મગરઃ તારી વાત પરથી મને થાય છે કે તમે લોકો જેમ 'મગરનાં આંસુ' કહો છો, એવી જ રીતે વસ્તુઓનાં નકલી સ્વરૂપ માટે મગરનું સેક્યુલરિઝમ, મગરનું હિંદુત્વ, મગરનો રાષ્ટ્રવાદ, મગરનું ચિંતન, મગરની લોકશાહી...એવા પ્રયોગ પણ કરવા જોઈએ.

પ્રઃ હવે ખબર પડી કે તમને પકડવા કેમ જરૂરી છે.

(પણ મગર તેની મસ્તીમાં સિસોટી પર 'આવારા હું'ની તરજ વગાડતાં ચાલવા માંડે છે)