ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): ભારતભૂમિમાં વિભાજનકારી સંઘર્ષની શરૂઆત આર્યો-અનાર્યોથી અને આર્યો દેશી હતા કે પરદેશી--ત્યાંથી શરૂ થાય છે, પણ તે પૂરી ક્યાં થશે તે કહેવું મુશ્કેલ છે. ચા વિરુદ્ધ કૉફીની ખેંચતાણ એ જ સાંસ્કૃતિક પરંપરાનો એક મણકો લાગે છે. એક વાત સૌથી પહેલાં સ્પષ્ટ કરી દઈએ. તમે ક્યારેય એવું સાંભળ્યું કે પહેલાં ભારતમાં ચા-કૉફીની નદીઓ વહેતી હતી? ના, નદીઓ તો દૂધની હતી. એટલે, ચા-કૉફીના વિવાદમાંથી દેશાભિમાનને દૂર રાખવા જેવું છે. હવે પાયાનો સવાલ એ થાય કે ચા કોને ગણવી? ને કૉફી કોને કહેવી? ઑફિસોમાં મુકાયેલાં મશીનોમાં તૈયાર થતી, ફીણનું મહોરું પહેરીને પ્યાલીઓમાં રજૂ થતી ચીજને જોઈને નક્કી થઈ શકતું નથી કે કઈ ચા છે ને કઈ કૉફી. કેટલીક વાર તો પીધા પછી પણ ઓળખ અઘરી પડે છે. કેમ કે, તેની ચા ચા જેવી નથી હોતી ને કૉફી કૉફી જેવી નહીં. આવો અભેદ સિદ્ધ કરવાની આધ્યાત્મિકતા ભારતનાં મશીનો સિવાય બીજે ક્યાં શક્ય બને? 

વર્ષો પહેલાં કૉફીની છાપ એવી હતી કે તે દક્ષિણ ભારતનું પીણું છે. વાત તો એવી રીતે થતી, જાણે ઉત્તર ભારતને દક્ષિણ ભારતથી અલગ પાડતી વચ્ચે કૉફીની નદી વહેતી હોય. ગુજરાતમાં ચા (ગેરકાયદે શરાબ પછીના ક્રમે) સૌથી વધુ લોકપ્રિય પીણું હતું અને કૉફી? એ જેના પ્રત્યે કંઈક અહોભાવ, કંઈક તિરસ્કાર, કંઈક પરાયાપણું, કંઈક પહોંચની બહાર હોવાની અનુભૂતિ જાગે એવું પીણું ગણાતી હતી. ઘણા લોકો કોઈની જાનમાં જાય ત્યારે જ કૉફી પીતા હતા. (કારણ કે જાનૈયા તરીકે તેમને કાયદાની હદમાં રહીને મનપસંદ પીણું મંગાવવાનો અધિકાર મળતો હતો.) તેમના માટે ચા 'ઠીક છે’ હતી ને કૉફી ખાસ. બીજી રીતે, એમ પણ કહી શકાય કે ચા બાળકોને લગભગ ગળથૂથીમાં પીવડાવાતી ('બા ચા પા'જેવાં માતૃભાષાશિક્ષણનાં આરંભિક વાક્યોમાં ચાનો માતૃવત્ મહિમા સિદ્ધ થાય છે.)

ચાનું તંત્ર ત્યારે વર્ણવ્યવસ્થા જેવું હતું. તેમાં ઊંચનીચના અનેક ભેદ હતા. ચાના પ્રકારનો સીધો સંબંધ મહેમાનના સામાજિક દરજ્જા સાથે હતો. ખાસ મહેમાન માટે 'બાચ્છઈ’ તરીકે જાણીતી બાદશાહી ચા. ક્યાંક વળી તે ‘આખા દૂધની’, તો ક્યાંક 'રબડી'કહેવાતી. નરસિંહ મહેતાની જેમ કાળાંતરે સમજાયું કે અંતે તો ગુજરાતની સરેરાશ ચા 'રબડી'જ હોય છે--ઘટ્ટતામાં નહીં, ગળપણમાં. ઘરમાં મૂકાતી ચામાં તેના પ્રેમીઓ મન પડે એટલાં લાડ લડાવતા. તેમાં લીલી ચા, આદુ, ફુદીનો, તુલસી, ઇલાયચી, જાયફળ જેવા પદાર્થો નાખી શકાતા હતા અને કેટલાક ઉત્સાહીઓ આ બધું એકસાથે નાખીને તેમની ચાને સર્વોપરી બનાવવાની કોશિશ કરતા.  (એવી ચા બનતી જોઈને એક વાર એક મિત્રે કહ્યું હતું, 'હવે ફક્ત વઘાર કરવાનો બાકી રહ્યો’.) આટલેથી ન અટકતાં કેટલાક પ્રયોગવીરો લવિંગ, તો કેટલાક ચૉકલેટ પણ ઠપકારતા હતા. 

એ જમાનામાં કૉફીને બૌદ્ધિકતા સાથે સંબંધ હોવાની અફવા ફેલાઈ હતી. (એ કૉફી પીનારાએ જ ફેલાવી હશે, તે કહેવાની જરૂર ખરી?) બૌદ્ધિક ચર્ચા કદી ટી હાઉસમાં થતી સાંભળી? એ તો કૉફી હાઉસમાં જ થાય. ચા પીનારા આમઆદમી ને કૉફી પીનારા ખાસ આદમી--એવી અફવા વગર ફેસબુકે ને વગર સાયબર સેલે ચલણી બની હતી. તેમાં પણ 'કોલ્ડ કૉફી'મૂડીવાદનું પ્રતિક ગણાઈ.  નહેરુપ્રેરિત સમાજવાદના જમાનામાં મૂડીવાદ પ્રત્યેનું--અને કૉફી પ્રત્યેનું--આકર્ષણ તથા તેને પહોંચથી દૂર ગણવાનું સામાન્ય વલણ સ્વાભાવિક હતું. ત્યારે ચા મહેનતકશ મજદૂરોનું પીણું ગણાઈ. અધ્યાત્મ માર્ગના પ્રવાસીઓ ચા-કૉફીની દુન્યવી ખેંચતાણથી દૂર રહીને મોક્ષપ્રાપ્તિના ઉમદા આશયથી કઢેલા દૂધનો આશરો લેતા હતા અને પોતાની આધ્યાત્મિકતાના પરચા પૂરા પાડતા હતા. 

મુઠ્ઠીભર અંગ્રેજો જેમ કરોડો ભારતીયો પર રાજ કરી ગયા, તેમ ચા પીનારા ભારતમાં મોટી સંખ્યામાં હોવા છતાં તેમની પર જૂજ કૉફી પીનારાનો માનસિક પ્રભાવ લાંબા સમય સુધી રહ્યો. ભારતમાં ચાને લોકપ્રિય બનાવવાનું કામ અંગ્રેજોએ કર્યું. પણ ચાના મોભા અંગે તે સભાન હતા. તેમને ખબર હતી (ને ભારતમાં આવ્યા પછી એ માન્યતા દૃઢ થઈ હશે) કે ગમે તેવી સામાન્ય બાબતમાં વિધિવિધાન જોડી દેવામાં આવે તો તેની આસપાસ દિવ્યતાની આભા પથરાઈ જાય છે. એટલે સીધામીધા તપેલીમાં ચા બનાવવાને બદલે તે 'સર્વિસ ટી'લઈ આવ્યા અને ચાને શાસક જેવો મોભો આપ્યો--ચાની વર્ણવ્યવસ્થામાં અથડાતી તપેલીઓની વચ્ચે કીટલી સાથે તેમણે સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું. તપેલીમાં ચા અને કૉફીનો ફરક હોઈ શકતો હતો, પણ કીટલીમાં ગયા પછીઅંદરનો માલ ગૌણ બની ગયો અને કીટલી મુખ્ય. ચા કરતાં કીટલી ગરમ જ નહીં, મહત્ત્વની પણ ખરી.

નવા જમાનામાં ચા અને કૉફીના પ્રેમીઓએ નવાં સ્વરૂપ ધારણ કર્યાં છે.  ચાપ્રેમીઓને ચાની શરમ નથી, બલ્કે ગૌરવ છે. તે કૉફીને ઉતારી પાડીને 'ઐતિહાસિક અન્યાય'નું સાટું વાળવા પ્રયત્નશીલ છે. દરમિયાન, કૉફી મોંઘા ભાવે અનેક વિદેશી પેટાપ્રકાસો સાથે હાજરાહજૂર છે.  એક સમયે હરીફાઈ ચા અને કૉફી વચ્ચે નહીં, ચા અને શરબત વચ્ચે હતી. ત્યારે શાંતિપ્રિય માણસો ચડસાચડસીમાં ઉતરવાને બદલે કહેતા, ‘ચા બની રહે ત્યાં સુધી શરબત ચાલશે.’ આવું વલણ ચા-કૉફીની ખેંચતાણમાં પડનારા લોકો માટે બોધદાયક નીવડી શકે છેઃ 'કૉફી ઑનલાઇન ઑર્ડર કરી દો. એ આવે ત્યાં સુધી ચા ચાલશે.’