ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): મહારાષ્ટ્રના વાસ્તવિક ઘટનાક્રમ સામે ભલભલી વ્યંગભરી કલ્પનાઓ ઝાંખી પડે ને કટાક્ષ પાંખા પડે. તેને બદલે પ્રસ્તુત છે કેટલીક કાલ્પનિક જાહેરખબરો.
***
રામભરોસે રીસોર્ટ

વિશ્વાસના મત માટે નીકળતાં પહેલાં રોકાવાની સૌથી ભરોસાપાત્ર જગ્યા. સ્વીમિંગ પુલ, કોન્ફરન્સ રૂમ, પ્રેસ કોન્ફરન્સ બોલાવવાના રૂમ.  વધુમાં વધુ બસો સભ્યોને લાઈનબંધ ઊભા રાખી શકાય એવા ખાસ (એ.સી.) દરબાર હોલની વ્યવસ્થા. વિશ્વાસના મતના દિવસે તબિયત ન બગાડે એવું આરોગ્યપ્રદ ભોજન. અમારી મહેમાનગતિ માણ્યા પછી વિશ્વાસના મત વખતે ફરી જાય એવા સભ્યનું બિલ બાદ આપવામાં આવશે. એર પોર્ટથી રીસોર્ટ અને રીસોર્ટથી ગૃહ સુધીના ટ્રાન્સપોર્ટ માટે ટિન્ટેડ કાચ ધરાવતી ખાસ બસો. અમારા ખાસ તાલીમ પામેલા બાઉન્સરોની નિઃશુલ્ક સેવા. સોથી વધુ સભ્યો એક સાથે હોય તો ખાસ ડિસ્કાઉન્ટ. (સરકાર બની જાય તો ડિસ્કાઉન્ટ માગીને શરમાવશો નહીં એવી વિનંતી)

ચૂંટણીઓ પહેલાં એક વાર મુલાકાત લો. એડવાન્સ બુકિંગ કરાવનારને પાંચ ટકા રકમ કાપીને બાકીની તમામ રકમ પરત ચૂકવવામાં આવશે. એક વાર બુકિંગ કરાવી દીધા પછી અડધી રાત્રે પણ ફોન કરતાં ઉપર જણાવેલી બધી વ્યસ્થા થઈ જશે.

ચેતતા નર છેલ્લી ઘડીની રાહ જોતા નથી. આજે જ અમારો સંપર્ક કરો અથવા અમારી વેબસાઇટની મુલાકાત લઈને ભારતની લોકશાહીને પારદર્શક બનાવવામાં અમારા પ્રદાન વિશેનું ખાસ ઓનલાઇન પ્રદર્શન નિહાળો.

વેચવાનો છે

રાજ્યપાલભવનથી સાવ નજીકના અંતરે. ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો સેવન સ્ટાર રીસોર્ટ. તેની એકેએક જગ્યા સાથે રાજ્યની લોકશાહીનો ઇતિહાસ વણાયેલો છે. ત્રણ-ત્રણ નવી સરકારોના વરઘોડા અહીંથી નીકળ્યા હતા. કોઈ ચોક્કસ રાજકીય પક્ષ સાથે અમારું જોડાણ નથી. એટલે સોદો કરનારે સરકારી તપાસની ચિંતા રાખવાની જરૂર નથી. બહોળા અનુભવ પછી અમે પોતે રાજકારણમાં જવાનું નક્કી કર્યું હોવાથી જ રીસોર્ટ વેચવાનો છે. બાકી, તેની કન્ડિશન એકદમ ટીપટોપ છે.

વિશ્વાસ વાટિકા

રાષ્ટ્રવાદી રીસોર્ટમાં આવો ને તાજામાજા થયા પછી નિરાંતે સરકાર રચો. નામ ભલે વાટિકા હોય, પણ  તે કોઈના પિતાશ્રીની વાટિકા (બગીચો) નથી. એ ચોતરફથી સુરક્ષિત એવો ગઢ છે, જે ટેકરીની ઉપર આવેલો છે. તેની પાંચ કિલોમીટર દૂરથી કોઈ વાહન આવે, તો તરત ખબર પડી જાય છે. વાટિકાના દ્વાર સુધી પહોંચવાનો એક જ રસ્તો છે અને તેની પર કાયમ ભારે ચોકીપહેરો હોય છે. ઉપરાંત, ગ્રુપ બુકિંગ હોય ત્યારે દરવાજાની સામે, અંદર અને બહાર રહેલા સીસીટીવીનું ફૂટેજ જોઈ શકાય એવો એક કામચલાઉ કન્ટ્રોલ રૂમ ઊભો કરી આપવામાં આવે છે.

વાટિકામાં રહેનારા સભ્યોનું મગજ બદલાઈ ન જાય (ચાલવા ન માંડે) એ માટે તલવારબાજી, ખો-ખો, આંધળોપાટો, લીંબુ-ચમચી, ગીલ્લી-દંડા, કોથળાદોડ જેવી અનેક રાષ્ટ્રીય રમતોની વ્યવસ્થા રાખવામાં આવી છે. કબડ્ડીના નામે થતી ટાંટિયાખેંચ પર અમારી વાટિકામાં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. અલબત્ત, ખાસ કિસ્સામાં તેની વ્યવસ્થા ગોઠવી શકાય છે. વાટિકાના બિનસત્તાવાર ફાઇવ સ્ટાર કેસિનો આખી રાત ચાલે છે. (ગઈ વખતની સરકાર બનાવતાં પહેલાં ઘણા સભ્યો ત્યાં હતા ને ત્યાંથી જ તેમને બસમાં બેસાડવા પડ્યા હતા.)

ઓળખપરેડથી માંડીને વિશ્વાસના મત, સરકારની રચના અને શપથવિધિ સુધીના તમામ પ્રસંગોના રીહર્સલ માટે તથા મિડીયાને દૂર રાખવા માટે, ભૂતકાળમાં આ બધી કામગીરીઓ સાથે સંકળાઈ ચૂકેલા અને હવે નિવૃત્ત એવા કર્મચારીઓની ખાસ વ્યવસ્થા.
એક સભ્યને સો-બસો કરોડ આપતી પાર્ટીઓને ડિસ્કાઉન્ટની ઑફર કરીને અમે તેમનું માન ઘટાડતા નથી. અમે ઉત્તમ સેવાનું વચન આપીએ છીએ.

પુષ્પક ટ્રાન્સપોર્ટ સર્વિસ
શું તમારી પાસે એક બસમાં સમાય તેના કરતાં પણ વધુ સભ્યોનો ટેકો છે?
શું એ બધા સભ્યોને ઘડી ભર પણ તમે તમારી નજરથી અળગા કરવા ઇચ્છતા નથી?
શું તમે સંપૂર્ણપણે ખાનગી રાહે, છતાં અસરકારક રીતે આ બધા સભ્યોની હેરફેર કરવા ઇચ્છો છો?
તો તમારી શોધ અહીં પૂરી થાય છે.
અમારી 'હાઉસ'સિરીઝની ખાસ બસોનો કાફલો આ જ હેતુ માટે છે.
આ શ્રેણીની બસો ફક્ત બેસવાની જ નહીં, સુવાની વ્યવસ્થા ધરાવે છે. તેમાં એક વાર સભ્યોને ભરી દીધા પછી વધુમાં વધુ એક અઠવાડિયા સુધી તેમને બસમાં જ રાખવાની અને તેમની બધી સગવડો સાચવવાની પૂરી વ્યવસ્થા છે. આ બસો સતત ચાલ્યા કરે છે અને અમારી માલિકીના પમ્પ પર ફક્ત ડીઝલ ભરાવવા માટે જ થોભે છે.

સતત ચાલતી બસોના ડીઝલનું બિલ આકરું લાગે તો ફરી વિચારી જોશોઃ આ સ્કીમમાં તમારે કોઈ રીસોર્ટમાં જવાની જરૂર રહેતી નથી. કેમ કે, બસમાં જ બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આવી બસોનો કાફલો એકબીજા સાથે જીપીએસથી જોડાયેલો છે અને એક વાર કાફલાને 'સિન્ક'કરી દીધા પછી બસના સ્થાનથી માંડીને તેની અંદર થતી બધી હિલચાલ બસમાં રહીને જ મૉનિટર કરી શકાય છે.

હૉર્સટેગિંગહોર્સટ્રેડિંગ (સભ્યોની ખરીદી) થઈ ગયા પછી તેમના અસરકારક મેનેજમેન્ટ માટે
અમે લાવ્યા છીએ હૉર્સટેગિંગની ટેકનોલોજી.
સાથે આવી ગયેલા સભ્યોના હાથે એક ટ્રસ્ટ-બેલ્ટ પહેરાવી દેવાનો. એ બેલ્ટ થકી સભ્યની દરેક હિલચાલ પર નજર રાખી શકાશે, એક કમાન્ડ આપીને માઇક્રોફોન એક્ટિવેટ કરીને તેમની વાતો સાંભળી શકાશે અને અનિવાર્ય સંજોગોમાં એક કમાન્ડ દ્વારા એ બેલ્ટમાંથી કરન્ટ વહેતો મૂકીને સભ્યને થોડા સમય માટે નિષ્ક્રિય પણ કરી શકાશે.