ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): અધ્યાત્મની ભૂમિ ભારતવર્ષમાં ભલભલા તપસ્વીઓ ને જ્ઞાનીઓએ આત્મપરિચયમાં જિંદગી ખર્ચી નાખી. ત્યારથી લઈને છેક અત્યાર સુધી, પરિચયકાર્યની કઠણાઈઓ ઓછી થઈ નથી. કટોકટીની જેમ ફક્ત તેનું સ્વરૂપ બદલાયું હશે..

એક સમયે છૂટાછેડા લીધેલી મહિલાઓ માટે વપરાતું વિશેષણ ‘નિર્દોષ’ હવે ઘણા આયોજકો માટે વાપરવું પડે એમ છે. કેમ કે, એવા લોકોનું લક્ષ્ય ફક્ત કાર્યક્રમ કરવાનું-કરી નાખવાનું હોય છે. તે વિચારે છેઃ એક સારા કાર્યક્રમ માટે શું જોઈએ? એક નંગ હોલ, એક નંગ માઇક, થોડા નંગ સાંભળનાર અને એક નંગ. (ના, ‘એક નંગ વક્તા’ લખવાની જરૂર નથી. આટલું જ પૂરતું છે.) એ ‘નંગ’ વિશે વધુ જાણકારી મેળવવી જરૂરી નથી હોતી. નામ જાણીતું હોય-છાપામાં આવતું હોય તો વધારે સારું. વક્તા તરીકે જાણીતું હોય તો એથી વધારે સારું, જેથી કાર્યક્રમ પછી કહી શકાય કે ‘હમણાં જ એક ટૉપ કાર્યક્રમ કર્યો. તેમાં ફલાણાને પકડી લાવ્યા હતા.’ લોકોને બહુ મઝા પડી. આપણે કહ્યું, બસ, તમને મઝા પડી એટલે બસ. નહીંતર આવતી વખતે બીજા કોઈને ઉપાડી લાવીશું.’ (દાયકાઓ પહેલાં એક હિંદી હાસ્ય કવિસંમેલનમાં કવિ પ્રદીપ ચૌબેએ પોતાનો પરિચય આપતાં કહ્યું હતું કે ‘હમ ઇંદોરસે મંગવાયે ગયે હૈં.’)

વક્તાઓની વ્યાવસાયિકતાની આટલી અસરકારક રીતે કદર કરી જાણતા આયોજકોને વક્તાઓ વિશે વધુ જાણવાનો ‘ટાઇમ’ નથી હોતો. (અહીં ‘ટાઇમ’નું ગુજરાતી સમય નહીં, ‘રસ’ થાય છે.) એવા ‘વ્યસ્ત’ આયોજકો વક્તાના પરિચયની માથાકુટમાં પડવાને બદલે સીધા વક્તાને ધરી દે, ત્યાં સુધી ઠીક છે. પરંતુ એવું ભાગ્યે જ બને છે. ‘ટાઇમ’ના અભાવે, તેમણે બીજા કોઈ ‘આવાબધામાં રસ ધરાવતા’ જણ કે જણીને સંચાલન અને વક્તાપરિચયની જવાબદારી સોંપી હોય છે. વક્તાની કઠણાઈની ખરી શરૂઆત ત્યાંથી થાય છે. કેમ કે, આયોજક વર્તુળમાંથી જેની પર આ કળશ ઢોળાયો હોય, તે પોતાની આવડત વિશે આત્મવિશ્વાસથી ઉભરાતા અને મૌલિકતા વિશે મુસ્તાક હોય છે.

પોતાના વિશે ‘બહુ તૈયારી કરનાર’ની છાપ ધરાવનાર આયોજક કે પરિચાયક વક્તા પાસેથી અગાઉથી લેખિતમાં પરિચય મંગાવી લે છે. વક્તા રીઢો ન હોય તો તેને એવો માસુમ સવાલ થાય કે ‘આ લોકો મારા વિશે જાણતા નથી, તો મને વક્તા તરીકે શા માટે બોલાવ્યો હશે?’ પણ વક્તા તરીકે થોડા ‘પ્રસંગો ઉકેલી આવ્યા પછી’ વક્તાને આવા સવાલ સતાવતા નથી. તે જાણે છે કે આ પૃથ્વી પર ઓક્સિજનનું ચોક્કસ પ્રમાણ, પેટાળમાં ધગધગતો લાવા, પક્ષીઓની પાંખો, ડાયનોસોરનું નિકંદન—આ બધું જેમ કોઈ ગેબી આયોજન મુજબ બને છે, એવા જ કોઈ આયોજન હેઠળ તેમને વક્તા તરીકે બોલાવાયા હશે. તેમાં બહુ ઊંડા તર્ક ને કારણો શોધવાની પંચાતમાં પડવા જેવું નથી.

ખેર, લેખિત પરિચય આપ્યેથી વક્તા હાશકારો અનુભવી શકતો નથી. કેમ કે, તેમાં આયોજક કે સંચાલકની મૌલિકતા ઉમેરાવાની બાકી હોય છે. મોટા ભાગના કિસ્સામાં આવો પરિચય વંચાતો હોય, ત્યારે વક્તાની સ્થિતિ જોવા જેવી થાય છે (જે ચર્મચક્ષુથી નહીં, અંતરનાં ચક્ષુથી જોવી પડે). ચહેરા પર દેખાય કે ન દેખાય, તેના મનમાં અનેક આશંકાઓ અમદાવાદના આડેધડ ટ્રાફિકની જેમ આવજા કરે છે. તેને થાય છે, હમણાં આ પરિચાયક મૌલિકતા દેખાડશે (એટલે કે ગોટાળો કરશે) અને મોટે ભાગે આવો થડકાર અનુભવનાર વક્તા કદી નિરાશ થતો નથી. પરિચય આપનાર વક્તાના નામથી માંડીને બીજી કોઈ પણ વિગતમાં ઉલટસુલટ કરી શકે છે, તેમના નામે ન હોય એવી સિદ્ધિઓ ચડાવી શકે છે ને ઉલ્લેખનીય સિદ્ધિઓથી વંચિત કરી શકે છે. કાર્યક્રમમાં બાકીનો સમય ભલે શ્રોતાઓ વક્તાની દયા પર હોય, પણ પરિચયવિધિ દરમિયાન વક્તા પરિચાયકની દયા પર રહે છે.

વધુ આત્મવિશ્વાસ (અને મોટે ભાગે તેની સાથે ઓછી આવડત) ધરાવતા પરિચાયકોને અગાઉથી પરિચય મંગાવવામાં પોતાની (પોતે ધારી લીધેલી) આવડતનું અવમૂલ્યન લાગે છે. ‘હું? ને પરિચય મંગાવું? એંહ...આવા તો કંઈક પરિચયો આપી દીધા. એમાં શી ધાડ મારવાની છે?’ એવો ભાવ રાખીને તે મંચ-મેદાન પર ઉતરે છે, પણ તેમનું પરિચય-પ્રવચન કપ્તાન વગરના વહાણની જેમ આમથી તેમ ફંટાયા કરે છે. તેમના પરિચયમાંથી શ્રોતાઓને વક્તા કરતાં વધારે પરિચાયકની ‘સજ્જતા’ વિશે જાણકારી મળે છે. અલબત્ત, પરિચાયક પોતાની અદા પર ફીદા હોય છે. તે વધુ એક વાર તૈયારી વિના, વધુ એક પરિચય આપીને, પોતાની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરે છે. આવાં થોડાં પીંછાં ભેગા થતાંવેત તે હવામાં ઉડવા લાગે, તો તેમાં પક્ષીની શરીરરચના કરનાર કુદરતનો વાંક ન ગણાય?

કેટલાક પરિચાયકો બે અંતિમોની વચ્ચે હોય છે. પહેલેથી પરિચય મેળવવાની તેમને આળસ ચડે છે ને છેલ્લે કંઈ પણ ગબડાવી દેવાનું જિગર નથી હોતું. એટલે તે શરમસંકોચ નેવે મૂકીને મંચ પર બેઠેલા કે કાર્યક્રમ પહેલાંની ક્ષણોમાં મંચની સામે બેઠેલા વક્તા પાસે પહોંચી જાય છે અને ‘આમ તો મને બધી ખબર છે. છતાં..’ની ધ્રુવ પંક્તિ સાથે વક્તાનો પરિચય માગવાનું શરૂ કરે છે. આવી રીતે છૂટોછવાયો પરિચય અમલટાણે નોટબંધીની જેમ ધબડકાજનક નીવડવાનો એવી પૂરી ખાતરી હોય છે. છતાં, પહેલાં આપેલી ચેતવણી કાને લેવાતી નથી ને પછી કરેલી ટકોરનો કશો અર્થ સરતો નથી.