ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે—એવું કહેતાં જ સામ્યવાદીઓ કહેશે, ‘અમે તો ક્યારના કહીએ છીએઃ હેવ્ઝ અને હેવ નોટ્સ—ફાવી ગયેલા ને રહી ગયેલા.’ સોશ્યલ મિડીયા પર પોતાને ઠાવકા ગણતા લોકો કહી શકે છે, ‘એમ જ છે. મોદીતરફી અને મોદીવિરોધી.’ મિત્રો-સગાંની અનૌપચારિક ‘બેઠકો’માં બિનસત્તાવાર સર્વે કરતાં જાણવા મળશે કે બે જ પ્રકારના લોકો છેઃ દારૂ પીનારા અને નહીં પીનારા.’ રેશનાલિસ્ટો કહેશે, ‘ભગવાનમાં માનનારા અને નહીં માનનારા.’...આ યાદી ઘણી લાંબી થઈ શકે, પણ ભારપૂર્વક કહેવું જોઈએ કે આ બધાં વિભાજનોની ઉપર, તે બધાંને પોતાનામાં આવરી લેતું એક વિભાજન છેઃ ચા પીનારા અને ચા નહીં પીનારા. ખાસ કરીને, ભારતમાં અને ગુજરાતમાં તો તે વિભાજન સર્વવ્યાપી, સર્વસ્પર્શી છે.

ઘરે મહેમાન આવે કે કોઈના ઘરે-ઓફિસે જવાનું થાય, એટલે પ્રાથમિક ઔપચારિકતા પછી પૂછાતો સવાલ છે, ‘ચા?’ અને ઔપચારિકતા વિના અપાતો જવાબ હોય છે, ‘પીએ.’ કેટલો સીધો, કેટલો મીઠો, કેટલો ટૂંકો, છતાં કેટલો આત્મીય સંવાદ.રાજસ્થાનના અને ગુજરાતના મુખ્ય મંત્રીઓ વચ્ચે થઈ એવી કોઈ ખેંચતાણ નહીં. કશો દંભ કે દેખાડો પણ નહીં (‘અમે તો ફલાણી બ્રાન્ડ હોય તો જ પીએ.’)

ઘોળી ઘોળીને બીજા પ્યાલા ભરવાનો જમાનો તો જતો રહ્યો, પણ પ્યાલામાં ચા ભરાઈને આવે--ઘણી જગ્યાએ તો ચા ડ્રોપરથી ભરાતી હશે એવી શંકા પણ પ્યાલાની નેનો સાઇઝ જોઈને પડે—છતાં, કહ્યું છે ને, ‘ચા તે ચા, બીજા બધા વગડાના વા.’ જાણકારો વાંધો પાડશે કે આ કહેણી તો મા માટે હતી. ઠીક છે. પણ કોઈ ચા-રસિયાને પૂછી જોજો. તે માના જ નહીં, ચાના સમ ખાઈને પણ કહેશે કે આવી કહેણી અત્યાર સુધી ન હતી, એ ચા પ્રત્યેનો ઘોર અન્યાય હતો કે પછી બૌદ્ધિકોનું કાવતરું હતું.

સૂત્રાત્મક ચિંતનશૈલીમાં કહી શકાય કે ચાનો સ્વીકાર એટલે લોકશાહીનો સ્વીકાર. કેમ કે, ચા બહુમતી પ્રજાનું માન્ય કે પોસાતું કે પસંદગીનું પીણું છે. નાગરિકશાસ્ત્રીય અંદાજમાં એમ પણ કહેવાય કે ચા પીવી એટલે ભારતીય લોકશાહીનો સ્વીકાર કરવો, ભારતીય લોકશાહીના પ્રાણ જેવા પ્રજાસમુહ સાથે એકરૂપ થવાની કોશિશ કરવી. યજમાન ઉમળકાથી ચાનું પૂછે અને આગંતુક જાહેર કરે કે ‘ના, ના. હું નથી પીતો.’ એટલે ગુજરાતી યજમાનને પહેલો વિચાર તો એ આવે છે કે તેમણે ભૂલથી બીજા કોઈ પીણા વિશે તો પૃચ્છા નથી કરી નાખી ને? ચામાં કશું ન પીવા જેવું હોય, એ વાત જ ઘણા લોકો માટે કલ્પવી અઘરી હોય છે. એટલે તે ફરી, જરા સભાનતાથી સવાલ પૂછે છે, ‘હું ચાની વાત કરું છું. ચા તો પીએ ને?’ જવાબમાં મહેમાન અવાજથી અન્ડરલાઇન કરીને કહે છે, ‘મેં ચા માટે જ કહ્યું હતું. હું નથી પીતો.’

ત્યાર પછી કેવી પ્રતિક્રિયા આવશે તેનો આધાર યજમાનની પ્રકૃતિ પર હોય છે. કેટલાક યજમાનો ચાની ના પાડનાર ભણી અનુકંપાથી જોઈ રહે છે કે દેવોને દુર્લભ એવા પીણાથી વંચિત રહેનારનું જીવન કેમ વીતતું હશે? ‘યે જીના ભી કોઈ જીના હૈ?’ એવો ફિલ્મી સંવાદ તેમના મોઢે આવતો આવતો રહી જાય છે અને તે સહાનુભૂતિના ધક્કાથી પ્રેરાઈને અન્ય વ્યવસ્થા કરવામાં જોતરાય છે. અપરાધભાવ અનુભવવા માટે તત્પર એવા કેટલાક લોકો આ સાંભળીને ગ્લાનિમાં ડૂબી જાય છે, ‘રે જીવ, અત્યાર સુધી તેં ચાના પ્યાલામાં જિંદગી ડૂબાડી દીધી. તને કદી એવો પવિત્ર વિચાર સરખો ન આવ્યો કે તેના વિના પણ જીવન ચાલી શકે છે. જો આ પવિત્ર આત્મા, કેવો ચા વિના મોજથી જીવે છે.’ ત્રીજા પ્રકારના યજમાનો ચા માટે નહીં, યજમાનધર્મ માટે આગ્રહી અને ચિંતિત હોય છે. ‘આવનારને ચા આપી દઈશું એટલે ટૂંકમાં પતશે’ એવું માનીને તે નિરાંતજીવે બેઠા હોય છે. પણ થોડી વાતચીત પછી, આવનાર ‘હું ચા નથી પીતો’નો બોમ્બ ફોડે, એટલે યજમાનની નિરાંતની કરચો ઉડવા માંડે છે. ‘શું વાત કરો છો? ચા નથી પીતા? તો ઉકાળો? કોફી? શરબત?’—આવા વિકલ્પ તે આપે છે. ‘મારું લોહી?’ એટલું પૂછતાં યજમાનધર્મ તેમને રોકે છે.

કેટલાક લોકો એવા નિસ્પૃહ હોય છે કે તે કશું નથી પીતા. એવા લોકો જાણે યજમાનને ધર્મભ્રષ્ટ કરવાનું નક્કી કરીને આવ્યા હોય, એવું યજમાનને લાગે છે. એટલે તે આગ્રહ કરે છે, ‘એવું થોડું ચાલે? કંઈક તો લેવું જ પડે. છાશ? લસ્સી?’ ચા જેવું પીણું છોડીને છાશ સુધી આવી જવામાં યજમાનને પોતાના ધોરણનું અવમૂલ્યન થતું લાગે છે. છતાં, મહેમાને આણેલી મજબૂરીમાં આપદ્ ધર્મના માર્યા તે એ પણ કરે છે. તેમ છતાં મહેમાન પલળતા નથી.

ચા મળી એટલે ભગવાન મળ્યા એવું માનનારાને (‘આસ્તિક’ની જેમ) ‘ચાસ્તિક’ કહી શકાય. ચાસ્તિકોનું એટલું સારું છે કે ચા-પ્રેમીઓ ધર્મઝનૂનીઓ કે લાગણીદુભાઉઓ જેવા હોતા નથી. એટલે આગંતુક ચાને બદલે કોફી-ઉકાળાની પસંદગી કરે કે કંઈ પણ પીવાનો સદંતર ઇન્કાર કરી દે, ચા-પ્રેમી તેમાં પોતાનું (એટલે કે ચાનું) અપમાન જોતા નથી, સામેવાળાના મોંમાં નાળચું મૂકીને ચા પીવડાવી દેવાના હિંસક વિચાર કરતા નથી અને હસતા મોંએ તેમના ચા-નાસ્તિકત્વનો આદર કરીને પોતાના ચા-પ્રેમને ઉજાળે છે.