ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): મથાળું વાચનારના મનમાં અનેક સવાલ પેદા થઈ શકે છે. જેવી જેની શ્રદ્ધા. કોઈને થાય કે ભારતીયોને કાશ્મીરમાં પગ નહીં મૂકવા દેનારી સરકાર યુરોપીયન યુનિઅનમાંથી કેટલાકને બોલાવીને કાશ્મીરનો પ્રવાસ કરાવે છે. એ સરકારને પછી શું કહેવું? અથવા મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચેની ખેંચતાણમાં બંને પક્ષનાં મહોરાં વધુ એક વાર નીકળી ગયાં, તે વિશે શું કહેવું? અથવા ISISના વડા ત્રાસવાદી અલ બગદાદીને ‘વોશિંગ્ટન પોસ્ટ’ ફકીર આદમી તરીકે ઓળખાવે ત્યારે શું કહેવું? અથવા વધારે સ્થાનિક-વધારે નક્કર પ્રશ્નો વિશે ચિંતા કરનારાને થાય કે ભરદિવાળીએ મઠિયાં-ચોળાફળીની એકતા અને અખંડિતતા જોખમાવતો-તેમને હવા લગાડતો વરસાદ પડે તેને શું કહેવું?

પણ મથાળામાં રહેલો સવાલ, આ કટારની છાપથી વિપરીત, એકદમ ‘નિર્દોષ’ છેઃ દિવાળી પછી નવું વર્ષ આવે ત્યારે લોકોને શું કહીને શુભેચ્છા પાઠવવી? કઈ શુભેચ્છા પાઠવવી એવો સવાલ તો સાવ અસ્થાને છે. કારણ કે લોકો ધારે છે કંઈ ને સરકારો કરે છે કંઈ. એટલે સામાન્ય લોકો માટે શબ્દચર્ચા કે વાક્યચર્ચા સિવાય બીજી કશી સત્તા રહી નથી. નવા વર્ષની શુભેચ્છા માટે સૌથી જાણીતા બે શબ્દગુચ્છ છેઃ હેપી ન્યૂ યર અથવા સાલ મુબારક. ટીપુ સુલતાનને વેળાસર નેપોલિયનની મદદ મળી ગઈ હોત અને તેણે અંગ્રેજોને હરાવી પાડ્યા હોત, તો ભારતમાં ‘હેપી ન્યૂ યર’નું આટલું ચલણ ન હોત. પણ થવાકાળ થઈને જ રહે છે. એટલે ઇતિહાસના અર્થઘટનની વર્તમાન પરંપરા પ્રમાણે, અત્યારે અંગ્રેજી ન ભણેલા લોકો પણ એકબીજાને ‘હેપ્પી ન્યૂ યર’ કહે છે, તે માટે ટીપુ સુલતાનને દોષી ઠેરવી શકાય.

બીજો પ્રયોગ છેઃ સાલ મુબારક. ટીપુ સુલતાન ભલે અંગ્રેજો સામે હારી ગયો, પણ ભારતમાં હિંદુ-મુસ્લિમ પ્રજાઓના લાંબા ગાળાના સહઅસ્તિત્વથી કેટલીક બાબતો એટલી દૃઢ બની કે કોમવાદના રાજકારણના આક્રમક હુમલા પછી પણ તે ટકી રહે. તેમાંની એક એટલે ‘સાલ મુબારક’, જે ‘હેપી ન્યૂ યર’ના ગુજરાતી તરીકે બોલાય છે. ભાષાઓના આધારે ધર્મ અને રાષ્ટ્રવાદનાં સમીકરણો માંડતા કેટલાકને ‘સાલ મુબારક’ સામે વાંધો પડે છે અને ‘નૂતન વર્ષાભિનંદન’નો આગ્રહ રાખવાનું મન થાય છે. પણ એ બોલવું સહેલું નથી. ‘સાલ મુબારક’ બોલવાની ક્રિયામાં જીભ સિવાય શરીરનાં બીજાં કોઈ અંગોને રોકાયેલાં રહેવું પડતું નથી. હોંશથી સામેવાળાનો હાથ મેળવીને કે તેને ખભે ધબ્બો મારીને કે ભેટીને ‘સાલ મુબારક’ વહેતું કરી શકાય છે, જ્યારે ‘નૂતન વર્ષાભિનંદન’નો મામલો જરા પેચીદો છે. તે બોલવું હોય, તો પહેલાં જીભ સાથે મગજનું સંકલન સાધવું પડે છે. એ પ્રક્રિયામાં હાથ-પગ સહિતનું આખું શરીર પણ જરા અક્કડ થાય છે, મનમાં ‘નૂતન વર્ષાભિનંદન’ના ઉચ્ચારણની રીત ગોઠવાય છે—અને તેને એવી રીતે ગોઠવવાની થાય છે કે જેથી તે ગોઠવેલી ન લાગે. આટલો દાખડો કર્યા પછી પણ ‘નૂતન વર્ષાભિનંદન’ બોલતી વખતે મનમાં ફડકો રહે છે કે ક્યાંક એકાદ અક્ષર આઘોપાછો ન થઈ જાય.

નૂતન વર્ષાભિનંદન’ અને ‘સાલ મુબારક’ વચ્ચેની ચર્ચાનો એક પક્ષ સાહિત્યિક પણ છેઃ કવિતામાં છંદ અને ગેયતત્ત્વનો આગ્રહ ધરાવતા લોકોને ‘સાલ મુબારક’ વધારે ફાવે છે. તેમાં એક લય છે ને ગઝલનો રદીફ કે કાફિયા બનવાની સંભાવના પણ તેમાં રહેલી છે. તેની સરખામણીમાં ‘નૂતન વર્ષાભિનંદન’ જરા ખરબચડું લાગે છે. અછાંદસવાળાને કે ગુલઝારની કવિતાના પ્રેમીઓને તે વધારે ફાવે એવું છે. ગાઈ તો તેને પણ શકાય. છતાં, ‘સાલ મુબારક’માં આવતા સાહજિક લયનો તેમાં અભાવ છે. અલબત્ત, આ બંનેમાંથી જે કહીએ તે આપણે ગાઈને કહેવાનું નથી હોતું એટલું સારું છે. તેના કારણે વિશ્વશાંતિ જોખમાતી અટકે છે.

નવા વર્ષની શુભેચ્છા આપવાના એકવિધ કાર્યક્રમમાં મૌલિકતા ઉમેરવાની જરૂર છે—આવો અહેસાસ દરેક વર્ષે જુદા જુદા લોકોને નવેસરથી થાય છે. એટલે, તે નવી અભિવ્યક્તિઓ, નવા પ્રયોગો અને નવી પદ્ધતિઓની ખોજ આદરે છે અને તેમનો ઉત્સાહ દરેક વર્ષે એવો જ હોય છે, જાણે હિમાલય સર કરવા નીકળેલા તેનઝિંગ-હિલેરી. કોઈ વળી દીવડા ને પ્રકાશને લગતું લખાણ કરે છે, તો કોઈ સાલની સાથે વ્હાલનો પ્રાસ બેસાડે છે. કોઈ અશુભ પર શુભના વિજયની વાત કરે છે, તો કોઈ અંધકાર પર ઉજાસની. પણ આ તો બધો વિચારવિસ્તાર થયો. તેને ટૂંકમાં શું કહેવું? તેના માટે તો હરીફરીને ‘સાલ મુબારક’ કે ‘હેપી ન્યૂ યર’ કે બહુ તો ‘નૂતન વર્ષાભિનંદન’ પાસે જ આવીને અટકવું પડે છે. શિક્ષણશાસ્ત્રીઓ વર્ષોથી બૂમો પાડે છે કે ભારતમાં સંશોધન માટેનું વાતાવરણ જ નથી. તેમના આ વિધાનમાં છેક આટલી તળીયા સુધીની વાસ્તવિકતા સામેલ હશે, તેનો ખ્યાલ નવા વર્ષે આવે છે.

ગુજરાતી થાળીમાં પંજાબી અને દક્ષિણ ભારતીય વાનગીઓથી શરૂ થયેલી ઘૂસણખોરી હવે ચાઇનીઝ, મંચુરિયન અને મેક્સિકન સુધી પહોંચી છે. તો સતત નવું કરવાના પ્રેમીઓ નવા વર્ષે શુભેચ્છા પાઠવવાના શબ્દપ્રયોગોના મામલે પણ પરપ્રાંત અને પરદેશથી મદદ મેળવી શકે છે. ઇન્ટરનેટના જમાનામાં એ બહુ સહેલું છે. એટલે થોડાં વર્ષોમાં મૌલિકતાની અભિવ્યક્તિ તરીકે, નાના અક્ષરે નૂતન વર્ષાભિનંદન-સાલ મુબારકની સાથે મોટા અક્ષરે bonne année (ફ્રેન્ચ), Feliz año nuevo (મેક્સિકન) કે felice anno nuovo (ઇટાલિયન) વાંચવા મળે તો આઘાત અનુભવવો નહીં.