ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): વર્ષોથી નૂતન વર્ષાભિનંદનનાં કાર્ડમાં એકસરખી શુભેચ્છાઓ જોવા મળે છેઃ આપનું નવું વર્ષ સુખમય રહે, જીવનમાં દીવડાનો પ્રકાશ પથરાય, સમૃદ્ધિ અને સુખ મળે...પણ જમાનો KBથી  TB સુધી પહોંચ્યો હોય, કટોકટી એક ઝાટકે વટહુકમથી આવવાને ટુકડે ટુકડે આવતી હોય, મોબાઈલ (મોટા ભાગના) માણસ કરતાં વધારે સ્માર્ટ બની ચૂક્યા હોય, કોમેડિયન દેશના (યુક્રેનના) વડા બનતા હોય ને (અમેરિકા-બ્રિટન-ભારત)ના વડાઓ ફારસ ને નાટક કરતા હોય, એવા સમયમાં શુભેચ્છાઓનું પણ અપડેટેડ વર્ઝન (શુભેચ્છાઓ 2.0) ન હોવું જોઈએ? એ દિશામાં એક પ્રયાસ તરીકે સૌ વાચકમિત્રો માટે વિક્રમ સંવતના નવા વર્ષ માટેની કેટલીક અપગ્રેડ કરેલી શુભેચ્છાઓની યાદી. 

નોંધઃ એક સમય હતો, જ્યારે ‘હાર્દિક શુભેચ્છા’ આપીએ ત્યારે તેમાં બીજા શબ્દને બદલે પહેલો શબ્દ જ મોટેથી વંચાતો હતો અને એ વાક્ય રાજકીય બની જતું હતું. લોકો બોલનારની સામે શંકાની નજરે જોતા હતા. હવે વ્યવહારમાં શુભેચ્છાઓ વધારે આઉટડેટેડ છે કે રાજકારણમાં હાર્દિક, એ નક્કી કરવું અઘરું બની ગયું છે ત્યારે 
તમને હાર્દિક શુભેચ્છા આપવામાં આવે છે કે—

- નવા વર્ષમાં સરકારને વધુ એક કાર્ડનો આઇડીયા ન આવે—એવું કાર્ડ, જે ફાઇનલ અને ફરજિયાત હોય અને જેની સાથે અત્યાર સુધીનાં બધાં કાર્ડ, બેન્ક ખાતાં, મોબાઇલ નંબર લિન્ક કરાવવા જરૂરી હોય અને જે લિન્ક કરાવવા માટે વધુ એક વાર તમારે કામધંધા છોડીને લાઇનમાં ઊભા રહેવાની જરૂર પડવાની હોય. 

- નવા વર્ષમાં બજેટ જાહેર થયા પછી અને તમે બજેટમાં થયેલી જાહેરાતો અને કરાયેલી જોગવાઈઓ પ્રમાણે બધા ફેરફારો કરી નાખ્યા હોય ત્યાર પછી, સરકાર તરફથી હોંશે હોંશે નવા સુધારાઓની જાહેરાત ન થાય અને તમારે જૂનું બધું વીંખવાનું ન થાય.

- નવા વર્ષે સાચું બોલવા, લખવા કે વાંચવા બદલ કે તમે જે ખાવ છો કે નથી ખાતા, એ બદલ અથવા તો તમે જે માનો છો કે જે નથી માનતા તે બદલ તમારી ‘લીંચાઈ’ ન થાય. મોહન ભાગવત માને છે કે ‘મોબ લિન્ચિંગ’ આપણી પરંપરાનો-આપણી સંસ્કૃતિનો શબ્દ નથી. ખેંચવાને ‘ખીંચાઈ’ કહીએ તેમ, ‘લિ્ન્ચિંગ’ને લીંચાઈ કહીએ તો કદાચ ભાગવતભાઈને અને તેમની વાત સાચી માનનારા ઘણાને બત્તી થાય અને તે સચ્ચાઈ સ્વીકારે, એમ માનીને આ નવો શબ્દ બનાવ્યો છે. પણ એ તમારા સંદર્ભમાં કદી ન વપરાય એવી શુભેચ્છા. 

- આવનારા વર્ષમાં વર્ષા ઋતુ આવે ત્યારે તમારા ગામ, નગર કે શહેરમાં વરસાદ પડે કે ન પડે, ખાડા અચૂક પડશે. માટે, એવી અવાસ્તવિક શુભેચ્છા આપીને અમે સરેરાશ નેતાઓની હરોળમાં બિરાજમાન થવા માગતા નથી. શુભેચ્છા એ છે કે ખાડા ભલે પડે, પણ તમે ખાડામાં ન પડો. (દેશ માટે આવી શુભેચ્છા આપી શકાય એમ નથી. કહ્યું નહીં, અવાસ્તવિક શુભેચ્છા નથી આપવી?)

- નવા વર્ષમાં તમે એકેય વાર તોતિંગ દંડ ભર્યા વિના, જાતે અકસ્માતનો ભોગ બન્યા વિના કે ખાસ તો, બીજા કોઈને અકસ્માતનો ભોગ બનાવ્યા વિના, જવાબદાર રીતે વાહન ચલાવતા થાવ અને ટ્રાફિકના નિયમ તોડવામાં નહીં પણ તેમનો અમલ કરવામાં ગૌરવ અનુભવતા થાવ. સરકાર ટ્રાફિકના નિયમો પાળવાનું કહે એટલે ઘણી વાર ગેરસમજ થાય છે. મોટા ભાગના લોકો એવું સમજે છે કે કૂતરાં કે બિલાડીની જેમ જ નિયમોને ‘પાળવાના’ હોય. એટલે કે તેમને પોતાના કાબૂમાં રાખવાના હોય, પોતાની ઇચ્છા પ્રમાણે તેમને રમાડવાના હોય અને ન ફાવે ત્યારે તેમની તોડમરોડ પણ કરાય. નવા વર્ષમાં તમે નિયમ પાળવાનો સાચો મર્મ સમજીને તેને અમલમાં મૂકી શકો, એવી શુભેચ્છા. 

- પહેલાં લોકોને કાર લાવવાના આશીર્વાદ અપાતા હતા. (‘બહુ કમાવ ને મોટરમાં ફરો’—એવા). પાર્કિંગની સમસ્યા ત્યારે હેલિકોપ્ટરના માલિકોને જ હતી અને ભારતમાં મોટા ભાગના લોકો પાસે હેલિકોપ્ટરનું તો ઠીક, બજાજ સ્કૂટરનું પણ ઠેકાણું ન હતું. છેલ્લા બે-એક દાયકામાં વાહનોની સંખ્યા એટલી વધી છે કે હવે લોકોને વાહનની નહીં, બારે મહિના ને ત્રણસો પાંસઠે દિવસ પાર્કિંગની ઇચ્છિત જગ્યા મળે એવી શુભેચ્છા આપવી પડે. તમને પણ નવા વર્ષમાં શુભેચ્છા કે કીડીને કણ અને હાથીને મણના ધોરણે તમને તમારી સાયકલ માટે ને ગાડી માટે પાર્કિંગની મનોવાંચ્છિત જગ્યા મળી રહે. અલબત્ત, વાસ્તવિકતાનો તકાદો ધ્યાનમાં રાખીને એક પેટાશુભેચ્છા પણ સાથે જ આપી દેવાની કે તમારું વાહન ‘નો પાર્કિંગ ઝોન’માં પાર્ક થયું હોય તો પણ ટોઇંગ વાનની બૂરી શિકારી નજરથી તે બચેલું રહે. 

- તમારે કદી તમારી બેન્કની તબિયતની ચિંતા ન કરવી પડે. તમારી બેન્કને નીરવ મોદીઓ, મેહુલ ચોક્સીઓ, વિજય માલ્યાઓ અને એવા બીજા અનેકોથી ભગવાન બચાવે. વિવેકબુદ્ધિવાદીઓ ભગવાનના અસ્તિત્વ વિશે શંકા વ્યક્ત કરી શકે છે, પણ આપણી બેન્કોને કોઈ સરકારી દેખરેખ સંસ્થાઓ કે એજન્સીઓ તો બચાવતી હોય એવું અત્યાર સુધી લાગતું નથી. એટલે બેન્કોને અને તેમાં રહેલાં તમારાં નાણાંને ‘દવાકી નહીં, દુવાકી જરૂરત’ હોય એવું માની શકાય. 

શુભેચ્છાઓની યાદી હજુ લંબાઈ શકે એમ છે. પણ ‘નવા વર્ષમાં તમને વાંચતા કંટાળો આવે તે પહેલાં લેખ પૂરો થઈ જાય’ એવી શુભેચ્છા આપવાને બદલે, તેનો અમલ કરીને લેખ અહીં જ પૂરો કરીએ.