ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): દુનિયા આખીમાં ગમે તેટલી કારમી આર્થિક મંદી ઘેરી વળે, પણ એક વ્યવસાયમાં કદી મંદી આવવાની નથી. તે ધંધો છે ધર્મના નામે બીકની લાકડી અને લાલચના ગાજરથી ચાલતો ધંધો. તે સદાબહાર રહેવા સર્જાયેલો છે અને સૌ જાણે છે કે ભારત આધ્યાત્મિક દેશ છે. એટલે ભારતમાં મંદી આવે તે શક્ય જ નથી. બીજી રીતે કહીએ તો, ભારતમાં મંદી છે એમ કહેવું તે ભારતની આધ્યાત્મિક પરંપરાનું અપમાન અથવા તેનો ધરાર અસ્વીકાર છે. દુનિયાની શ્રેષ્ઠ પાંચસો યુનિવર્સિટીમાં ભારતની એકેય યુનિવર્સિટીનું નામ આવતું ન હોવા છતાં, ભારતનો વિશ્વગુરુનો બનવાનો દાવો અને તેની પાછળનું રહસ્ય જે સુજ્ઞજનો સમજી શકે છે, તે બરાબર જાણે છે કે ભારતમા મંદી હોઈ જ ન શકે.

વિશ્વભરના વિદ્વાનો સ્વીકારે છે કે ભારત વિરોધાભાસોનો દેશ છે. કમ્પ્યુટર પર કંકુચાંદલા કરવા, ચંદ્રયાન-2ની પ્રતિકૃતિ તિરુપતિ મંદિરમાં મૂકવી કે પછી રાફેલનાં પૈડાં નીચે લીંબું મૂકવાં, એ ચોખલિયા બૌદ્ધિકોને હાસ્યાસ્પદ અને આબરુ કાઢનારું લાગતું હશે, પણ તેમાં જ ભારતીય સંસ્કૃતિનું રહસ્ય છૂપાયેલું છે. કમભાગ્યે એ રહસ્ય ફક્ત ચોક્કસ વિચારધારા સાથે સંકળાયેલા લોકો જ સમજી શકે છે. બાકીના લોકો આવાં ઉમદા રહસ્યોથી વંચિત ન રહી જાય, એટલા માટે એ વિચારધારાવાળા મિત્રો તેમની વિચારધારાનો ફેલાવો કરવાનો તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે. (આવા ‘તનતોડ’ પ્રયાસોને મોબ લિન્ચિંગ ગણી કાઢનારને માફ કરવા જેટલી ઉદારતા કે તેમની પર રાષ્ટ્રદ્રોહનો કેસ ઠોકી દેવા જેટલો રાષ્ટ્રવાદ આપણે કેળવવાં રહ્યાં.) કોઈને પણ પ્રેમ કરવા માટે કોઈને ઠમઠોરવાપડે, એ પણ પરંપરાગત ભારતીય વિરોધાભાસની જ અભિવ્યક્તિ છે. આવા વિરોધાભાસોનું સહઅસ્તિત્વ ભારતને વિશ્વગુરુ બનાવીને જ જંપશે—એવા વિશ્વનું ગુરુ, જ્યાં ટ્રમ્પ-પુતિન ઇત્યાદિની બોલબાલા હોય.

આટલી મીમાંસા એટલા માટે કરવી પડી, કારણ કે મંદી એ ગહન ચિંતન માગી લેતો વિષય છે. તેને સમજવો તે ઈશ્વરને સમજવા બરાબર છે—પણ એક પાયાના ફરક સાથે. નાસ્તિકો ઈશ્વરના ઇન્કાર માટે જેટલા તર્ક પ્રયોજે છે, તેમાંની ઘણી દલીલો મંદીના અનસ્તિત્વ માટે પ્રયોજવી પડશે. પરંતુ હિંદુ પરંપરામાં નાસ્તિકોનો પણ સ્વીકાર છે. એટલે રાષ્ટ્રની સેવા થતી હોય ત્યાં નાસ્તિકોના તર્ક પ્રયોજવા, એ ધર્મ અને રાષ્ટ્રધર્મ બંને દ્વારા માન્ય ગણાવું જોઈએ.

‘ઈશ્વર હોય તો તેમનાં દર્શન કરાવો, તો અમે માનીએ. બાકી, રૂબરૂ દેખાડી શકો ત્યારે વાત કરવા આવજો’—એવું કહેનારા બૌદ્ધિકો-નાસ્તિકો આ જ માપદંડો મંદીના મામલે અપનાવતા નથી. આને કહેવાય બૌદ્ધિકોનો દંભ. મંદી પણ ઈશ્વરની જેમ નિરાકાર છે. છતાં, લોકો ઈશ્વરને મંદિરમાં અને મંદીને માર્કેટમાં સ્થાપે છે. ઘણી વાર ઘણાં ઠેકાણે મંદિર છે કે માર્કેટ, એ બાબતે ગુંચવાડો થઈ શકે છે. છતાં, ઈશ્વરની અને મંદીની ચર્ચા અટકતી નથી. ‘ઈશ્વર લાકડી ફટકારે છે, પણ તેનો અવાજ આવતો નથી’—આવું આધ્યાત્મિક લોકો કહે ત્યારે તેમને હસી કાઢનારા, મંદીનું અસ્તિત્વ સાબીત કરવા માટે આવી જ દલીલ કરે છે. એ કહેશે, ‘જરા બજારમાં જઈને તપાસ તો કરો. સામાન્ય માણસો મંદીના મારથી બેવડ વળી ગયા છે.’ તેમને પૂછવામાં આવે કે ‘અમને તો બજારમાં બધા ટટ્ટાર ચાલતા જ દેખાયા. કોઈને બેવડ વળેલા જોયા નહીં.’ ત્યારે આ લોકો આસ્તિકની જેમ કહેશે, ‘એ તો તમને દેખાતા નથી. પણ અંદરથી બધા ઊંધા વળી ગયા છે. મંદીનો માર વાગે છે, પણ દેખાતો નથી. તમે ઈશ્વરની લાકડીનું કહો છો, એવું જ છે.’

એ લોકોનું ચાલે તો તે મંદીમાતાનાં મંદિદર બનાવે ને તેમને આરતીઓ રચે. પણ પોતાની બૌદ્ધિકતાના ભ્રમથી તે આવું કરી શકતા નથી અથવા સરકારને બદનામ કરવામાં તેમણે આટલું જ બાકી રાખ્યું છે. બાકી, કોઈ આસ્તિક જેમ ભગવાનના નામની માળા જપે, તેમ આ લોકો ‘મંદી, મંદી’ની માળા જપી રહ્યા છે. તે એટલી સાદી વાત સમજવા માગતા નથી કે જે દેશમાં રંગેચંગે ચૂંટણી થતી હોય ને થયા જ કરતી હોય, ત્યાં મંદી કેવી રીતે હોઈ શકે? કેમ કે, ચૂંટણી દેશની સૌથી મોટી આર્થિક પ્રવૃત્તિ છે. એ નિમિત્તે અર્થતંત્રમાં જે વેગ અને પ્રવાહીતા આવે છે, તે તો સરકારનાં ખાસ પેકેજ પણ નથી લાવી શકતાં.

દેશમાં મંદી નથી તેનો બીજો સજ્જડ પુરાવો એ છે કે આવતા અઠવાડિયે જ દિવાળી આવી રહી છે. જરા વિચારો, જ્યાં મંદી હોય ત્યાં દિવાળીના લાઇનબંધ તહેવાર આવી શકે ખરા? દિવાળીના તહેવારોના ટાણે મંદીની હવા ફેલાવનારા હકીકતમાં માત્ર અર્થતંત્રને કે તેના કર્તાહર્તાને જ નહીં, દિવાળીની ઉજવણીની પરંપરાને પણ બદનામ કરવા માગે છે. એક તરફ દેશના એક મંત્રીએ ત્રણ ફિલ્મોની કમાણીના આંકડા જેવી નક્કર હકીકત ટાંકીને જાહેર કરી દીધું હોય કે ‘આટલો વકરો થયો, તેનો મતલબ કે દેશમાં મંદી નથી’, ત્યારે આટલી સીધી વાત સાનમાં સમજી જવાને બદલે મંદીવાળા કહે છે, ‘મંદી બજારના પ્રત્યેક ક્ષેત્રમાં ભળેલી છે. પણ એ જોવા માટે તમારે પહેલાં ચોક્કસ પ્રકારના ચશ્મા ઉતારી નાખવા પડે. એ ચશ્મા હશે ત્યાં સુધી મંદી નહી દેખાય.’

આ ચર્ચા પરથી એટલું ચોક્કસ કહી શકાય કે ઈશ્વર-વિષયક ચર્ચામાં ઉત્સાહથી પ્રયોજાતી અતાર્કિકતાનું અર્થતંત્રને લગતી ચર્ચામાં કોઈ સ્થાન નથી.