ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): ના, આ સરેરાશ ચિંતનલેખો વિશેની ટીપ્પણી નથી કે તેમને 'ઘોંઘાટની અસર હેઠળ લખાયેલા’ જાહેર કરીને, સંબંધિત શખસોને શંકાનો કે સહાનુભૂતિનો લાભ અપાવવાનો છૂપો પ્રયાસ પણ નથી. આ વાત છે સામાન્ય-સ્વસ્થ દિમાગની નવરાત્રિની કર્ણભેદી રાતોમાં કેવી (અવ)દશા થઈ શકે તેની. સાંભળ્યું છે કે અમુક પ્રકારનાં ડ્રગ્સ લીધા પછી, નશો કરનારને આંખ સામે અવનવા રંગ દેખાય છે ને આજુબાજુની દુનિયા જુદી દેખાય છે. (એમ તો, સત્તાનો નશો કરનારને પણ આસપાસનું જગત ને તેની સમસ્યાઓ હોય તેના કરતાં જુદાં દેખાવા માંડે છે, એવો આપણો અનુભવ ક્યાં નથી?)

નવરાત્રિમાં, ખાસ કરીને ઘરની નજીક થતા ઘોંઘાટની અસરોને ડ્રગ્સની અસર સાથે સરખાવવામાં અતિશયોક્તિ લાગે, પણ 'નેતાઓ દેશની સેવા કરે છે’ એવા દાવા કરતાં ઘોંઘાટ-ડ્રગ્સવાળી અતિશયોક્તિ ઘણી માપસરની ગણાય. ફિલ્મોમાં જોયું છે તેમ, ડ્રગ્સની અસર હેઠળ ઘણાને આજુબાજુ બધું લાલ-લીલું-ભૂરું દેખાય છે. કંઈક એવો જ મામલો ઘોંઘાટનો લાગે છે. 'ઘોંઘાટ જેટલો મોટો, એટલી આંખ સામે દેખાતા રંગોની તીવ્રતા વધારે’--આવું સંશોધન કોઈ માનસશાસ્ત્રીએ કર્યું હોય તો ખબર નથી, પણ ઘોંઘાટ પ્રત્યે સંવેદનશીલ લોકોને તેનો અહેસાસ થતો રહે છે. માઇક પરથી માતાજીના નામે વહેતો ઘોંઘાટ અને તેની સામે કશું નહીં કરી શકવાની મજબૂરીથી ત્રસ્ત જણને આંખ સામે લાલપીળું દેખાવા લાગે છે. ભગ્નહૃદય પ્રેમીની જેમ તેને થાય છે કે આટલા અવાજથી પૃથ્વી ફાટી કેમ નથી પડતી અને આ સ્પીકરોને તેનામાં સમાવી કેમ નથી લેતી? ભાડેથી લવાયેલાં સ્પીકરો તેમને સોપારી આપીને રોકવામાં આવેલા ગુંડાઓ જેવાં લાગી શકે છે, જેમને કશી વ્યક્તિગત અદાવત ન હોવા છતાં, તે લોકોની શાંતિની ખાનાખરાબી માટે ઉતરી પડ્યાં છે.

ગુજરાતની સરખામણીએ બંગાળમાં માતાજીનું મહિષાસુરમર્દિની સ્વરૂપ વધારે જાણીતું છે. પરંતુ ઘોંઘાટત્રસ્ત માનસિકતામાં વિચાર આવે છે કે માતાજીએ હવે 'માઇકાસુરમર્દિની'નો અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે. આંખ સામે લાલપીળાં દેખાતાં હોય એવી અવસ્થામાં તેમને એવું દૃશ્ય દેખાય છે કે માતાજી ત્રિશુળ લઈને એક ખુંખાર અસુરનો સંહાર કરી રહ્યાં છે, જેના માથાની જગ્યાએ ઘોંઘાટ ફેલાવતું માઇકનું ભૂંગળું છે.

વધારે સ્વસ્થતાપૂર્વક વિશ્લેષણ કરનારા આસ્તિકો ઘોંઘાટને યોગ્ય નથી ઠરાવતા, પણ તેના માટેનું માનવું ગમે તેવું કારણ આપતાં કહે છે, ‘તમારે કમ સે કમ આ ઘોંઘાટાસુરોની પ્રામાણિકતાને તો વખાણવી જોઈએ. તે એટલો બધો ઘોંઘાટ મચાવે છે કે અહીં આપણું કામ નથી એવી માતાજીને દૂરથી જ ખબર પડી જાય અને તે નજીક ફરકે જ નહીં.’ ગરબાના સ્થળે ઝાકઝમાળ લાઇટિંગને કારણે રાતડી ઘોર અંધારી નહીં, પણ ઘોર અજવાળી હોય છે. તેનું પણ આ જ કારણ હશે ને?

જોકે, નશીલા પદાર્થોની જેમ (નવરાત્રિના) ઘોંઘાટની પણ જુદા જુદા લોકો પર જુદી જુદી અસર થાય છે. પ્રેમમાં પડેલાં કે પડવા ઇચ્છુક કે પડવાની સંભાવના ધરાવતાં લોકોને નવરાત્રિની રાતે માઇકમાંથી ફેંકાતા ઘોંઘાટમાં મીઠી ઘંટડીઓનો મંજુલ સ્વર સંભળાતો હોય ને આંખ સામે લાલપીળા નહીં, પણ ગુલાબી રંગ દેખાતા હોય તો કહેવાય નહીં. પહેલાંના સમયમાં નવરાત્રિના ઘોંઘાટની સાથે કામચલાઉ સ્વતંત્રતાનું સંગીત ભળેલું રહેતું. કારણ કે ઘણાં ઠેકાણે નવરાત્રિ સિવાય છોકરા-છોકરીઓ માટે હળવામળવાની તક ભાગ્યે જ મળતી. એ ન્યાયે હવેના નવરાત્રિ-ઘોંઘાટને 'સ્વતંત્રતા સપ્તાહ (કે નવ દિવસ)'ની ઉજવણી તરીકે ગણાવી શકાય. એવું થાય તો ઘોંઘાટના વિરોધીઓએ સ્વતંત્રતાના વિરોધી તરીકે ઓળખાવાની તૈયારી રાખવી જોઈએ.

ગરબામાં ઘણે ઠેકાણે ‘ડી.જે.’ના લોકપ્રિય નામે ઓળખાતાં, રાક્ષસી કદનાં, રાક્ષસી ઘોંઘાટ ફેલાવતાં સ્પીકર મુકાય છે. જૂની કથાઓમાં કહેવાતું હતું કે અમુક અત્યાચારીઓના ત્રાસથી ધરતી ધણધણી ઉઠી. 'ડી.જે. સ્પીકર’ના અવાજથી ફક્ત ધરતી કે આજુબાજુનાં મકાનોની બારીઓના કાચ જ નહીં, સાંભળનારાનું કાન સહિતનું આખું શરીર ધણધણી ઉઠે છે. તેમને જોઈને (સાંભળીને) એવી શંકા જાય કે અસલમાં ગુનેગારોને આકરો છતાં શરીર પર જેનાં ચિહ્નો દેખાય નહીં એવો ત્રાસ આપવા માટે કોઈ મૌલિક પોલીસ અધિકારીએ આવાં સ્પીકર તૈયાર કરાવ્યાં હશે.  સામાન્ય રીતે અત્યંત મોટા અવાજે વાગતાં આ સ્પીકરોનું 'સંગીત’ લાગલગાટ એક-બે કલાક સુધી કોઈને સંભળાવવામાં આવે, તો રીઢા ગુનેગારો ભલભલા (પોલીસતપાસની પરંપરા મુજબ તો, ન કર્યા હોય એવા) ગુના પણ કબૂલી લે, એવું ઘોંઘાટત્રસ્તોને લાગે છે.

રસ્તા પરથી પસાર થતા વરઘોડામાં, સ્પીકરનો ખડકલો ધરાવતી ટ્રકની બરાબર સામે ઊછળી ઊછળીને નાચતા લોકો જોઈને ત્રસ્તો વિચારી શકે છે કે એ લોકો કોઈ અદૃશ્ય-અકથ્ય વેદનાના માર્યા તેમના હાથ-પગ ઉલાળી રહ્યા હશે. ધ્યાનથી જોયા પછી તેમને જ્યારે સમજાય છે કે કાન ફાડી નાખે એવા ઘોંઘાટમાં, લોકો શબ્દાર્થમાં આનંદથી નાચી રહ્યા છે અને તે ત્રસ્ત નહીં, મસ્ત છે.  ત્યારે એવો વિચાર આવે છે કે આ લોકોએ પહેલી તકે રાજકારણમાં જોડાઈ જવું જોઈએ. કેમ કે, બીજાને હેરાન-પરેશાન-અસ્વસ્થ કરી મૂકે એવી વાત તેમને જરાય અડતી નથી. એટલું જ નહીં, તે એમાંથી આનંદ લઈ રહ્યા છે અને અપેક્ષા રાખી રહ્યા છે કે કોઈએ તેમની સામે આંગળી ચીંધવી જોઈએ નહીં. બલ્કે, જો તેમને ધર્મ-સંસ્કૃતિ-પરંપરા વહાલાં હોય તો તેમણે, પોતાની ખુશીના ભોગે પણ, નાચનારાના આનંદમાં ભાગ લેવો જોઈએ.