મેરાન્યૂઝ નેટવર્ક.જૂનાગઢ: બોલિવુડ સુપરસ્ટાર આમીરખાન ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે પરિવાર સાથે વહેલી સવારે 6.30 કલાકે આમીરખાન સાસણમાં સિંહ દર્શન પર નીકળી પડ્યો હતો. જિપ્સીમાં તેમની પત્ની કિરણ રાવ અને બાળકો પણ સવાર થયા હતા. આમીરે પહેલીવાર સાસણ ગીરમાં મુલાકાત કરી છે. ત્યારે વન વિભાગનાં અધિકારી મોહન રામ ખુદ તેઓને સિંહ દર્શન કરાવવા સાથે રહ્યા હતા.

આ તકે સિંહને જોઈને ફિલ્મ સ્ટાર આમીરખાન ખુશ થયા હતા. અને મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, સિંહ જોવાનો મોકો મળતા ખૂબ જ આનંદિત છું. હું લગ્નની વર્ષગાંઠ ઉજવવા પરિવાર અને નજીકના મિત્રો સાથે અહીં આવ્યો છું. આજે જુદા-જુદા ચાર જેટલા રૂટ પર 13 સિંહો નિહાળીને રોમાંચિત થયો છું. એશિયાટિક લાયન ખરેખર દેશનું ગૌરવ છે. 


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે, આમીર અને તેના પરિવાર માટે વન વિભાગે ખાસ 6 નવી નક્કોર જીપ્સી તૈયાર રાખી હતી. આમીર સાસણમાં હોઈ અહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. બોલિવુડ સ્ટારનો પરિવાર ત્રણેક કલાક જંગલમાં ફર્યો હતો. જેમાં આમીરખાનની સાથે પત્ની કિરણ રાવ, પુત્ર આઝાદ, પુત્રી ઇરા અને ભત્રીજા ઇમરાન, આમીરની પ્રથમ પત્ની રીના દત્તા અને ઇમરાનની પુત્રી ઇમારા મલિક ખાન પણ જોવા મળી હતી.