મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું આજે વહેલી સવારે નિધન થયું છે. તેઓ 98 વર્ષના હતાં. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે આજે સવારે 7: 30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 30 જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 

નોંધનીય છે કે 6 જૂનના રોજ દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ પડતાં આ જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું. ડૉક્ટર્સ પાણી બહાર કાઢ્યું હતું અને પાંચ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગત વર્ષે દિલીપ કુમારના બે નાના ભાઈઓના કોરોનાને કારણે મોત થયા હતા. 2020માં બંને ભાઈઓ અસલમ ખાન (80) તથા અહેસાસ ખાન (90)નું મોત કોરોનાને કારણે થયું હતું. 

Advertisement


 

 

 

 

 

દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે 'જ્વાર ભાટા', 'અંદાજ', 'આન', 'દેવદાસ', 'આઝાદ', 'મુગલ-એ-આઝમ', 'ગંગા જમુના', 'ક્રાંતિ', 'કર્મા', 'સૌદાગર' સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લે તેઓ ફિલ્મ 'કિલા'માં જોવા મળ્યા હતા. દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ આઠ વાર મળ્યો હતો. હિંદી સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 2015માં સરકારે તેમને પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત કર્યા હતા.
 

Advertisement