ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ચીને અસરકારક રીતે કોરોના મહામારી પર નિયંત્રણ મેળવી લેતા ૨૦૨૦માં આયર્ન ઓરની આયાતમાં વર્ષાનું વર્ષ ૬૦ ટકાનો ઉછાળો આવ્યો હતો, એમ સોમવારે તેન્જિન પોર્ટ કસ્ટમ્સે કહ્યું હતું. આથી માર્ચ મહિના માટે કહી શકાય કે ચીનમાં ઉત્પાદન વૃધ્ધિ જોતાં સ્ટીલની માંગ પણ વધશે, જે માલભરાવો ઓછો કરશે, જેની ભાવ પર હકારાત્મક અસર ઊભી થશે. આ ઘટનાનું પ્રતિબિંબ આયર્ન ઓરના ભાવ વધારામાં જોવાશે.

આયર્ન ઓર માટેનો આંતરપ્રવાહ આમ પણ તેજી તરફી છે, તેથી ચીનમાં ભાવ વધારો સતત જળવાઈ રહેશે. માયસ્ટીલનો તાજો સર્વે કહે છે કે ૧૯થી ૨૫ ફેબ્રુઆરી સપ્તાહમાં ચીનની ૨૪૭ સ્ટીલ મિલોએ તેમની બ્લાસ્ટ ફરનેસ ક્ષમતાનો ઉપયોગ ૯૨.૨૮ ટકા હાંસલ કર્યો હતો. ચીનના ક્વિંગડાઓ પોર્ટ ડિલિવરી, ૬૨ ટકા બેન્ચમાર્ક આયર્ન ઓરના સ્પોટ ભાવ શુક્રવારે ૧૭૬.૩ ડોલર પ્રતિ ટન મુકાયા હતા, જે સપ્ટેમ્બર ૨૦૧૧ પછીના સૌથી ઊંચા હતા.


 

 

 

 

 

અલબત્ત, સોમવારે ચીન સરકારે તેના પરિયાવરણ લક્ષ્યાંકો પૂર્ણ કરવા હવામાનમાં ફેલાતા ગેસ નિયંત્રિત કરવાનું વિચારશે અને ૨૦૨૧માં કાચા સ્ટીલનું ઉત્પાદન ઘટાડવામાં આવશે, એવા અહેવાલ પછી સોમવારે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. એ સાથે જ આયર્ન ઓરના ભાવ ગબડીને ૧૭૪.૫૫ ડોલર બોલાયા હતા.

પરંતુ ચીનના ડાઉન સ્ટ્રીમ બજારમાં થઈ રહેલો તબક્કાવાર સુધારો જોતાં, આયર્ન ઓરના ભાવમાં સુધારાને અવકાસ છે. ફેબ્રુઆરીમાં લ્યુનાર નવા વર્ષની લાંબી રજાઓને કારણે ચીનમાં ફેકટરીમાં રજાઓ હોવાથી પ્રવૃત્તિ પ્રમાણમાં ધીમી પડી ગઈ હતી. અલબત્ત, ઉત્પાદનમાં વહેલી શરૂઆતને કારણે વિકાસ વૃધ્ધિ મજબૂત હતી.

૨૦૦૩માં ચીનમાં વિકાસ મોડેલને અપનાવાતા સી બોર્ન આયર્ન ઓરના ભાવમાં જબ્બર ઉછાળો આવ્યો હતો. ઑસ્ટ્રેલિયા, બ્રાજીલ અને જપાને દાયકાઓ સુધી વાર્ષિક આયર્ન ઓર ભાવ પર ઇજારાશાહી ભોગવી તેને ભારતીય સપ્લાયરોએ તોડી નાખી છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે ૨૦૧૨માં ચીનમાં ભાવ આસમાને ગયા હતા, ત્યાંથી તૂટવા લાગ્યા હતા. એ સમયે ભાવ ૧૯૦ ડોલરની ઊંચાઈએથી, બજારમાં ભારતની નવી સપ્લાય બજારમાં આવતા જ ભાવ ગબડીને ૨૦૧૫માં ૩૦ ડોલરના તળિયે આવી ગયા હતા.


 

 

 

 

 

જેવી ચીનની માંગ વધવા લાગી કે તુરંત પરંપરાગત સપ્લાયરોની ઇજારાશાહી અને ભાવ મિકેનિઝમ બંને ભાંગીને ભુક્કો બોલી ગયું હતું. ભારતના ગોવા અને કર્ણાટકના સપ્લાયરોએ જૂની ભાવ યંત્રણાની બહાર રહીને ચીનની માંગનો બહુ નાનો હિસ્સો પૂરો પાડવાની શરૂઆત કરી હતી. આજે ભારતના ઈસ્ટ કોસ્ટ એફઓબી શરતના ૫૭ ટકાના આયર્ન ઓર ભાવ ૬ ડોલર ઊંચા ૯૮ ડોલર આસપાસ મુકાયા હતા. સૂત્રો કહે છે કે ૧.૫ લાખ ટન, ૫૭ ટકા લો ગ્રેડ આયર્ન ઓર નિકાસના સોદા ગોઠવાઈ ગયા છે. 

વર્લ્ડ સ્ટીલ એસોસિયેશનના ડેટા કહે છે કે જાન્યુઆરીમાં વૈશ્વિક કાચા સ્ટીલનું ઉત્પાદન ગતવર્ષની તુલનાએ ૪.૮ ટકા વધીને ૧૬૩૦ લાખ ટનની ઊંચાઈએ પહોંચી ગયું હતું. સિંગાપુરની ડેરિવેટિવસ બજારમાં ખાસ કરીને આયર્ન ઓર વાયદો જે સાત વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યો હતો તે વર્ષાનું વર્ષ ૭૦ ટકા ઉછળીને વિક્રમ ઊંચાઈએ પહોંચી ગયો હતો.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)