મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ત્રણ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ સરકારને મંત્રીમંડળનું વિસ્તરણ કરવું પડે તેવી રાજકીય સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. જસદણ પેટાચૂંટણીમાં જોરદાર વિજય પછી પણ ભાજપમાં સરકારથી લઇ સંગઠનમાં ભારે વિવાદ અને અસંતોષ સાથે જૂથબંધી સપાટી પર દેખાઈ રહી છે. જેમાં મુખ્યમંત્રીના વતનમાંથી જ કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની અફવા ચલાવી એક કાંકરે અનેક પક્ષીઓ મારવાની પ્રયુક્તિ અજમાવવામાં આવી રહી છે. તેમાં ભાજપમાં રહેલો આંતરિક અસંતોષ લોકસભામાં ૨૬ બેઠકોના વિજયી લક્ષ્યાંકને સાકાર થવા નહીં દે તે નિશ્ચિત છે.

કોંગ્રેસને રામ..રામ.. કરીને માત્ર ચાર કલાકમાં જ કેબીનેટ મંત્રી બની ગયેલા કુંવરજી બાવળિયાની દિલ્હી મુલાકાતે ભાજપ સહીત સમગ્ર ગુજરાતમાં રાજકીય તોફાન સર્જ્યું છે. આમ તો “વા વાયુ ને... નળિયું ખસ્યું...” જેવી ભાજપની સ્થિતિમાં કુંવરજી બાવળિયાએ નાયબ મુખ્યમંત્રી બનવાની વાતને રદિયો આપ્યો છે. પરંતુ પક્ષ સોપે તે જવાબદારી નિભાવવાની સૂચક વાત કહીને ખાસ કરીને સૌરાષ્ટ્ર ભાજપના દિગજ્જોને દોડતા કરી દીધા છે. મોદી-શાહ કુંવરજીનો ચહેરો આગળ ધરીને કોળી તેમજ સૌરાષ્ટ્રના ઓબીસી મત અંકે કરવા માંગે છે. જેમાં લોકસભા પહેલા બાવળિયાની સાથે કોંગ્રેસના ઘણાં અસંતુષ્ટો પણ ખેંચી લાવવાનું રાજકીય ગણીત રહેલું છે.

જ્યારે રાજકોટમાંથી જ નાયબ મુખ્યમંત્રી બનવવાની વાતથી વિજય રૂપાણીને ભયભીત કરવાનું ષડ્યંત્ર છે. તો બીજા નાયબ મુખ્યમંત્રી બનાવી અથવા નીતિન પટેલને દુર કરી આ પાટીદાર નેતાને ફરી નારાજ કરવા સાથે સમગ્ર પાટીદાર સમાજને ભીડાવી દેવાનો આઈડિયા છે. બાવળિયાને કેબીનેટ મંત્રી બનાવાતા ભાજપના અનેક વગદાર નેતાઓ આજે પણ નારાજ છે. ત્યારે બીજીતરફ રાજ્યના બોર્ડ-નિગમોમાં હજુ સુધી સીનીયર કાર્યકરોની નિમણુંક કરવામાં નહીં આવતા અસંતોષ વ્યાપેલો છે. એ જ રીતે ઘણા ધારાસભ્યો ગાડી-બંગલા ઈચ્છે છે પરંતુ સંસદીય સચિવ બનાવ્યા નહીં હોવાથી દરરોજ સ્વર્ણિમ સંકુલના આંટાફેરા કરી નિરાશ થઇ ગયા છે.

એઈમ્સન રાજકોટમાં ફાળવણીથી એઈમ્સ માટે વડોદરાની માંગ કરતા દક્ષિણ-મધ્ય ગુજરાતના દોઢ ડઝન ધારાસભ્યો પણ નારાજ છે. એકતરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું ખુલ્લેઆમ કહી રહ્યા છે. ત્યારે અધિકારીઓ દ્વારા કામ થતા નહીં હોવાની ફરિયાદ સાથે ભાજપના નારાજ ધારાસભ્યો સહીત કાર્યકરોની વિશાળ સંખ્યા છે. લોકસભાની ચૂંટણી માટે ભાજપમાં ચહેરા બદલાતા અને ટીકીટ નહીં મળતા અસંતોષ વધવાનો છે. ત્યારે ભાજપની આ આંતરિક પરિસ્થિતિને થાળે પાડવા સાથે લોકસભામાં ૨૬નો મેજિક આંક ફરી મેળવવા માટે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી રાજકીય પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.