મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ જિલ્લાનાં કોગ્રેસ પ્રમુખ ખોડાજી ઠાકોરની મનમાનીને કારણે નારાજ કોંગ્રેસના સભ્યનો લાભ ભાજપે ઉઠાવી લીધો અને કોંગ્રેસના છ સભ્યોએ બળવો પોકારી ભાજપને ટેકો જાહેર કરતા અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના જીતેન્દ્રસિંહ ચૂંટાઈ આવ્યા હતા. અમદાવાદ જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાં આંચકી લેવામાં ગુજરાતની એક સૌથી મોટી સહકારી બેન્કના ચેરમેન દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાની જાણકારી છે.

અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પુષ્પાબહેન ડાભીની મુદત પુરી થતા કોંગ્રેસના પ્રમુખ ખોડાજી ઠાકોર દ્વારા પંચાયતના સભ્ય અમરસિંહનું નામ આગળ કરી તેમના નામનો મેન્ડેન્ટ આપ્યો હતો, જો કે કારોબારીના સભ્ય મનુજી ઠાકોર પ્રમુખ થવા માગતા હતા. મનુજી અને ખોડાજી વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો, વિધાનસભાની ચૂંટણીમાં પણ મનુજી ઠાકોરને વિધાનસભાની ટીકીટ મળી ન્હોતી તેઓ માની રહ્યા છે તેમાં પણ ખોડાજીની ભૂમિકા હતી. હવે પ્રમુખમાંથી પણ તેમના નામ કપાઈ જતા તેઓ નારાજ થયા હતા.

ગુજરાતની સહકારી બેન્કના ચેરમેનને આ ઓપરેશ પાર પાડવાની જવાબદારી સોંપાઈ હતી, તેમણે કોંગ્રેસના 18માંથી 6 સભ્યોને તોડી ભાજપમાં લઈ આવવાનું કામ કર્યું હતું, જેના કારણે કોંગ્રેસ લધુમતીમાં મુકાઈ ગઈ હતી. કોંગ્રેસના અમરસિંહની હાર થઈ અને ભાજપના જીતેન્દ્રસિંહ 6 બળવાખોરોની મદદ મળતા ચૂંટાઈ આવ્યા હતા આમ અમદાવાદ જિલ્લાં પંચાયતમાં હવે કમળ ખુલી ગયું છે.