પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આ પહેલી એવી આપદી છે જેને રોકવા તંત્રને પોલીસનો ઉપયોગ કરવો પડે છે. જેના કારણે અવારનવાર પોલીસ અને પ્રજા આમને સામને થઈ જાય છે. પ્રજાનો આક્રોશ છે કે કોવીડ ગાઈડ લાઈનનો અમલ કરાવવાનો આગ્રહ માત્ર જનતા પાસે જ રખાય છે પરંતુ નેતાઓનો વખત આવે ત્યારે પોલીસ મુકપ્રેક્ષક બની જાય છે, પરંતુ એક વર્ષમાં આ પહેલી ઘટના છે જેમાં અમરેલીના એએસપી અભય સોનીએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના મુદ્દે ભાજપના નેતાઓને પડકારવાની હિંમત કરી જેના 24 કલાકમાં અભય સોનીની અમરેલીથી ગાંધીનગર એસઆરપીમાં બદલી કરવાનો આદેશ થઈ ગયો છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના મુદ્દે પોલીસ બહુ આકરી થઈ રહી છે તેવી પ્રજાની ફરિયાદ સરકાર અવગણી રહી હતી, જનતાનો આક્રોશ હતો કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના મુદ્દે પોલીસ જે રીતે લોકો સામે આકરી થાય છે તેવી આકરી કોઈ નેતાઓ સામે થતી નથી, આ નેતા ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, પણ પોલીસ કાયદાની તાકાત નેતાઓને બતાડતી નથી. પોલીસ માટે કાયદાનો અમલ એટલે માત્ર પ્રજા.


 

 

 

 

 

અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે અમરેલીના એએસપી અને 2017ની બેચના આઈપીએસ અભય સોનીને નાઈટ પેટ્રોલીંગની જવાબદારી સોંપી હતી. એએસપી અભય સોની નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તેમના ધ્યાનમાં આવ્યું કે કેટલાક લોકો જાહેર સ્થળે મંચ બનાવવાનું કામ કરી રહ્યા છે. ઘટના એવી હતી કે, અમરેલીના નેતાઓ દ્વારા રસીકરણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રવિવારના રોજ ખુદ ભાજપ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેવાના હતા. શનિવારની રાત્રે પેટ્રોલીંગમાં નિકળેલા અભય સોનીના ધ્યાનમાં આવ્યું કે આ કાર્યક્રમની તૈયારી કરી રહેલા લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં નથી અને માસ્ક પહેરતા નથી. જેથી તેઓ ત્યાં પહોંચ્યા. આ કાર્યક્રમના આયોજકો પૈકીના ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણીના ભાઈ મુકેશ સાંઘાણી પણ ત્યાં હતા.

અભય સોનીએ કોવીડ ગાઈડ લાઈન્સનો અમલ કેમ થતો નથી તેવો પ્રશ્ન પુછતાં ગરમાગરમી શરૂ થઈ ગઈ હતી. એક તરફ સરકારમાં રહેલા ભાજપના નેતાઓ હતા બીજી તરફ એક યુવાન આઈપીએસ અધિકારી હતા. બંને પોતાની સત્તાનો ઉપયોગ કરી રહ્યા હતા. આ દરમિયાન પહેલા ઉગ્ર બોલાચાલી થઈ અને પછી ઝપાઝપી થઈ હતી. બસ નેતાઓને ફાવતું જડી ગયું અને પોલીસે માર્યા.... પોલીસે માર્યા... કરીને નેતાઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા. કાર્યકરોના ધરણાં અને સરકારને ધમકી મળી ગઈ, સવાલ અહીં આબરૂનો થઈ ગયો. અભય સોની સામે પગલા લેવાની માગણી ઉઠી. અહીં સવાલ અભય સોની સાચા છે કે ખોટા છે તેનો છે જ નહીં. સવાલ એવો છે કે પોલીસ કોવીડની ગાઈડ લાઈનનો અમલ કરાવવામાં કડકાઈનો વધુ પડતો ઉપયોગ કરી રહી છે તેવી ફરિયાદ આમ પ્રજાની છે, પરંતુ સરકાર ત્યારે પ્રજાની ફરિયાદની અવગણના કરે છે પણ હવે સવાલ અમરેલીના ભાજપના નેતાનો હતો. ગામમાં પોતાનો વટ અને આબરુ જાળવવાની હતી.


 

 

 

 

 

ભાવનગર રેન્જના આઈજીપી અશોક કુમાર યાદવે આ મામલે રજૂઆત મળતા 3 દિવસમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કોણ સાચું કોણ ખોટું તે નક્કી થવાનું બાકી હતું, પરંતુ વાત મમત્વની છે, અશોક યાદવ બોલ્યા તેના કલાકમાં જ અભય સોનીની બદલી અમરેલીથી ગાંધીનગર એસઆરપી ગ્રુપમાં કરી દેવામાં આવી.

આ મામલે દિલિપ સાંઘાણીએ આખી ઘટનાને વ્યક્તિગત બનાવી અમરેલી પોલીસ પર દારુ અને રેતી ખનના મુદ્દા પણ ઉઠાવ્યા, પરંતુ અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની પ્રામાણિક્તાને કોઈ પણ મુદ્દે કોઈ પડકારી શકે તેવી સ્થિતિ નથી. એક નવા આઈપીએસ અધિકારી અભય સોનીના વ્યવહારમાં ભૂલ થઈ શકે, પરંતુ તેમના ઈરાદામાં ખોટ ન્હોતી. પણ રાજનેતા ભૂલી જાય છે કે આવા તમામ પ્રામાણિક અધિકારીઓને બદલીના ડરથી ડરાવી તેઓ આપણી જ સીસ્ટમને નબળી કરી રહ્યા છે. સરકાર આવતી જતી રહેશે, પરંતુ કાયદાનો અમલ કરાવનાર અધિકારીઓ જ જો ડરપોક અને પાંગળા હશે તો આપણે જે લોકશાહીની દુહાઈ આપીએ છીએ તે જર્જરિત ઈમારત જેવી હશે.