પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાત સહિત દેશના વિવિધ રાજયોમાં જ્યાં ભાજપ જીતી રહ્યું છે અને દેશની સૌથી મોટી પાર્ટી તરીકે દેશમાં સૌથી લાંબુ શાસન કરનાર કોંગ્રેસ શરમજનક રીતે હારી રહી છે. ઈન્દીરા ગાંધીના શાસન વખતે જેવી સ્થિતિ જનસંઘની હતી. તેના કરતા પણ બદ્દતર સ્થિતિમાં કોંગ્રેસ આવી રહી છે, ખાસ કરી ગુજરાતની વાત કરીએ તો 1990થી કોંગ્રેસ સત્તાની બહાર છે, છતાં કોંગ્રેસના નેતાઓનો મદ હજી તેઓ સત્તામાં હોય તેવો છે, સત્તાની બહાર રહી ત્રણ દાયકા થઈ ગયા, તેમનું તેમને માઠું પણ લાગતું નથી. લોકસભાથી લઈ સામાન્ય પંચાયતની ચૂંટણી પણ કોંગ્રેસ હારી રહી છે, આમ છતાં દરેક નેતા જાણે પ્રદેશ નેતા જ હોય તેવા કૈફમાં રાચ્યા કરે છે. કોઈ પણ પક્ષ સત્તામાં લાંબો સમય રહે ત્યારે પ્રજાનો આક્રોશ સત્તાધારી પક્ષ સામે સ્વભાવીક રીતે ઊભો થતો હોય છે, ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપ સત્તા ઉપર હોવાને કારણે ગુજરાતના મતદારો પણ ભાજપથી કોઈને કોઈ કારણે નારાજ હોવા જોઈએ, આમ છતાં ભાજપ એક પછી એક સત્તાઓ મેળવી રહ્યું છે તેમાં ભાજપના કૌવત કરતા કોંગ્રેસની મુર્ખામી અને બેજવાબદારી વધુ જવાબદાર છે.


 

 

 

 

 

ગુજરાતની જે પ્રજા ભાજપને મત આપે છે તે ભાજપના કામથી ખુશ છે તેવું કોઈ ભાજપીએ માની લેવાની જરૂર નથી, ખરેખર તો ભાજપને જાહેરમાં ભાંડતા મતદારો પણ જયારે મત આપવા જાય છે ત્યારે કમળનું બટન દબાવે છે, તેનું કારણ એવું છે કે ભાજપને ધીક્કરતા મતદારને ખબર છે, કે જો ભાજપને મત નહીં આપી કોંગ્રેસને મત આપ્યો તો આપણી જીંદગી હમણાં જેવી છે તેના કરતાં પણ બદ્દતર થઈ જશે, કારણ કોંગ્રેસ સરકારમાં તો ઠીક પણ વિરોધપક્ષ તરીકે પણ પોતાની ભૂમિકા પ્રમાણિકપણે બજાવી શકતો નથી. આમ કોંગ્રેસને સત્તા મળે તેવું તો ગુજરાતનો મતદાર ઈચ્છતો નથી પરંતુ કોંગ્રેસ વિરોધ પક્ષમાં બેસે તે પણ મતદારોને મંજુર નથી, આ બહુ નાજુક અને જોખમી સ્થિતિ કોંગ્રેસ માટે છે, કારણ જે પક્ષને પ્રજા સત્તા તો  દુરની વાત રહી પણ વિરોધપક્ષ તરીકે બેસવા દેવા માગતી નથી.

ત્રીસ વર્ષથી સત્તાની બહાર હોવા છતાં કોંગ્રેસના પ્રજાના પ્રશ્ન નજરે પડતા નથી અને પ્રશ્નો નજરે પડે છે તો પ્રજાની લાચારીને કોંગ્રેસ માત્ર પ્રેસનોટ અને પ્રેસ કોન્ફરન્સમાં સ્થાન આપી પોતાની જવાબદારી પુરી કરે છે, ગુજરાતમાં કોંગ્રેસની સત્તા હતી ત્યારે લાઈટ બીલમાં બે રૂપિયા વધે તો અશોક ભટ્ટ રીલીફ રોડ ઉપર ફાનસ સરઘસ કાઢતા હતા. તેલના ડબ્બામાં એક રૂપિયાનો વધારો થાય તો ભાજપ ડબ્બા સરઘસ કાઢતું હતું. ભાજપની પ્રથમ હરોળના એક પણ નેતાની પીઠ એવી નહીં હોય કે જેમણે પોલીસની લાઠીનો સ્વાદ માણ્યો ના હોય. જ્યારે કોંગ્રેસના નેતા હજી એસી ચેમ્બર અને એસી કારની બહાર નિકળતા નથી. ગાંધીની યુગથી સંખ્યાનું મહત્વ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ ટોળા ભેગા કરવાની ક્ષમતા ગુમાવી બેઠા છે. કોંગ્રેસના તમામ વિરોધ કાર્યક્રમો પ્રતિકાત્મક હોય છે. તેનું કારણ કોંગ્રેસી નેતાઓ પોતાનો કંફર્ટ ઝોન છોડવા તૈયાર નથી. તેઓ શાસન દરમિયાન મળેલી સમૃધ્ધીમાં આળોટી રહ્યા છે, જે નેતા પ્રજાના પ્રશ્ન અંગે બોલતો નથી અને જે નેતા પ્રશ્ન માટે રસ્તા ઉપર ઉતરતો નથી તેને શું કામ પ્રજા મત આપે.


 

 

 

 

 

જુથવાદ ભાજપમાં પણ છે, પણ કોંગ્રેસનો જુથવાદ શેરીઓના શ્વાનને પણ ટક્કર મારે તેવો છે, દરેક પોતાની શેરીનો વિચાર કરે, પોતાની શેરીમાં બીજાને પ્રવેશ કરવાની છુટ નથી, પોતાની નિર્બળતા અને મર્યાદાઓ તરફ પોતે લક્ષ આપવું નથી અને કોઈ ધ્યાન દોરે તો તે પસંદ પણ નથી, જુથવાદ તો ભાજપમાં પણ છે પરંતુ શિસ્તના નામે ભાજપને તમામ વાદને શાંત કરતા આવડે છે, પણ કોંગ્રેસનો જુથવાદ ભવાડો બની રસ્તા ઉપર આવી જાય છે અને પ્રજા આ બધુ જોવે છે, ત્યારે તેમને લાગે છે ભાજપ જેવી છે તેવી તેને ચલાવી લઈએ, કોંગ્રેસના નેતાઓ રસ્તા ઉપર તો ઉતરતા નથી, પણ રૂમમાં બેસી હોમવર્ક પણ કરતા નથી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે બોલે છે તે બધુ જ સાચુ હોતુ નથી, પણ તેઓ તર્કબધ્ધ રીતે પોતાનો મત રજુ કરે છે, રાહુલ ગાંધીથી લઈ પ્રદેશના નેતાઓ બફાટ સિવાય કાંઈ કરતા નથી કારણ તેઓ વિષયનો અભ્યાસ કરતા નથી, નરેન્દ્ર મોદી પસંદ ના હોય તો પણ માત્ર નરેન્દ્ર મોદીને ભાંડનાર કોંગ્રેસી નેતા પ્રજાને મંજુર નથી.

ગુજરાતમાં મનિષ દોશી અને હિમાંશુ પટેલ જેવા જુજ કોંગ્રેસી નેતા છે. જેઓ વિષયનો પુરતો અભ્યાસ કરે છે અને તર્કબધ્ધ મત મુકે છે, પણ બાકીના નેતાઓને આટલી  તસ્દી પણ લેવી નથી. લોકશાહી માટે વિરોધપક્ષની ગેરહાજરી અથવા પાંખી હાજરી ખુબ જ ઘાતક છે, કોંગ્રેસના શાસનમાં ઈન્દીરા ગાંધીએ દેશની જે સ્થિતિ કરી હતી તેવી સ્થિતિમાં ફરી નિર્માણ થઈ રહી છે પણ એક ખાડામાંથી બહાર નિકળી બીજા ખાડામાં પડતી કોંગ્રેસ નેતાઓએ પોતાનો સંભાળી લેવાની જરૂર છે, નહીંતર હમણાં જેમ ડાયનાસોર પાર્ક છે તેમ કોંગ્રેસની સ્થિતિ ડાયનાસોર જેવી થઈ જશે.