મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે ,આગામી તારીખ ૬ જુલાઈથી સમગ્ર દેશમાં ભાજપા દ્વારા સંગઠનપર્વ અંતર્ગત સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવશે. હાલ સમગ્ર દેશમાં કુલ 11 કરોડ સદસ્યો સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં ભાજપા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. આગામી સદસ્યતા અભિયાન દ્વારા સમગ્ર દેશમાં ઓછામાં ઓછા 2 કરોડ 20 લાખ નવા સદસ્યો બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય યોજના મુજબ આગામી 6 જુલાઈ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસથી ગુજરાતમાં પણ પ્રદેશ ભાજપા દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય ભાજપા દ્વારા આ સદસ્યતા અભિયાનના ગુજરાત પ્રદેશ સંયોજક તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ તેમજ સદસ્યતા અભિયાનના ગુજરાત પ્રદેશ સહ સંયોજક તરીકે પૂર્વ ગૃહરાજ્યમંત્રી અને ભાજપા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી રજનીઈ પટેલને જવાબદારી સોપવામાં આવેલ છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો 'સૌનો સાથ - સૌનો વિકાસ' ના મંત્ર સાથે કાર્યરત છે ત્યારે ભાજપા સંગઠન 'સર્વસ્પર્શી ભાજપા - સર્વવ્યાપી ભાજપા' ના મૂળ મંત્ર સાથે સમાજના દરેક વર્ગ તેમજ તમામ વિસ્તારના લોકોને જનસેવા અને રાષ્ટ્રસેવાના ભાવ સાથે ભાજપા સાથે જોડાવા માટે અપીલ કરવામાં આવશે.