મેરાન્યૂઝ નેટવર્ક, અમેઠી: તાજેતરમાં યોજાયેલ લોકસભા ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની માટે જોરદાર પ્રચાર કરનાર ભાજપના સ્થાનિક નેતાની કેટલાક અજાણ્ય શખ્સોએ ગોળીમારી હત્યા કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમેઠીના બરૌલિયા ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્ર સિંહ શનિવાર રાત્રે પોતાના ઘરની બહાર ઉંઘી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્ય શખ્સો આવ્યા હતા અને ગોળીબાર કરી ફરાર થઇ ગયા હતા. ઘાયલ સુરેન્દ્ર સિંહને લખનૌ ટ્રોમા સેંટરમાં લઇ જવામાં આવી રહ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમનું મોત થઇ ગયું.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો અમેઠીની બેઠક પર પરાજય થયો હતો. આ ચૂંટણીમાં ભાજપના સ્થાનિક નેતા સુરેન્દ્રસિંહે સ્મૃતિ ઇરાની માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો. ગોળીબારની ઘટનાના એક દિવસ પહેલા જ મીડિયા સાથેની વાતચીતમાં સુરેન્દ્રસિંહે કહ્યું હતું કે કોઈ એવા વ્યક્તિને વોટ શા માટે આપીએ જે અમારા વિસ્તારમાં જ આવતો ન હોય. રાહુલ ગાંધી તેમના ગામમાં ત્રણ વર્ષ પહેલા આવ્યા હતા. પરંતુ આ ચૂંટણીમાં તો તેઓ આવ્યા પણ ન હતા.