મેરાન્યૂઝ નેટવર્ક, કોલકાતા: પશ્ચિમ બંગાળના માલદામાં રેલીને સંબોધ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ફરી એકવખત સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે દિલ્હી પરત ફરવું પડ્યું છે. તાજેતરમાં જ તેમને સ્વાઇન ફ્લૂના કારણે દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાર બાદ મંગળવાર સાંજે ફરી તબિયત બગડતા તેઓ બંગાળથી દિલ્હી આવી ગયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસર અમિત શાહને તાવ આવ્યા બાદ ડોક્ટર્સે આરામ કરવાની સલાહ આપી છે. એવામાં અમિત શાહ પશ્ચિમ બંગાળના બીરભૂમ અને નાદિયા જિલ્લામાં યોજનાર રેલીઓમાં ભાગ નહીં લઇ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે અમિત શાહે પશ્ચિમ બંગાળમાં રેલીને સંબોધિત કરતા મમતા બેનર્જી સરકારની ઝાટકણી કાઢી હતી. અમિત શાહે કહ્યું હતું કે વિપક્ષના ગઠબંધ સાથે જોડાયેલા લોકો માત્ર નરેન્દ્ર મોદીને હટાવવા માગે છે. અમે ઇચ્છીએ છીએ કે ગરીબી દૂર થાય પરંતુ તેઓ (વિપક્ષ) ઇચ્છે છે કે મોદી હટે. અમે ઇચ્છીએ છીએ કે ભ્રષ્ટાચાર હટે તેઓ ઇચ્છે છે કે મોદી હટે. અમે ઇચ્છીએ છીએ કે દેશમાંથી રોગ અને બિમારીઓ હતો જ્યારે તેઓ ઇચ્છે છે કે મોદી હટે. જે ગઠબંધનની રેલીમાં ભારત માતા કી જયનો જયકાર ન થયો, વંદે માતરમના નારા ના લાગ્યા, તેઓ દેશનું શું ભલુ કરશે?