મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: આજે ઝેડ સિક્યુરિટીના બહાને એક ઉમેદવારની ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે આજે સમગ્ર સરકારી તંત્ર ઝૂકી ગયું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે બપોરે ગાંધીનગર કલેક્ટર કચેરીએ બપોરે ૨ વાગે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તે ઉપરાંત તેમણે અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ વખતે કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, અરૂણ જેટલી અને પિયુષ ગોયેલ, શિવસેનાના સુપ્રીમો ઉધર્વ ઠાકરે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ અગાઉ અમિત શાહ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં આચાર સંહિતાના લીરેલીરા ઉડાડવાના આક્ષેપો સાથે રોડ અને કલેક્ટર કચેરી બંધ કરી દેવામાં આવતાં ટ્રાફિક જામ સહિત પ્રજાને ભારે હાલાકીમાં મૂકાવવું પડયું હતું. અમિત શાહે ભરેલા ઉમેદવારી પત્રમાં તેમણે 3.85 કરોડની સ્વપાર્જીત મિલકત તેમજ ૧૨.૨૪ કરોડની સ્થાવર મિલકત દર્શાવવામાં આવી છે. જ્યારે કોઈ સરકારી લેણું બાકી નથી. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા આજે બપોરે બે વાગે ગાંધીનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે સમગ્ર પરિવાર સાથે આવેલા અમિત શાહને તેમનાં પત્નીએ ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી. આ ફોર્મ ભર્યા બાદ કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, ગાંધીનગર બેઠક એનડીએ માટે મહત્વપૂર્ણ છે. ગાંધીનગરમાં ભારે સરસાઇથી અમિત શાહના વિજયનો વિશ્વાસ વ્યકત કરતાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ તમામ ૨૬ બેઠકો જીતશે.

આ અગાઉ અમદાવાદ તેમજ ગાંધીનગરમાં રોડ શો યોજવામાં આવ્યો હતો. આ સાથે યોજાયેલી જાહેરસભામાં અમિત શાહે કહ્યું કે, બાજપાઈ અને અડવાણીની આ બેઠક પરથી લડવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું છે. આ પ્રસંગે રાજનાથસિંહ, અરૂણ જેટલી, ઉધર્વ ઠાકરે, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન, પ્રકાશસિંઘ બાદલ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીના વખાણ કર્યા હતા. ગાંધીનગર સહિત અમદાવાદમાં આજે આ રોડ શોનાં કારણે કેટલાંક રસ્તા, કચેરીઓ અને લારીગલ્લાં તેમજ દુકાનો બંધ રાખવામાં આવતા પ્રજા ભારે હાલાકીમાં મુકાઈ હતી.