મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપના કાર્યકરોને નોકરી આપવા અંગે સી.આર.પાટીલનું નિવેદન અંગે કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે. સી.આર.પાટીલનું નિવેદન ગુજરાતના અત્યાર સુધીના રાજકીય ઈતિહાસનું સૌથી મોટુ જુઠાણું ગણવ્યું છે. સી.આર. પાટીલે પેજ કમિટીના કાર્યક્રમમાં નોકરી બાબતે નિવેદન આપ્યું હતું કે ભાજપની સરકાર હોય તો કાર્યકર્તા થોડી રહી જાય.

કાર્યકર્તાઓને નોકરી આપવાના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવેદનને  ગુજરાતના અત્યાર સુધીના રાજકીય ઈતિહાસનું સૌથી મોટું જુઠાણું ગણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાજપનો પોતાનો જ દાવો છે કે અમે રાજ્યના તમામ ૪૫,૦૦૦ બુથ માટે બુથ કમીટી બનાવી છે. એ ઉપરાંત દરેક બુથમાં ૩૦ પેજ પ્રમુખો પણ બનાવ્યા છે. દરેક બુથની પણ પેજ કમીટી બનાવી છે. આ રીતે ગણતરી કરીએ તો કુલ સંખ્યા ૧૪ લાખ થી પણ વધુ થઈ જાય છે. ઉપરાંત ભાજપના જ દાવા પ્રમાણે ગુજરાતમાં તેમના સભ્યોની સંખ્યા ૧ કરોડ છે.

Advertisement


 

 

 

 

 

વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર કંઈ ભાજપ કે સી.આર.પાટીલની પેઢી નથી. આ ગુજરાતની જનતાનું પ્રતિનિધીત્વ કરતી ચૂંટાયેલી સરકાર છે. ભારતીય બંધારણથી બંધાયેલ સરકાર છે. એ માત્ર કોઈને પણ માત્ર ભાજપના સભ્ય હોવાની લાયકાતના આધારે નોકરી આપીને ગુજરાતના લાયકાત ધરાવતા યુવાનોને અન્યાય ના કરી શકે. ગુજરાતમાં સરકારી અને અર્ઘ સરકારી કર્મચારીઓની જે કુલ જગ્યા મળીને પણ ૧૫ લાખ થતી નથી. તો શું સી.આર.પાટીલ આ બધી જગ્યાઓ પર માત્ર ભાજપના પેજ પ્રમુખોને જ નોકરી આપવા માંગે છે? તો ગુજરાતના લાયકાત ધરાવતા એ યુવાનોનું શું જેઓ નોકરી માટે વર્ષો સુધી અભ્યાસ કરે છે, વતન અને પરિવારથી દુર રહી પરીક્ષાઓની તૈયારીઓ કરે છે, લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. માતા-પિતા પેટે પાટા બાંધીને પણે તેમને ભણાવે છે.

ભાજપના સભ્યોને પણ વિનંતી છે કે તમારા પરિવારમાંથી કોઈને નોકરી ના મળતી હોય તો સી.આર.પાટીલને ફોન કરીને માંગ કરો મારા દિકરાને નોકરી અપાવો, પછી નોકરી મળે છે કે નહીં એ જાહેરમાં આવીને કહે! એટલે આવા જુઠાણાઓ, આવા ખોટા તર્કો આપીને જનતા સાથે છેતરપિંડી ભારતીય જનતા પાર્ટીએ બંધ કરવી જોઈએ.