મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ પોરબંદર લોકસભા સહિત મણાવદર વિધાનસભાના ઉમેદવાર રેશ્મા પટેલ પર હુમલો થયો છે. હાર્દિક પટેલ પર આજે હુમલો થયા બાદ વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. રેશ્મા પટેલ પર હુમલો કરાર ભાજપા કાર્યકરો દ્વારા ન ફક્ત હુમલો પણ તેઓએ છેડછાડ પણ કરી હોવાનો આરોપ છે. જોકે વંથલી ભાજપના મહામંત્રી દ્વારા આ આરોપોનું ખંડન કરાયું છે. હુમલા બાદ હોસ્પિટલમાં પહોંચેલી રેશ્મા પટેલે પોલીસ ફરિયાદ કરી હતી. જોકે પોલીસે રેશ્મા પટેલની અરજી લીધી છે, રેશ્મા પટેલનું કહેવું છે કે, મહિલા સાથેનો આવા દુરવ્યવહારમાં એફઆઈઆર નોંધવી જ પડે છતાં પોલીસે ઉપરથી પ્રેશર હોવાના કારણે માત્ર અરજી લીધી છે એફઆઈઆર નોંધી નથી. હજુ ફરી હું પોલીસમાં રજૂઆત કરવા જવાની છું અને એફઆઈઆર નોંધવા જણાવીશ. 

જ્યાં એક બાજુ વઢવાણના બલદાણા ગામમાં હાર્દિક પટેલ એક સભા સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક શખ્સે જેના ભાજપના નેતાઓ સાથેના નજીકના સબંધો હોવાનું કહેવાય છે તેણે હાર્દિકને લાફો મારી દીધો હતો. બાદમાં હિન્દી બોલનાર આ શખ્સને ત્યાં હાજર લોકોએ મેથીપાક આપીને તેને પોલીસને હવાલે કર્યો હતો.

બીજી તરફ વંથલીમાં પ્રચાર માચે નીકળેલા રેશ્મા પટેલ પર પણ કેટલાક લોકો દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો. ઘટનાને પગલે રેશ્માને તરંત હોસ્પિટલ ખસેડ્યા હતા. રેશ્મા પટેલના જણાવ્યા અસાર તે પોતાની ટીમ સાથે પ્રચાર કરી રહ્યા હતા. દરમિયાન અચાનક ભાજપના દિપક વડારિયા સહિતના કાર્યકરએ તેમની સાથે મૌખીક છેડછાડ કરી હતી. બાદમાં સમજાવવાનો પ્રયાસ કરતાં છાતી પર હાથ મારીને ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાદમાં તેમની ટીમ દ્વારા તેમને છોડાવી દેવાયા હતા. તેમની ટીમે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વંથલી ભાજપના મહામંત્રી દિપક વડારિયાએ તેમના પર લગાવાયેલા આરોપોનું ખંડન કર્યું છે. તેવામાં હકિકત તો પોલીસની તપાસ બાદ જ સામે આવશે. જોકે હજુ રેશ્મા પટેલની માત્ર અરજી પોલીસે લીધી છે પોલીસે હજુ એફઆઈઆર નોંધી નથી. રેશ્મા પટેલ અને એનસીપીના નેતાએ કહ્યું કે, ગુંડાશાહી ચલાવતી ભાજપ સરકાર માત્ર મહિલા સશક્તિકરણની વાતો કરે છે પણ મહિલાની ફરિયાદ પણ નોંધવામા નથી આવતી. જો રાત્રે 8 વાગ્યા સુધીમાં એફઆઈઆર નહીં નોંધાય તો વંથલી પોલીસ સ્ટેશનમાં તમામ કાર્યકર્તાઓ રેશ્મા પટેલ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.