મેરાન્યૂઝ નેટવર્ક.ભોપાલઃ વડાપ્રધાન મોદીની સલાહ બાદ પણ ભાજપના નેતાઓમાં આડેધડ નિવેદન આપવાની જાણે હોડ લાગી છે. આ લીસ્ટમાં વધુએક ભાજપના નેતાનું નામ જોડાયું છે. આ છે ભાજપના મધ્યપ્રદેશના ધારાસભ્ય ગોપાલ પરમાર, જેમણે 6 મેએ એક કાર્યક્રમમાં કહ્યું કે બાળવિવાહ પર જ્યારથી પ્રતિબંધ આવ્યો છે, લવ જેહાદનો તાવ શરૂ થઈ ગયો છે. આ દરમ્યાન તેમણે બાલ વિવાહના ફાયદા પણ ગણાવ્યા. તેમણે કહ્યું કે જ્યારથી સરકારે લગ્ન માટેની ઉંમર 18 વર્ષ કરી છોકરીઓ ભાગીને લગ્ન કરવા લાગી છે.

આગર માલવથી ભાજપના ધારાસભ્ય ગોપાલ પરમારે આજીવીકા અને કૌશલ્ય વિકાસ દિવસના કાર્યક્રમમાં મહિલાઓને સંબોધતા કહ્યું કે, પહેલા આપણા વડીલો સંબંધ (લગ્ન) નક્કી કરી લેતા હતા. ભલે ને નાનપણમાં નક્કી કરી લેતા તે સબંધો વધુ ટકતા હતા, તે વધુ મજબુત હતા. આ જ્યારથી 18 વર્ષની બિમારી સરકારે ચાલુ કરી છે, ત્યારથી ઘણી બધી છોકરીઓ ભાગવા લાગી છે. આ લવ જેહાદનો તાવ શરૂ થઈ ગયો છે. આપણું આપણા ઘરમાં જ ધ્યાન નથી કે આપણી છોકરી શું કરે છે. આપણને કહીને જાય છે કે કોચિંગ ક્લાસ જઈ રહી છું, આ ધ્યાન કોણ રાખશે, બોલો...

ધારાસભ્ય આટલે જ ન અટક્યા અને કહ્યું કે, જો કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે તો તમારી ઈજ્જત સાથે રમત થઈ જશે. તેથી તમારી જવાબદારી તે જાણી લેવાની બને છે કે છોકરી ગઈ છે તો ગઈ છે ક્યાં? જેવું બાળક જવાની તરફ જાય છે, તો આ બધી માતાઓને ખબર રહે છે કે તેનું મન ભટકી રહ્યું છે, હું તમામ માતા-બહેનોને આગ્રહ કરું છું કે જો તાવ આવ્યો છે લવ જેહાદનો તો તેનાથી સતર્ક રહેવું તે તમામનું કાર્ય છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ મહમ્મદ જીણાની તસવીર અંગે પણ ભાજપના નેતાએ વિવાદ ઊભો કર્યો હતો. તે સિવાય પણ ઘણા નેતાઓ આડેધડ નિવેદનો આપી ચુક્યા છે.