મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાની સાવલી સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપના નેતા કેતનકુમાર ઈનામદાર દ્વારા આજે પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દેવાયું છે, તેમણે આ સંદર્ભે વિકાસ કાર્યો થતા ન હોવાની નારાજગીને કારણ દર્શાવી છે.

તેમણે પોતાના રાજીનામામાં લખ્યું છે કે, મારા મતવિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માગણીઓ-રજૂઆતો સંદર્ભે સરકાર અને વહીવટી તંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાને કારણે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી. પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારા ધારાસભ્ય પદની ગરીમા અને સન્માન ન જળવાતા હોવાથી તેમજ મંત્રીઓ અને સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન-સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્ય પદની અવગણના કરવામાં આવે છે.
તેમણે વધુમાં લખ્યું કે, ભારતીય જનતા પાર્ટીની શિસ્ત અને સિદ્ધાંતોને વળગી રહી અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું.

પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય તરીકે મારી તથા મારા સાથી ધારાસભ્યોની પણ અવગણના કરે તે દુઃખદ બાબત છે. મારા સાથે ધારાસભ્યોની લાગણીઓને બહાર લાવવા તથા મારી અવગણનાએ મારા પતક્ષેત્રના પ્રજાજનોના હિતોની અવગણના છે. મારા લોકોના હિતો માટે આ સ્થિતિ ઊભી થઈ છે. મારે ભારે હૃદયએ પક્ષની તમામ શિસ્ત અને વિચારધારાને આજદિન સુધી નિભાવવામાં આવી છે. હું કેતન ઈનામદાર સાવલીના ધારાસભ્ય પદ પરથી પ્રજાનાહિતને કારણે રાજીનામું આપું છું.