મેરાન્યૂઝ નેટવર્ક, ઇડર: સાબરકાંઠા જીલ્લાના ઇડર વિધાનસભા બેઠકના ભાજપ પક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતુ કનોડિયા બે રાજ્યમાં મતદાર તરીકે નોંધાયેલા હોવાની વાત બહાર આવતા જીલ્લાના રાજકારણમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. હિતુ કનોડિયા મહારાષ્ટ્રના અંધેરી વેસ્ટ મુંબઈના વરસોવા અને ગુજરાતના અમદાવાદના અસારવા વિસ્તારની મતદાર યાદીમાં નામ હોવાનું બહાર આવતા જીલ્લા ચૂંટણી અધિકારીએ સમગ્ર મામલે તપાસ હાથધરી હતી.

ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયાનાનું નામ અમદાવાદના અસારવાની મતદાર યાદી અને મહારાષ્ટ્રના વરસોવા મતદાર યાદીમાં નામ બહાર આવતા વિવાદમાં સપડાયા હોવાની સાથે ચૂંટણી અધિકારીની કામગીરી અંગે પણ અનેક પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે. ચૂંટણીના નોમિનેશન સમયે ઉલ્લેખ કરવામાં આવતો હોય છે અને સાથે જ એફિડેવિટ પણ કરવામાં આવતું હોય છે. એક કરતા વધુ મતદાર યાદીમાં નામ નથી ધરાવતા પરંતુ બીજી તરફ હવે હિતુ કનોડિયાનું બે મતદાર યાદી માં નામ આવ્યું છે. ત્યારે હવે ચૂંટણી વિભાગે પણ કાર્યવાહી હાથધરી છે. અગાઉના વર્ષોમાં હિતુ કનોડિયા દ્વારા મહારાષ્ટ્ર ચૂંટણી યાદીમાં નામ કમી કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ કોઈક કારણોસર નામ કમી ના થતા અત્યારે વિવાદ સર્જાયો છે.

ગુજરાતના અમદાવાદના અસારવા મતવિસ્તારની મતદાર યાદીમાં કનોડિયા હિતેન્દ્ર નરેશ કુમાર નામ ચાલુ છે ત્યારે  મહારાષ્ટ્રના મુંબઈના અંધેરીના વરસોવામાં હિતુ નરેશ કનોડિયા નામે મતદાર યાદીમાં મતદાર તરીકે નોંધણી થયેલી છે.