પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ): ભાજપના વડોદરાના ત્રણ ધારાસભ્યો યોગેશ પટેલ, કેતન ઈનામદાર અને મધુ શ્રીવાસ્તવ સરકાર તેમનું સાંભળતી નથી તેવું નિવેદન કરતા ભાજપની રેસ્કયુ ટીમ ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને પ્રદિપસિંહ જાડેજા મેદાનમાં આવી ગયા હતા. તેમણે નારાજ ધારાસભ્યનો સંપર્ક કર્યો અને તમારી નારાજગી દુર થશે તેવી ખાતરી આપી. મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા ગાંધીનગર પણ આવ્યા હતા. ભાજપના દાવો છે કે ધારાસભ્યની નારાજગી મંત્રી સામે નહીં પણ અધિકારીઓ સામે હતી અને હવે બધુ શાંત થઈ ગયું છે. આવુ ભાજપમાં દર ત્રણ ચાર મહિને થાય છે. કોઈને કોઈ ધારાસભ્ય અને મંત્રી નારાજ થાય અને તેમને પટાવી લેવામાં આવે છે.

પણ આવુ કેમ થાય છે? તે દિશામાં ભાજપના સભ્યો તપાસ એટલા માટે કરતા નથી કારણકે તેમને દર્દની ખબર છે અને તેઓ દર્દની કાયમી દવા કરવાને બદલે મલમપટ્ટા કરાવી ચલાવી લેવા માગે છે. હવે ભાજપના નેતાઓ અને ધારાસભ્યને પણ ખબર પડી કે ભાજપ સરકારનું નાક દબાવો તો જ કામ કરે છે, આ ગંભીર સ્થિતિ છે. પ્રજા પણ માનવા લાગી છે કે ભાજપ સરકાર સંવાદ કરવા તૈયાર નથી, એટલે રસ્તા ઉપર ટોળા બની ઉતરો તો સરકાર સાંભળે છે, આવુ પ્રજા માને ત્યાં સુધી વાંધો ન્હોતો પણ હવે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો અને નેતાઓ પણ માનવા લાગ્યા છે. ગાંધીનગરનું રિપોર્ટીંગ કરતા પત્રકારોએ મંત્રીઓની ચેમ્બર બહાર સામાન્ય માણસની જેમ પોતાના વારાની રાહ જોતા ધારાસભ્યોને જોયા છે.

સરકારી અધિકારીઓ આ બાબતમાં બહુ પાવરાધા હોય છે, તેઓ તરત પવન અને તેની દિશાને સમજી શકે છે. મંત્રી જો ધારાસભ્યને પોતાની ચેમ્બર બહાર બેસાડી રાખતા હોય તો અધિકારીઓ તો ધારાસભ્યને પોતાની સામેની ખુરશીમાં બેસવાનું  પણ કહેતા નથી. જેઓ મંત્રી થઈ ગયા છે તેમને એવો ભ્રમ છે કે તેઓ મૃત્યુ પર્યત મંત્રી જ રહેવાના છે. એક જમાનામાં જેમનો સુર્ય સોળે કળાએ ખીલતો હતો તેવા મંત્રીઓ આજે રસ્તા ઉપર એકલા ફરતા જોવા મળે છે. સમયનું ચક્ર ફરતા પણ સમય લાગતો નથી, પણ સત્તાનો મદ કોને કહેવાય તે જોવું હોય તો એક વખત સચિવાલયનો ચક્કર મારી આવો, મંત્રીઓ બધા પ્રમાણિક છે અને તેમની પાસે કામ લઈ આવતા ધારાસભ્ય અને ભાજપના જ નેતાઓ ચોર છે તેવું ભાજપના મંત્રીઓ માને છે. ભાજપના મંત્રીઓ જો ખરેખર પ્રમાણિક હોય તો તેમણે પોતાની જાતને પ્રશ્ન પુછવો જોઈએ કે આપણી સંપત્તીમાં જે વધારો થયો તે મંત્રી તરીકે મળતા પગારને કારણે જ થયો છે?

જેના કારણે સાચુ અને પ્રજાનું કામ લઈ આવતા ધારાસભ્ય અને નેતાઓની ભલામણને શંકાની નજરેથી મંત્રીઓ જુવે છે, પ્રજા તો એક વખત મત આપી દે પછી મંત્રીનું કઈ બગાડી શકતી નથી, પણ ભાજપના ધારાસભ્ય જો બગડશે, તો ભાજપના સત્તાના સોનાના થાળમાં લોંખડનો ખીલો વાગી શકે છે. ભાજપની નેતાગીરી માની રહી છે કે ભાજપના જે નેતાઓ અને ધારાસભ્ય ચૂંટાય છે તેની વ્યકિતગત કોઈ ઔકાત નથી. તેઓ ભાજપના નિશાન ઉપર ચૂંટાય છે, પણ આ ભ્રમ તૂટતા પણ સમય લાગશે નહી. 2012માં ભાજપની સ્થિતિ જેટલી સારી હતી એટલી સારી સ્થિતિ 2017 પછી રહી નથી. અંહકારી થઈ ગયેલા ભાજપના મંત્રીઓ પોતાના અંહકારનો પારો થોડો નીચો કરશે નહીં તો પ્રજા તો ઠીક પણ ભાજપના ધારાસભ્ય જ 2019માં ભાજપને તેની ઔકાત બતાડી દેશે.