મુંબઇ: મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસની ગઠબંધન સરકાર બન્યા બાદ ભાજપને એક બાદ એક આંચકા લાગી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપને કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીના વતન ધાપેવાડાથી કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર ડોંગરેએ ચૂંટણી જીતી તો ત્યાના બાવનકુલે ગામ કોરાડીથી પણ કોંગ્રેસના ઉમેદવાર નાના કંભાલે વિજયી થયા છે. નાગપુર જિલ્લા પરિષદની કુલ 58 બેઠકોમાંથી કોંગ્રેસ એકલાએ જ 30 બેઠકો જીતી. જ્યારે ભાજપને માત્ર 15 બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ 6 જિલ્લા પરિષદોની ચૂંટણીમાં ભાજપને પોતાના ગઢ નાગપુરમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે જિલ્લા પરિષદ ભાજપ પાસેથી જીતી લીધી છે. આ પરાજયથી કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને પૂર્વ મંત્રી ચંદ્રકાંત બાનકુલેની પ્રતિષ્ઠાને આંચકો લાગ્યો છે.

નાગપુર સહિત પાલઘર જિલ્લા પરિષદમાં પણ ભાજપને શિવસેનાએ હરાવ્યું છે. પાલઘર જિલ્લા પરિષદની ચૂંટણીમાં શિવસેનાને 18, એનસીપીને 14 અને ભાજપે 12  બેઠક જીતી છે. જો કે ધુલે જિલ્લા પરિષદમાં ભાજપે 54માંથી 39 બેઠક જીતીને બહુમતિ મેળવી છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓમાં પરાજયનો સામનો કરી ચુક્યુ છે.