મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે નીરાશા જનક પરિણામો લાવી છે. જ્યાં 2018માં ભાજપ 21 રાજ્યોમાં સત્તા ધરાવતું હતું ત્યાં હવે 2019 પુરુ થતાં થતાં તો 15 રાજ્યોમાં તેમના આંકડા સમેટાઈ રહ્યા છે. આજે ઝારખંડમાં મતગણતરી ચાલી રહી છે ત્યાં હેમંત સોરેનના નેતૃત્વની કોંગ્રેસની ગઠબંધન સરકાર આગળ વધી ગઈ છે ત્યાં ભાજપને અહીં હારનો સ્વાદ ચાખવો પડે તેમ છે. જોકે ભાજપને અહીંના રાજકારણમાં પાંચ એવી ચુક થઈ ગઈ છે કે જેને કારણે તેમને આ પરિણામો ભારે પડી ગયા છે. રાજકીય પંડીતોનું માનીએ તો આ પાંચ ભૂલોને કારણે ભાજપે ઝારખંડમાં બહુમતી ગુમાવી છે. કહેવાય છે કે ભાજપને અહીંના પરિણામોમાં પોતાનાઓની જ નારાજગી ભારે પડી છે.

1- વર્ષ 2014માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સહયોગી ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યુનિયન (એજેએસયૂ)ના સાથે મળીને ચૂંટમી લડી હતી. ભાજપને 37 અને એજેએસયૂને 5 સીટ મળી હતી. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના સહયોગી દળને હાંસિયામાં ધકેલ્યૂ અને એકલા જ ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો. ભાજપે આ નિર્ણય લીધો તે જ તેના પર ભારે પડી ગયો હતો. હાલના પરિણામોમાં એજેએસયૂનું સારું પ્રદર્શન રહ્યું છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2000માં ઝારખંડના બન્યા પછી બંને દળો સાથે મળીને ચૂંટણી લડી રહ્યા હતા, પણ આ વખતે ભાજપને એક અન્ય સહયોગી પાર્ટી એલજેપીની સાથે રહીને ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપ્યો પરંતુ ભાજપે તેને પણ ઠોકર મારી દીધી હતી બાદમાં એલજેપીને એકલા ચૂંટણી લડવી પડી હતી.

2- ઝારખંડમાં એક તરફ જ્યાં ભાજપે પોતાના સહયોગી દળને નજરમાં ન લીધું, ત્યાં વિપક્ષે એક સાથે મળીને લડવાનું નક્કી કર્યું અને ભાજપને ધ્વસ્ત કરી દીધું છે. ઝારખંડમાં મુક્તી મોર્ચા, આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનએ સીટોના ભાગ પાડીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને ભાજપના એકલા જ સરકાર બનાવવાના ઈરાદા પર પાણી ફેરવી નાખ્યું. ચૂંટણી પરિણામોમાં હવે વિપક્ષ રાજ્યમાં પૂર્ણ બહુમત હાંસલ કરતું દેખાઈ આવે છે. વર્ષ 2014ની ચૂંટણીઓમાં ત્રણેય દળો અલગ અલગ ચૂંટણી લડતા જોવા મળ્યા હતા, પરંતુ આ વખતે કોંગ્રેસે મહારાષ્ટ્ર અને હરિયાણાથી શીખામણ લઈને જેએમએમ અને આરજેડીના સાથે મહાગઠબંધન કર્યું હતું.

3- ઝારખંડની ચૂંટણીથી થોડા જ સમય પહેલા બીજેપીને પોતાના નેતાઓથી મોટા ઝટકા મળ્યા હતા. ભાજપના મેટા નેતા રાધાકૃષ્ણ કિશોરએ ભાજપનું પલડું છોડીને એજેએસયૂ સાથે હાથ મિલાવ્યા હતા. કિશોરનું એજેએસયૂમાં જવું ભાજપ માટે મોટો ઝટકો હતું. ટિકિટની વહેંચણી દરમિયાન ભાજપે પોતાના વરિષ્ઠ નેતા સરયૂ રાયને ટિકિટ ન્હોતી આપી. સરયૂ રાયએ મુખ્યમંત્રી રઘુબર દાસ સામે જમશેદપુર ઈસ્ટ સીટથી ચૂંટણી લડી હતી. હાલ જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં સરયૂ રાય હવે રઘુબર દાસથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે.

4- ઝારખંડ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે દાવો કર્યો હતો કે તેને 81માંથી 65 સીટો મળશે અને તે એકલા જ રાજ્યમાં સરકાર બનાવશે. ભાજપને આશા હતી કે તે પીએમ મોદીના ચહેરાને આગળ રાખીને ચૂંટણી લડશે તો સફળતા મળશે. પોતાની આ રણનીતિના અંતર્ગત ભાજપે વડાપ્રધાન મોદી, અમિત શાહની ઘણી રેલીઓ ઝારખંડમાં કરી હતી. એટલું જ નહીં ભાજેપે પોતાના હિન્દુ પોસ્ટર બોય યૂપીના સીએમ યોગી આદિત્યનાથને પણ ઝારખંડના ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા હતા. જોકે આ રણનીતિ ફ્લોપ નિવળી છે. સૂત્રોના અનુસાર મહારાષ્ટ્રની ઘટનાથી ડરેલી ભાજપે ઝારખંડમાં ફૂંકી ફૂંકીને પગલા લીધા અને કોઈ પણ દળની સાથે ગઠબંધન ન કર્યું. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપએ શિવસેનાની સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી.

5- ઝારખંડમાં 26.3 ટકા વસ્તી આદિવાસીઓની છે અને 28 સીટ આદિવાસીઓ માટે અનામત છે. મહાગઠબંધનએ જેએમએમના આદિવાસી નેતા હેમંત સોરેનને સીએમ પદના ઉમેદવાર બનાવ્યા, ત્યાં ભાજપની તરફથી આદિવાસી સમુદાય વગરના રઘુબર દાસને ફરી સીએમ પદના ઉમેદવાર રહેવા દીધા. ઝારખંડના આદિવાસી સમુદાયમાં રઘુબર દાસની નીતિઓને લઈને આદિવાસીઓમાં ઘણો ગુસ્સો તો હતો. આદિવાસીઓનું માનું હતું કે રઘુબર દાસ પોતાના 5 વર્ષના કાર્યકાળમાં આદિવાસી નીતિઓ રાખતા હતા. ખૂંટી યાત્રા દરમિયાન રઘુબર સાદના ઉપર આદિવાસીઓએ જુત્તા ચપ્પલ ફેંક્યા હતા. સૂત્રોનું માનીએ તો આદિવાસી સમુદાયથી આવનારા અર્જુન મુંડાને આ વખતે સીએમ બનાવવાની માગ ઉઠી હતી, પરંતુ ભાજપના ઉચ્ચ નેતાએ રઘુબર દાસ પર દાવ લગાડ્યો અને તે દાવ ઉલ્ટો પડી ગયો હતો.