પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ભાવનગર): ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે પ્રમુખ થયા પછી બુદ્ધીને ગીરો મુકી જે રીતે પ્રવાસ શરૂ કર્યો હતો ત્યારે અમે ચેતવણી આપી હતી કે ચંદ્રકાંત પાટીલ જોખમી રસ્તે આગળ વધી રહ્યા છે. જોકે સત્તા અને સંપત્તિના નશામાં ચંદ્રકાંત પાટીલે તમામ ચેતવણીઓની અવગણના કરી આખરે તેમના સહિત તેમની સાથે રહેલા અનેક નેતાઓ કોરોના સંક્રમીત થયા. તેવી સ્થિતિનું નિર્માણ ભાજપના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ પદે નિમાયેલા ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ કરી રહ્યા છે.

ગુજરાતની સ્થિતિ કોરોના મામલે બગડી રહી છે તેવું ખુદ મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત વહિવટી તંત્ર ગાઈ વગાડીને કહી રહ્યું છે. આમ છતાં રુપાણીની ચેતવણીની અવગણના ખુદ ભાજપના નેતાઓ જ કરી રહ્યા છે. રાજકારણના ટુંકા સ્વાર્થને ધ્યાનમાં રાખી તેઓ શક્તિ પ્રદર્શને જ પોતાની તાકાત પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેનું પરિણામ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ખુદ ભોગવી ચુક્યા છે.


 

 

 

 

 

પણ તાજેતરમાં જ જાહેર થયેલા ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારોની યાદીમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળનો સમાવેશ થતાં તેઓ અને તેમના કાર્યકરો પ્રમાણભાન ભુલ્યા અને દિલ્હીથી પરત ફર્યા પછી ભાવનગરની નારી ચોકડીથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ સત્તાના ઉન્માદમાં ભારતીબેન શિયાળને કારણે હવે કેટલા લોકો સંક્રમીત થશે તે તો સમય જ કહેશે, પણ ગુજરાત સરકારના બે અલગ કાટલા સામે આવ્યા છે. બેરોજગારી અને ખેડૂત મુદ્દે આંદોલન કરનારને રેલીની મંજુરી મળતી નથી જ્યારે ભાજપના નેતાઓને કોઈ કાયદો લાગુ પડતો નથી, પણ આ ઘાતક સ્થિતિ છે. પ્રજા બચશે તો રાજકારણ ચાલશે તેટલી સાદી સમજ નેતાઓમાં નથી.