મેરાન્યૂઝ નેટવર્ક.ઈંદૌરઃ સોશ્યલ મીડિયા પર શુક્રવારે સામે આવેલા ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના એક વીડિયો પર હવે વિવાદ ઊભો થયો છે. આ વીડિયોમાં વિજયવર્ગીય પોતાની હોમ પીચ ઈંદૌરમાં સરકારી અધિકારીઓને કથિત રીતે ધમકાવતા એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે, અમારા સંઘના પદાધિકારીઓ (અહીં) છે, નહીં તો આજે આગ લગાવી દેતો ઈંદૌરમાં.

ભાજપના મહાસચિવનો આ વીડિયો ત્યારે સામે આવ્યો છે, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આંતરિક બેઠકો માટે સંગઠનના પ્રમુખ મોહન ભાગવત અને તેના અન્ય ઉચ્ચ પદાધિકારીઓ શહેરમાં જ છે.

નજરે જોનાર લોકોનું કહેવું છે કે, આ વીડિયો વિજયવર્ગીયની આગેવાનીમાં ભાજપના સ્થાનીક જન પ્રતિનિધિઓના રેસીડેન્સી વિસ્તારમાં શુક્રવારે બપોરે કરાયેલા ધરણા પ્રદર્શનનો છે. તે દરમિયાન વિજયવર્ગીયએ આરોપ લગાવ્યો હતો કે જિલ્લા તંત્ર શહેરમાં ભાજપના કાર્યકર્તાઓના સામે પક્ષપાતપૂર્વક અને રાજનીતિક દુર્ભાવનાથી પ્રેરિત થઈને કાર્યવાહી કરી રહ્યું છે.

તેના મુદ્દા પર ભાજપા નેતાઓએ પોલીસ અને તંત્રના અધિકારીઓને સીધી ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા પરંતુ તે આવ્યા નહીં. બાદમાં કેટલાક કનિષ્ઠ સરકારી અધિકારી પ્રદર્શનકારીઓ પાસે પહોંચ્યા, તો વિજયવર્ગીયએ અધિકારીના વર્તન પર તીખી નારાજગી વ્યક્ત કરી હતી.

સોશ્યલ મીડિયા પર અપલોડ કરાયેલા વિજયવર્ગીયના વીડિયોમાં સાંભળવા મળે છે કે, શું તે (અધિકારી) એટલા મોટા થઈ ગયા? એટલી ઔકાત થઈ ગઈ તેમની? જ્યારે અમે લેખિતમાં પત્ર આપી રહ્યા હતા કે અમે તેમને મળવું છે તો તે એટલા મોટા અધિકારી બની ગયા છે કે શું? તેમને સમજવું જોઈએ કે તે જનતાના નોકર છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નીલાભ શુક્લાએ કહ્યું કે, સરકારી અધિકારીઓને ખુલ્લેઆમ ધમકાવતા શહેરમાં આગ લગાવી દેવાની વાતો કરતા વિજયવર્ગીય પર ગુનાહીત કેસ દાખલ કરવો જોઈએ.

આપને જણાવી દઈએ કે તેના કરતાં પહેલા એક વીડિયોમાં તેમના દિકરા આકાશ વિજયવર્ગીય નગર નિગમમાં અધિકારીને બેટથી મારતા નજરે પડ્યો હતો. ગત વર્ષે જુન મહિનામાં જ એક જર્જરિત મકાન પાડી દેવાના મુદ્દે ઈંદૌર નગર નિગમના દળની સાથે થયેલા વિવાદ દરમિયાન ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ એક અધિકારીને બેટથી માર્યા હતા. તે પછી તે અધિકારીને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતા.