મેરાન્યૂઝ નેટવર્ક.બનાસકાંઠાઃ થોડા સમય પહેલા અમદાવાદમાં ભાજપના એક પંટરનેતાએ બડાઈઓ મારી હતી કે બાપુનગરમાં હાથ નહીં લગાવવાનો, અમારી સરકાર છે, હાથ લગાડ્યો તો પીઆઈ નહીં રહે. બાદમાં આ પંટરિયાને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પરંતુ પોતાની સરકાર હોવાનો ગેરફાયદો ઉપાડનારાઓ ભાજપની છબી માટે જ ભયાનક બની ગયા છે. આજે આવો જ એક પોતાની સરકારનો પરચો બતાવવા આવેલો નેતાનો ભાઈ પોતાનું પ્રમાણભાન ભૂલી ગયો હતો. ભાજપના નેતાના ભાઈ દ્વારા ટીવી9ના પત્રકારને ઢોર માર માર્યા અને દારુ પીવડાવીને વીડિયો ઉતાર્યાના અહેવાલો મળી રહ્યા છે.

ભાજપના બનાસકાંઠાના નેતા એલ કે બારડના ભાઈ વદનસિંહ અને તેમના મળતિયાઓએ પત્રકાર પર હુમલો કરતાં ભારે ઉહાપોહ મચ્યો છે. બાબત એવી જાણવા મળી રહી છે કે, દાંતામાં કુવારશી આશ્રમ શાળા આવેલી છે ત્યાંની હકીકતોનું રિપોર્ટિંગ કરવા માટે ટીવી9ના પત્રકાર કુલદીપ અને તેમના સહયોગી આકાશ ત્યાં ગયા હતા. આ આશ્રમ શાળાના મુખ્ય ટ્રસ્ટી તરીકે ભાજપના નેતા છે. જ્યારે તે રિપોર્ટિંગ કરવા ગયા તે દરમિયાન પત્રકારો પર ભડકેલા નેતાના ભાઈએ તેમને ઢોરમાર માર્યો હતો. જેમાં કુલદીપને ત્યાં સુધી માર માર્યો જ્યાં સુધી ફેક્ચર ન થયું. જોકે માહિતી એવી પણ પ્રાપ્ત થઈ રહી છે કે આ ઘટના બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આવા ઘણા નેતાઓ હવે ભાજપના નેતા નહીં પણ ભાજપના માફિયાઓ કહેવાય તો પણ તેમાં ઓછું પડે તેમ છે. આવા માફિયાઓ દ્વારા અહીં ગેરકાયદે આશ્રમ શાળાઓ ચલાવવામાં આવે છે. હવે પોલીસ કેટલી કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. જોકે આ અંગે ભાજપની ઉચ્ચ નેતાગીરી અત્યંત નારાજ થઈ છે. ભાજપના નેતા અને ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે આ અંગેની જાણ થતાં તુરંત પોલીસને આરોપીઓ સામે કડકાઈથી એક્શન લેવા અને પત્રકારને પહેલા સારવાર આપી ફરિયાદને આધારે વધુ કાર્યવાહી કરવાની સુચનાઓ આપી છે સાથે જ ભાજપ દ્વારા પણ આવા હીન કાર્યો નહીં ચલાવી લેવાય તેવું સ્પષ્ટ જણાવી દીધું છે.