મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરા: હાલમાં જ ગુજરાતમાં દારૂબંધી બાબતે ભારે વિવાદ ચાલી રહ્યો છે અને રાજસ્થાનનાં મુખ્યમંત્રી ગહેલોત અને ગુજરાતના મુખ્યમંત્રી વચ્ચે ભારે વાદ વિવાદ પણ થયો હતો. તે વચ્ચે રાજપીપળા શહેરમાંથી પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં કારોબારી સભ્ય અને નર્મદા જિલ્લા ભાજપ યુવા મોરચા પૂર્વ અધ્યક્ષ નીલ રાવ અને તાલુકા પંચાયત નાંદોદનાં પૂર્વ સભ્ય રજનીકાંત પરમાર પીધેલી હાલતમાં ઝડપાયો છે. તેણે ન માત્ર દારુ પીને કાયદો તોડ્યો પણ એસપીને પોતાનો રુઆબ પણ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ એસપીએ એમ ડગાયા વગર કાયદાને વળગી રહી કામ કર્યું હતું.

હાલ પ્રધાનમંત્રીનો 31 ઓક્ટોબરનો કાર્યક્રમ હોય કેવડિયા રાજપીપળા વિસ્તારની હાઈવેની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. તે જ પ્રમાણે પ્રોબેશનલ DySP સાગર રાઠોડ રાજપીપળા જકાતનાકા પાસે નાકાબંધીમાં હતા. તે દરમિયાન રાત્રે 3 વાગ્યાના અરસામાં કેવડિયા તરફથી પ્રદેશ ભાજપ યુવા મોરચા કારોબારી સભ્ય અને નર્મદા ભાજપનાં યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ રાજપીપળા APMC વાઇસ ચેરમેન અને નહેરું યુવા કેન્દ્ર નર્મદાનાં સભ્ય અને માજી મંત્રી શબ્દશરણ તડવીના ભત્રીજા જમાઈ નીલ રાવ અને તેમના મિત્ર અને તાલુકા પંચાયત નાંદોદનાં પૂર્વ સભ્ય રજનીકાંત પરમાર GJ 22 A 5552 નંબરની ગાડીમાં સવાર થઈને રાજપીપળા તરફ આવતા હતા.

પ્રોબેશનલ DySP એ ગાડી રોકતા ભાજપના યુવા અગ્રણી નીલ રાવે હોદ્દાનો રોફ મારી મને ઓળખો છો હું કોણ છું? તેમ કહેતા DySP રાઠોડે જણાવેલ કે, આપ જે હોય એ... રૂટીન કામગીરી હાલ ચાલી રહી છે. જે બાદ પણ સત્તાના નશામાં ચૂર થયેલા નીલ રાવે  DySP સહિતનાં સ્ટાફ સાથે ઉદ્ધતાઈથી વર્તન કરતા ગમેતેમ ભાષાનો પ્રયોગ કર્યો અને પોલીસ કામગીરીમાં રુકાવટ કરી હતી.

બાદમાં કાર્યવાહી દરમ્યાન નીલ રાવ તેમજ રજનીકાંત પરમાર બંને પીધેલી હાલતમાં જણાઈ આવ્યા હતા. જેથી બંનેની તાત્કાલીક અટકાયત કરી દેવાઈ હતી. જેથી DySP સાગર રાઠોડે ભાજપી યુવા અગ્રણી નીલ રાવ અને રજનીકાંત પરમાર સામે કુલ મળીને 3 ફરિયાદ કરી છે.

જેમાં પ્રથમ ફરિયાદમાં પ્રોબેશનલ DySP સાગર રાઠોડે નીલ રાવ અને રજનીકાંત પરમાર સામે કાયદેસરની ફરજમાં રુકાવટ ઊભી કરવા અને રાજ્ય સેવકને હાનિ પહોંચાડવાની ધમકીઓ આપી ગુનાહિત કૃત્ય કરવા સબબ IPC 186 અને 189 મુજબ ફરિયાદ આપી છે.

તો દારૂ પીવા અંગે નીલ રાવ અને રજનીકાંત પરમાર સામે પ્રોહિબિશનની કલમ હેઠળ અલગ અલગ 2 ફરિયાદો દાખલ કરી છે.

સમગ્ર બનાવ બન્યા બાદ નીલ રાવ અને રજનીકાંત પરમારે પોતાના ગોડફાધર્સને સંપર્ક કરવાનાં પ્રયાસો કર્યા હતા, પણ પ્રોબેશનલ DySP સાગર રાઠોડ કાયદેસરની કાર્યવાહીના મૂડમાં હોય તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

જો કે મુખ્યમંત્રી રૂપાણી સહિત ગૃહ મંત્રી પ્રદીપસિંહના દારૂ બંધીના દાવા હાલ પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે અને ભાજપના જ આગેવાન પીધેલા પકડાતા ભાજપ હાલ બચાવની સ્થિતિમાં મુકાયુ છે.