પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ભાજપમાં ખરેખર પાયાના કાર્યકર હોય તેવા કાર્યક્રરોની સંખ્યા બહુ ઓછી રહી છે, જ્યારે ભાજપની કોઈ છીકણી લેવા તૈયાર ન્હોતું ત્યારે બહુ ઓછા કાર્યકરો હતા કે જેમણે કયારેય કલ્પના પણ ન્હોતી કે ભાજપ સત્તાના આ સ્થાને આવશે. આ સમયમાં પોલીસની લાઠીઓ ખાનાર પૈકીના એક અમદાવાદના વાસણા વોર્ડના કોર્પોરેટર અમિત શાહ છે. હાલમાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ ભાજપ પક્ષના નેતા પણ છે. પોતાની અડધી જીંદગી કોર્પોરેટર તરીકે કામ કરનાર અમિત શાહ ખરેખર લોકોની વચ્ચે કામ કરનાર નેતા રહ્યા છે. પણ હવે ચૂંટણીની મોસમ આવી છે અને કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી છે ત્યારે એક બીજાને માત આપવા રાજકારણીઓ દ્વારા વિવિધ પેંતરા રચવામાં આવે છે. જેનો એક વીડિયો જાહેર થયો છે.

શનિવારે સવારે એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરવા લાગે છે, જેની ઉપર લખાણ છે કે જુઓ ભાજપના કોર્પોરેટર અમિત શાહ અને તેમનો દિકરો સન્ની શાહ કેવી દાદાગીરી કરે છે, આ વીડિયો પ્રમાણે કેટલાંક લોકો અમિત શાહના ઘરે આવે છે અને વીજળીના ભાવ વધારા અંગે રજૂઆત કરે છે. રજુઆત કરનારની વાત સાંભળતા જ અમિત શાહ કહે છે કે, ટોરેન્ટ વીજ કંપની ખાનગી છે, તેમાં તે કઈ મદદ કરી શકે નહીં, આ મુદ્દે અમિત શાહ અને રજૂઆત કરનાર વચ્ચે ઉગ્ર  બોલાચાલી થાય છે અને અમિત શાહનો અવાજ ઉચો થાય છે.

આ દરમિયાન અમિત શાહનો દિકરો સન્ની વચ્ચે દાખલ થાય છે અને તે પણ ઉંચા અવાજે વાત શરૂ કરે છે. આ વીડિયો અને તેનું લખાણ જોતા એવું જ લાગે કે અમિત શાહ અને સન્ની લોકો સાથે દુર વ્યવહાર કરે છે, પણ આ મામલે તપાસ કરતા બીજી બાજુ બહાર આવે છે, જેમાં રજૂઆત કરનાર અમિત શાહના કંપાઉન્ડમાં દાખલ થતાં જ પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડીંગ શરૂ કરે છે. આમ પુર્વ યોજીત ઘટના હતી તે સ્પષ્ટ થાય છે. રજૂઆત કરનારની અપેક્ષા હતી કે તેમની રજૂઆત સાંભળી અમિત શાહ કેવો વ્યવહાર કરશે, એટલે બધુ જ યોજના પ્રમાણે હતું.

બીજી બાબત જાણવા મળી કે, રજૂઆત કરનાર કોઈ વેપારી ન્હોતા, તેઓ પણ એક નવી રાજકીય પાર્ટી શરૂ કરી છે, હવે કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓ વાસણામાંથી અમિત શાહ સામે ઉમેદવારી કરવાના છે, આ ચૂંટણી વખતે આ વીડિયોનો ઉપયોગ થઈ શકે તેવો ઈરાદો હોવાનું પણ લાગી  રહ્યુ છે. વીડિયોમાં જોઈએ તો અમિત શાહ રજૂઆત કરનારને જોતા ગુસ્સે થઈ જાય છે, તો આવું કેમ બન્યું, તો રજૂઆત કરવા આવનાર ફોન દ્વારા આગોતરી જાણકારી આપે છે કે ટોરેન્ટ પાવર મુદ્દે તેઓ વાત કરવા માગે છે ત્યારે અમિત શાહ સમજાવે છે કે ટોરેન્ટ ખાનગી કંપની છે, તે સરકારનો વિષય નથી છતાં રજૂઆત કરનાર અમિત શાહના ઘરે પહોંચે એટલે અમિત શાહ ગુસ્સે થશે તેવું રજુઆત કરનાર જાણતા હતા એટલે પહેલાથી રેકોર્ડીંગ શરૂ કરવામાં આવે છે, આમ આખો દિવસ સોશિયલ મીડિયામાં આ વીડિયો ફરતો રહ્યો પણ તેની વાસ્તવીકતા જુદી છે.

અત્રે ઉલ્લેખીય છે કે રાજકીય ગોડ ફાધર વગર અમિત શાહને બે વખત ભાજપે વિધાનસભાની ટીકીટ આપવાની જાહેરાત કરી અને છેલ્લી ઘડીએ તેમના નામને પડતુ મુકવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમના કરતા જુનિયર નેતાઓ આગળની હરોળમાં બેઠા છે જો કે રાજકારણમાં આ નવું નથી બધા જ પક્ષોમાં આવું થાય છે. જુઓ વાયરલ વીડિયો...