સુબ્હાન સૈયદ (મેરાન્યૂઝ.અમદાવાદ): વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અવારનવાર ઘણા આક્ષેપો થયા તેવા સંજોગોમાં તેઓ નેગેટિવ બાબતમાં પણ વળતો પ્રહાર એવો કરે કે તેનાથી તેઓ વધુ આગળ વધતા હતા. તેના અનેકો ઉદાહરણ છે જેની વાત અહીં નથી કરી રહ્યા. બીજી બાજુ આઈ.ટી. સેલ બીલો ધ બેલ્ટ ગતિવિધિ કરવા માટે જાણીતા છે. આમાં કોઈ પક્ષના આઈ.ટી. સેલ દૂધે ધોયેલા નથી. બધા જ પોતાની ક્ષમતા, બુદ્ધી અને સંસ્કાર મુજબ સામેવાળાને સોશિયલ મીડિયામાં ધરાશાયી કરવામાં અને તેની છબિને ખરડવા બનતા બધા પ્રયત્ન કરે છે. ભાજપ અત્યારે શાસક પક્ષ હોવાથી તેના આઈ.ટી. સેલનો પાવર અન્ય પક્ષો કરતાં વધુ છે. આ વખતે ભાજપ આઈ.ટી. સેલ દ્વારા કૉંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલની તસવીરને યુવતીના પોઝમાં એડીટ કરીને ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. હાર્દિકનો ફોટો એડિટ કરીને યુવતી જેવો લુક આપીને તેને વાયરલ કરવામાં આવ્યો છે. જોકે હાર્દિકે આ ફોટોના સિફ્તપૂર્વક કોઈ વિરોધ નોંધાવ્યા વિના તેનું ગૌરવ લીધું છે અને તેણે નીચે મુજબની વાત લખી છે.

“મને આ ચિત્ર સાથે કોઈ સમસ્યા નથી. મારા માટે આ સન્માનની વાત છે. મહિલા તો માઁ દુર્ગા અને રાણી લક્ષ્મીબાઈ પણ છે.

ભાજપનો આઇટી સેલ મહિલાને એટલી બધી નફરત કરતા હશે કે મારા ચહેરા પર પણ તે એક સ્ત્રીને જુએ છે. તેની કલ્પનામાં સ્ત્રી બનવું એ પાપ લાગે છે. મહિલાઓને પણ ખબર હોવી જોઈએ કે ભાજપનો આઇટી સેલ મહિલાને કેટલી નફરત કરે છે. ભાજપના માણસોએ કેવો મસ્ત ફોટો બનાવ્યો છે. હું એક છોકરીના રૂપમાં પણ આટલો સુંદર હોઈશ એની કલ્પના જ મને ન હતી. તમારો આભાર. જેને પણ આ ફોટો બનાવ્યો છે તે વ્યકતિ પોતાની માં-બહેન ને પસંદ કરતો હશે કે નહીં...! આઇટી સેલવાળા છોકરાઓ આ તસવીરમાં પોતાની માતા, બહેન, ભાભી અને પત્ની જોઈ શકે છે. તમામ મહિલાઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે મને હેપ્પી વુમન ડેની શુભેચ્છા પાઠવી શકો છો..! હું સુંદર લાગુ છું ને.

છેલ્લે એટલું જ કહીશ કે ફોટા પાછળ જે મહેનત કરો છો એ મહેનત પોતાના અધિકારની લડાઈ લડવા માટે કરતા હોત તો આજે બેરોજગાર ના ફરવું પડત”