મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: ભાજપ માટે મંગળવાર મંગલકારી સાબિત થયો છે. જેમાં ઉના અને કડી નગરપાલિકાઓ સહિત અનેક નગરપાલિકા, તાલુકા પંચાયત ઉપરાંત જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતાં અત્યાર સુધીમાં 219 બેઠકો પર ચૂંટણી લડ્યા વિના ભાજપનો કબ્જો થયો છે. ત્યારે હવે ચૂંટણીને લઈને ભાજપની ચિંતામાં ઘણો મોટો ઘટાડો થયો છે. જો કે ભાજપ કોઈ ચાન્સ લેવાના મૂડમાં નથી. અને તમામ બેઠક પર જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં સીએમ કોરોનાગ્રસ્ત થતા જ સ્મૃતિ ઈરાની સહિતના કેન્દ્રીય મંત્રીઓને પ્રચારનાં મેદમનમાં ઉતારી દેવામાં આવ્યા છે.


 

 

 

 

 

રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ ભાજપ માટે સારો રહ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારોએ ઠેર-ઠેર ફોર્મ ખેંચતા ભાજપ ચૂંટણી લડે તે પહેલા તેનો વિજય થયો હતો. જેમાં 15 જિલ્લા પંચાયત, 83 તાલુકા પંચાયત અને 70 નગરપાલિકાની બેઠક બિનહરીફ જીતી છે. કડીમાં પણ નગરપાલિકામાં ભાજપનો ભગવો વગર ચૂંટણીએ લહેરાયો છે. 36 બેઠક પૈકીની 26 બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા 26 બેઠક બિનહરીફ થઈ છે. જ્યારે ગીર સોમનાથની ઉના નગરપાલિકામાં પણ 36માંથી 21 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપના ઉમેદવારો જીતી ચુક્યા છે.