પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): તા 7મી મેના રોજ પ્રસિધ્ધ થયેલી ગુજરાત સમાચારની અમદાવાદ આવૃત્તીનું હેડીંગ હતું સરકાર ઘાંઘીઃ અમદાવાદમાં સજજડ લોકડાઉન, ખરીદી માટે અંધાધુંધી આ  હેડીંગએ સરકારના ખોટા નિર્ણયના કપડાં ઉતારી નાખ્યા, અમદાવાદમાં શાક અને કરિયાણાની દુકાનો અચાનક બંધ કરવાનો નિર્ણય કરતા લાખોની સંખ્યામાં અમદાવાદીઓ રસ્તા ઉપર ઉતરી ગયા અને લોકડાઉનની ધજીયા ઉડી ગઈ હતી, ગુજરાત સમાચારે સરકારના ખોટા નિર્ણયની સામે આયનો ધર્યો હતો, ગુજરાત સમાચારના માલિક શ્રેયાંશ શાહ જન્મે વિજય રૂપાણીના જ્ઞાતિબંધુ ,જૈન છે પણ તેમની પાસે રાજપુત જેવુ લડાયક કાળજુ છે, શ્રૈયાંશ શાહે અનેક સરકારો બદલાતી જોઈ છે કોંગ્રેસની સરકારે પણ તેમને ડરાવવાાં કઈ બાકી રાખ્યુ નથી, ગુજરાત સમાચાર સળગાવી દેવાની ભુલ પણ કોગ્રેસની માધવસિંહ સરકાર કરી ચુકી છે.

શ્રેયાંશ શાહ એક માત્ર તેવા તંત્રી છે જેમને પ્રજાની નાડ પારખતા આવડે છે, કોરોના સામેની લડાઈમાં લોકડાઉન સહિત સરકારે જે કંઈ કહ્યું તે બધુ જ પ્રજાએ કર્યું પણ પ્રજા ત્રાસમાંથી બહાર આવવાને બદલે ત્રાહીમામ પોકારી ગઈ, શ્રેયાંશ શાહે હેડીંગની નીચે એક શાયરી પણ મુકી તેના શબ્દો હતા, કૈસી સરકાર યહા યહા તો બસ તાનાશાહી હૈ, લુંટ મચી હૈ જગહ-જગહ જનતા મેં સીર્ફ તબાહી હૈઃ  યહ અર્થશાસ્ત્ર હૈ કૈસા યહ કૈસી મહંગાઈ હૈ, લગતા હૈ આજ યહ ગરીબો કો જીદાં ખાને આઈ હૈ, આ શાયરીએ સરકારના કપડાં ઉતારી નાખ્યા હતા, સબ સલામતની ગુલબાંગો વચ્ચે કંઈ જ  બરાબર નથી તેવી કહેવાની હિંમત શ્રેયાંશ શાહે  કરી.

પણ તેમનું નામ શ્રેયાંશ શાહ  છે એટલે  સરકારની તેમને અડવાની હિંમત નથી, પરંતુ એક નાનકડા પત્રકાર ધવલ પટેલની નાનકડી વેબસાઈટ ફેસ ઓફ ન્યુઝ નેશનમાં  તેણે લખ્યું કે વિજય રૂપાણીનું નેતૃત્વ પરિવર્તનની શકયતા, તો ભાજપ સરકારે રાજદ્રોહનો કેસ ઢોંકી દીધો, પોલીસની ફરિયાદ પ્રમાણે ધવલ પટેલની આ સ્ટોરીને કારણે અરાજકતા ફેલાઈ છે, ખરેખર ધવલ પટેલ તો એક બહાનું, ભાજપ સરકાર ધવલ પટેલ સામે કેસ કરી તમામ પત્રકારને ડરાવવા માગે છે. જો અમારી વિરૂધ્ધ લખ્યું અથવા અમને પસંદ નથી તેવી કોઈ બાબત પ્રસિધ્ધ કરી તો તમારી હાલત પણ ધવલ પટેલ જેવી થશે તેવી ગુપ્ત ધમકી છે. એક નાના પત્રકારને પકડી જાણે સરકાર મીર મારી રહી હોય તેવું લાગે છે.

આવી જ બીજી ઘટના અદાવાદના સંદેશના પત્રકાર રોનક  શાહ સાથે પણ થઈ, અમદાવાદમાં શ્રમજીવી મહિલા ગરીબીને કારણે પોતાનો દેહનો વ્યાપાર કરવા સુધી પહોંચી ગઈ તેવા મતલબની સ્ટોરી પછી શ્રમજીવીને મદદ કરવાને બદલે રોકન શાહને ક્રાઈમ બ્રાન્ચ બોલાવી ઈન્ટ્રોગેશન શરૂ કર્યુ, પણ આ વાતની જાણ સંદેશના માલિક ફાલ્ગુન પટેલને થતાં ગૃહ વિભાગમાં ફોન થયા અને સરકારના પગ ઢીલા પડી ગયા. આમ સરકાર ઘણા દિવસથી પત્રકારોને ડરાવવા માગતી હતી પણ શ્રેયાંશ શાહ અને ફાલ્ગુન પટેલ સામે આપણી દાળ ગળશે નહીં તેવી ખબર પડતા હવે નાના પત્રકારોને ડરાવી પોતાનો રૂઆબ છાંટી રહ્યા છે.