પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ) ગુજરાતની ભાજપ સરકારમાં વિવિધ તબ્બકે અનેક ટ્રબલ શૂટર્સએ સરકારની મુશ્કેલીઓ ઘટાડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે, જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત ખાસ ગૃહ વિભાગને લગતા પ્રશ્નો હલ કરવામાં જે આઈપીએસ અધિકારીઓએ વ્યકિતગત જોખમે કામ કર્યું તેમાં પૂર્વ આઈપીએસ અધિકારી મોહન ઝાનો સમાવેશ પણ થાય છે, મોહન ઝા ગુજરાતની જેલોના વડા તરીકે બે મહિના પહેલા નિવૃત્ત થયા છે, મોહન ઝાની નિવૃત્તી પહેલા તેવી અટકળો હતી કે મોહન ઝાને સરકાર એકસટેન્શન આપશે પણ તેવુ થયું પણ હવે પૂર્વ આઈપીએસ જે કે ભટ્ટની જેમ કોઈ મહત્વના સ્થાન ઉપર મોહન ઝાની નિયુક્તિ થાય તેવા અણસાર મળી રહ્યા છે.

ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા બનાવટી એન્કાઉન્ટર સહિત પાટીદાર આંદોલન હોય કે સરકાર વિરોધી કોઈ આંદોલન હોય તેવી વિકટ સ્થિતિમાં સરકારની પડખે રહેનાર ઘણા આઈપીએસ અધિકારીઓ જેમાં જે કે ભટ્ટ પણ સમાવેશ થાય છે મરતાને પણ મર કહે નહીં તેવા અને સામે દુશ્મન હોય તો તે પણ જેમને મિત્ર માને તેવા જે કે ભટ્ટ અમિત શાહની ગુડ બુકના સભ્ય છે. જેના કારણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશીયલ કમિશનર જેવી મહત્વની જગ્યા ઉપર પોસ્ટીંગ મળ્યું અને જે કે ભટ્ટ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા ત્યાર બાદ તેમને ગુજરાત માનવ અધિકાર પંચના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા આમ જે કે ભટ્ટે ભાજપ સરકારે તેમની ટ્રબલ શૂટરની ભૂમિકાની કદર કરી નિવૃત્તી પછી તેમનો માન મોભો જાળવી રાખ્યો છે.

તેવી જ રીતે હાલમાં એડીશનલ ડીજીપી તરીકે બઢતી લેનાર આર બી બ્રહ્મભટ્ટ પણ સરકારની ખાસ્સા નજીક છે તેઓ અમિત શાહ અને હાલના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની પણ ગૃડ બુકમાં છે. તેમને સરકાર દ્વારા સોંપવામાં આવેલા વિવિધ ટાર્ગેટ પાર પાડયા છે, સરકારની કઠીન સ્થિતિમાં તેઓ સરકારની સાથે રહ્યા અને કઈ રીતે સરકાર મુશ્કેલીમાંથી બહાર આવે તે માટે તેમણે તમામ પ્રયાસો કર્યા જેનાં કારણે સરકારે તેમને તાજેતરમાં રાજ્યમાં મહત્વનું ગણાય તેવું સુરત પોલીસ કમિશનરનું પદ આપ્યું છે, કોઈ પણ ગુજરાતી પોલીસ કમિશનર પદ સુધી પહોંચે તે ભાગ્યે જ બનતી ઘટના છે, આમ સરકારે તેમની પણ કદર કરી છે.

હવે સરકારે મોહન ઝાને તેમની વફાદારીની કિંમત ચુકવવાનો નિર્ણય કર્યો છે, મીત ભાષી મોહન ઝા સ્વભાવે સાલસ અને વિપરીત સ્થિતિમાં પણ સ્વસ્થતા જાળવી શકે છે, આમ તો તેમનો કાર્યકાળ બિન વિવાદાસ્પદ રહ્યો છે, પરંતુ ઈશરત એન્કાઉન્ટર કેસમાં તેમણે ડેમેજ કંટ્રોલરની મહત્વની ભૂમિકા અદા કરી હતી. જેમાં તેમણે ગુજરાત હાઈકોર્ટનો પણ સામનો કર્યો હતો. આ ઉપરાંત અમિત જેઠવા હત્યા કેસમાં પણ મોહન ઝાએ સરકારનું નુકશાન ઘટાડવાનો પુરતો પ્રયત્ન કર્યો હતો, આ પ્રકારના કેસમાં તેમને પોતાના સાથી આઈપીએસ સતીષ વર્મા સાથે પણ ઘર્ષણમાં ઉતરવું પડ્યું હતું, આમ મોહન ઝાએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમને સોંપવામાં આવેલા ટાસ્ક પાર પાડયા છે. તેઓ અમિત શાહ સાથે આજે પણ સંપર્કમાં છે જેના પરિણામ સ્વરૂપ દિવાળી પહેલા મોહન ઝાને સરકારમાં કોઈ મહત્વનો હોદ્દો મળે તેવી સંભાવના હોવાનું સચિવાલયના સુત્રો તરફથી જાળવા મળી રહ્યુ છે.