મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાતમાં અસ્પૃશ્યતા, સામાજિક સમરસતાની વાતો કરવામાં દરેક સત્તાધારી સરકારે કાંઈ કમી નથી રાખી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દલિતોના ઉદ્ધાર માટે વચનો તો મન મૂકીને આપે છે વાસ્તવમાં ગતિશીલ ગુજરાતના બણગા ફૂંકતી સરકારમાં દલિતોની સ્થિતી દયનિય છે. હજુ પણ કહેવાતા સભ્ય સમાજના કેટલાક લોકોની માનસિક સ્થિતી દરિદ્ર જોવા મળી રહી છે. રાજ્યમાં છાસવારે દલિતો પર હુમલા થવાની અને હડધૂત કરવાની ઘટનાઓ બની રહી છે. આજે પણ ઘણા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દલીત પરિવારો સામે અસ્પૃશ્ય વહેવાર કરવામાં આવી રહ્યો છે. અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વણઝર ગામે થોડા વર્ષો આગાઉ ગામના કહેવાતી ઉચ્ચ જાતીનાઓએ સ્મશાનમાં તોડફોડ કરી હતી. ત્યારે વધુ એકવાર વણઝર ગામમાં દલીત પરિવાર અસ્પૃશ્યતાનો ભોગ બનતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. વણઝર ગામે પટેલ ફળીયાને અડીને આવેલા વણકર ફળિયામાં એક ગરીબ પરિવારનું આવાસ યોજના હેઠળ બની રહેલાં મકાનમાં નજીકમાં રહેતા ઉચ્ચ પરિવારે મકાનમાં તોડફોડ કરી જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી છે. આ પરિવારથી અપમાનિત બનેલી મહિલાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભિલોડા તાલુકાના વણઝર ગામે વણકર ફળિયામાં રહેતા પ્રેમિલાબેન ગૌતમભાઈ ચૌહાણ નામના શ્રમિક પરિવારનું મકાન આવાસ યોજના હેઠળ મંજુર થતા કામકાજ ચાલી રહ્યું હતું. આ મકાનની થોડ઼ે દૂર મહેન્દ્ર કોદરભાઈ પટેલનું ઘર આવેલું હોવાથી તેમની નજીકમાં આ પરિવારનું ઘર બનતું હોવાથી સહન ન થતા મગજમાં અસ્પૃશ્યતાનો કીડો સળવળ્યો અને મહેન્દ્ર પટેલ અને તેની પત્ની હિના પટેલે ગુરુવારે સાંજે પ્રેમિલાબેનને જાતિવિષયક અપમાન જનક શબ્દો બોલી હડધૂત કરી છુટ્ટા પથ્થરો મારી શ્રમિક પરિવારના નવીન બની રહેલ મકાનની પ્લેટો તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થતાં ભારે ચકચાર મચી હતી. શ્રમિક મહિલા અને તેનો પરિવાર નજીકમાં રહેલા પટેલ પરિવારે કરેલા હુમલાથી ચોકી ઉઠ્યા હતા અને શામળાજી પોલીસનું શરણ લેવા મજબુર બન્યા હતા.

શામળાજી પોલીસે પ્રેમિલાબેન ગૌતમભાઈ ચૌહાણની ફરિયાદના આધારે ૧) મહેન્દ્ર કોદરભાઈ પટેલ અને ૨) હીના મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ઇપીકો કલમ-૩૩૭, ૨૯૪ (ખ), ૪૨૭, ૫૦૬ (૨), ૧૧૪ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.