મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ ' પણ વર્ષ આપણી સરકારના, સૌના સાથેના, સૌના વિકાસના ' ની સામે આજે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા તેના વિરોધમાં કોંગ્રેસ જન સંપર્ક કાર્યક્રમની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવ દિવસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સાથે સાથે ગુજરાતમાં નવી આવેલી આમ આદમી પાર્ટીએ પણ સરકારના પાંચના વર્ષના શાસનના કાર્યક્રમ સામે વિરોધ પ્રદર્શન કરવાનો મૂડ બનાવી લીધો છે.

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમની ટીકા કરતા જણાવ્યું હતું કે આ ભાજપની સરકાર છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે છતાં ગુજરાતનાં નાગરિકો વિકાસથી વંચિત છે. વિકાસ માત્ર ભાજપના લોકોનો અને અન્ય મુઠ્ઠીભર ઉધોગપતિ અને પૈસાદાર વર્ગના લોકોનો જ થયો છે. પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે સરકાર પ્રજાના ટેક્સના પૈસે આવા પોતાના વાહવાહીના કાર્યક્રમો યોજીને પ્રજાનું અપમાન કરી રહી છે. તેના વિરોધમાં અમે તેમની સામે નવ દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીશું અને લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરીશું.

Advertisement


 

 

 

 

 

અમિત ચાવડાએ સત્તાવાર રીતે પોતાના કાર્યક્રમોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, " પહેલી ઑગસ્ટના દિવસે કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન ચલાવવામાં આવશે. બીજી ઓગસ્ટે સંવેદનહીન સરકાર આરોગ્ય બચાવો અભિયાન ચલાવાવમાં આવશે. ત્રીજી ઓગસ્ટે અન્ન અધિકાર અભિયાન ચલાવવમાં આવશે. ચોથી ઓગસ્ટે મહિલા સુરક્ષા અભિયાન ચલાવવામાં આવશે. પાંચમી ઓગસ્ટે ખેડૂત અને ખેતી બચાવો અભિયાન ચલાવવામાં આવશે. છઠ્ઠી ઓગસ્ટે બેરોજગારી હટાવો અભિયાન ચલાવવામાં આવશે. સાતમી ઓગસ્ટે વિકાસ કોનો? વિકાસ ખોજ અભિયાન ચલાવવામાં આવશે. આઠમી ઓગસ્ટે જન અધિકાર અભિયાન ચલાવવામાં આવશે અને નવમી ઓગસ્ટે સામાજિક ક્રાંતિ અભિયાન ચલાવવામાં આવશે."

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે," આ સમગ્ર કાર્યક્રમ પ્રજાના હિતમાં પ્રજાને સાથે રાખીને જમીન પર ઉતરીને કરવામાં આવશે. દરેક જિલ્લાના અલગ અલગ હોદ્દેદારો પોતાના જિલ્લામાં રોડ પર આવશે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપશે અને સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ મૂકશે. આ ભાજપની સરકાર એક રિમોટ કંટ્રોલ સરકાર છે. કમલમ કાર્યાલય માંથી જે નિર્ણય લેવાય તેના પર માત્ર મોહર મારવાનું કામ આ ભાજપની સરકાર કરી રહી છે. હવે પ્રજા આ સરકારથી કંટાળી છે જે આગામી સમયમાં આપ જોશો અને સામન્ય માણસની સરકાર હવે ગાંધીનગરમાં આવશે."