મેરાન્યૂઝ નેટવર્ક: શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીએ પોતાના પર લદ્દાખ સાથે ભેદભાવના આક્ષેપોને ફગાવતા આજે રવિવારે જણાવ્યું હતું કે જો આ વાત સાચી છે તો અત્યાર સુધી કોઈપણ ભાજપના મંત્રીએ આ વિશે કેમ કશું ન કહ્યું?

ટ્વિટ કરી પીડીપીના પ્રમુખ મુફ્તીએ કહ્યું કે રાજ્યમાં પીડીપી-ભાજપ શાસન દરમિયાન જે કંઇપણ થયુ બંને પક્ષોના ગઠબંધનનાં એજન્ડા હેઠળ થયું. અમારા પૂર્વ ગઠબંધનના સહયોગી (અમિત શાહ) દ્વારા અમારા પર ઘણા ખોટા આક્ષેપ કરાયા. એજન્ડા પ્રત્યે અમારી વચનબદ્ધતા ક્યારેય પણ અસ્થિત નથી થઇ. આ એજન્ડા સહ-લેખક ભાજપ નેતા રામ માધવ હતા અને રાજનાથસિંહ જેવા વરિષ્ઠ નેતાઓએ આ એજન્ડાનું સમર્થન કર્યું હતું. તેમના દ્વારા પોતાની જ પહેલનો અસ્વિકાર કરવો અને તેને એક નરમ દ્રષ્ટિકોણ ગણાવવો દુખદ છે.

મુફ્તીએ કહ્યું કે અનુચ્છેદ 370 ને યથાસ્થિતિ જાળવી રાખવા, પાકિસ્તાન તથા હુર્રિયત સાથે સંવાદ એજન્ડાનો હિસ્સો હતા. આ એજન્ડાને ભાજપે માન્યતા અને સમર્થન આપ્યું હતું. લદ્દાખ સાથે અન્યાય અને ભેદભાવના આક્ષેપ સદંતર ખોટા છે. ખરેખરમાં તો ભાજપે પોતાના મંત્રીઓની પ્રદર્શનની સમીક્ષા કરવી જોઈએ કે જેઓ વ્યાપક રીતે જમ્મુ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. પત્રકાર સુજાત બુખારીની હત્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં અભિવ્યક્તિની આઝાદી વિશે ચિંતા વ્યક્ત કર્યા બાદ ભાજપના ધારાસભ્ય હજુ પણ રાજ્યના પત્રકારોને ધમકી આપી રહ્યા છે. તો હવે આ વિશે તેઓ (અમિત શાહ) શું કરશે? અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય લાલસિંહે પત્રકારોને કહ્યું હતું કે પત્રકારોએ પોતાની હદ નક્કી કરવી જોઈએ અને તેમણે તે પ્રકારે કામ કરવું જોઈએ.