મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપ દ્વારા અગાઉ ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારથી જ લોકોમાં ઉત્સુકતા જાગેલી છે કે અન્ય બેઠકો પર હવે કયા ધુરંધર નેતાઓના નામ જાહેર થશે. હાલ ભાજપે શનિવારે રાત્રે જ 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત અમિત શાહ લોકસભાની ચૂંટણી અહીંથી લડી રહ્યા છે.

પસંદગીની કવાયત દિવસો સુધી લંબાઈ હતી અને મુખ્યમંત્રી સહિતના નેતાઓએ વારંવાર દિલ્હીની દોડધામ કર્યા પછી ઉમેદવારોની પસંદગીમાં ભાજપ મોટો ધડાકો કરશે એવી ધારણા લગાવાઈ રહી હતી. જોકે ભાજપે કોઈ જોખમ લેવાનું ટાળીને આ વખતે જાહેર કરેલી 15 બેઠકો પૈકી 14 બેઠકો પર જૂના ઉમેદવારો રિપિટ કર્યા છે.

ઉમેદવારોની યાદી

કચ્છ માટે વિનોદ ચાવડા, સાબરકાંઠા માટે દીપસિંહ રાઠોડ, ખેડા માટે દેવુંસિંહ ચૌહાણ, નવસારી માટે સી આર પાટીલ, વલસાડ માટે કે સી પટેલ, ભરૂચ માટે મનસુખ વસાવા, દાહોદ માટે જશવંચ ભાભોર, વડોદરા બેઠક માટે રંજનબહેન ભટ્ટ, બારડોલ માટે પ્રભુ વસાવા, અમરેલીમાં નારણ કાછડિયા, ભાવનગર માટે ભારતીબહેન શિયાળ, સુરેન્દ્રનગર માટે ડો. મહેન્દ્ર મુજાપુરા, પ. અમદાવાદ માટે કિરિટ સોલંકી, જામનગર બેઠક માટે પૂનમ માડમ અને રાજકોટ બેઠક માટે મોહન કુંડારિયાનું નામ જાહેર થયું છે.