મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતની વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ સવર્ણોને દસ ટકા અનામતને આવકારી છે પરંતુ તેની સાથે જ શંકા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મળીને એસસી, એસટી અને ઓબીસી સમુદાયને મળતી અનામત હટાવી દેશે અને દેશમાં આર્થિક આધારે અનામત અમલી બનાવશે.

જીજ્ઞેશ મેવાણીએ તાજેતરમાં ટ્વિટ કર્યું હતું કે સવર્ણ સમુદાયના ગરીબોને લાભ મળે તે આવકારદાયક છે. પરંતુ જેમની નિયત હંમેશાથી સંવિધાન અને અનામત વિરોધી છે તે ભાજપવાળાનો પેતરો ખૂબ ખતરનાક લાગી રહ્યો છે. કાલે બાબા સાહેબ અને સંવિધાનના નિર્માતાઓએ જે માપદંડથી અનામત આપી છે તેને જ સમાપ્ત કરી નાખશે તે અસલી ખતરો છે.

જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના લોકો સાથે વાત થઇ કે ભાજપ 10 ટકા ગરીબોને અનામત કેમ આપી રહી છે? તેમાં જે જાણવા મળ્યું તે ખતરનાક છે. આર.એસ.એસ. જાતિ આધારિત અનામતના હંમેશા વિરોધમાં રહ્યું છે. હાલ પહેલા તબક્કામાં સંવિધાનમાં સંશોધન કરીને આર્થિક આધાર શરુ કરશે. પછી SC, ST અને OBCની બધી અનામત સમાપ્ત કરી માત્ર આર્થિક આધારે અનામત લાવશે.