ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): આખરે બિટકોઇનની ફૂલ ગુલાબી તેજીનો સમય આવી પહોંચ્યો. આ તેજી હજુ લાંબી ચાલશે. ત્રણ જ  વર્ષમાં ભાવોએ નવો વિક્રમ સ્થાપિત કરી દીધો. મુખ્ય ધારાના રોકાણકારોમાં પણ હવે નાટ્યાત્મક રીતે ક્રિપ્ટોકરન્સીની સમજ આવવા લાગી છે. સોમવારે ઇન્ટ્રાડેમાં ભાવ ૮.૮ ટકા વધીને ૧૯,૯૫૬ ડોલરની નવી ઊંચાઈએ પહોંચ્યા. ડિસેમ્બર ૨૦૧૭માં આવા જ એક ઉભરા વચ્ચે નામ પૂરતા ભાવ ૧૯,૫૧૧ ડોલર બોલાયા હતા. આ વર્ષે ૧૭૦ ટકાનો ઉછાળો આવ્યો છે. નવો વિક્રમ સર્જાયા પછી ગુરુવારે એક તબક્કે ભાવ ઘટીને ૧૮૩૮૨ ડોલર મુકાયા હતા.

કોરોના મહામારી વચ્ચે મહત્તમ દેશો નોટ છાપીછાપીને બજારમાં ઠાલવવા લાગ્યા અને સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદર શૂન્ય નજીક લઈ જવાના ઉધામા આદર્યા, પરિણામે ૨૦૨૦નું વર્ષ બિટકોઇન માટે ઉત્તમ નફાકારક બની ગયું. આમ નોટ છાપવાના ધખારાએ રોકાણકારોમાં સરકારી કારન્સીને બદલે બિટકોઇનમાં સંગ્રહ મૂલ્યનો વિશ્વાસ પેદા થયો. આ સ્થિતમાં ફુગાવા પર પણ સરકારોનો કોઈ કાબૂ નથી રહ્યો.

પોલ તુડરો જોનશન સહિતના મોટા રોકાણકારો, જેમણે સેન્ટ્રલ બેન્ક અને સરકાર દ્વારા લેવાતા ઢંગધડા વગરના પગલાઓ સામે સલામતી (હેજિંગ) મેળવવા ક્રિપ્ટોકારન્સીમાં ધરખમ રોકાણ કર્યું છે. તેઓ કહે છે કે અમે હજુ વધુ રોકાણ કરવા ઈચ્છીએ છીએ. ઓક્ટોબરમાં પે-પાલ જેવા એક્સચેન્જે વર્ચ્યુઅલ કારન્સીની લેવેચ કરવાના દરવાજા ખોલી નાખ્યા, ત્યાર પછી આ તેજીને વધારાનો ટેકો મળ્યો છે. આટલું અધૂરું હોય તેમ કેટલાંક મોટા સંસ્થાગત ફંડોએ પણ ક્રિપ્ટો કરન્સીમાં મોટાપાયે ખરીદી કરવામાં રસ દાખવ્યો.

ગત શુક્રવારે વોલસ્ટ્રીટના એક મોટા દલાલ ગૂગેનહેમ પાર્ટનર્સએ ૫૩૦૦ લાખ ડોલરનું રોકાણ બીટકોઇન આધારિત ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં રોકાણ કરવાની જાહેરાત કરી દીધી. તાજેતરના ભૂતકાળમાં આપણે ક્યારેય સાંભળ્યું ન હતું કે મુખ્યધારાના ફંડો અથવા ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ પોતાનું હોલ્ડિંગ બિટકોઇનમાં ઠાલવશે.
બિટકોઇન ભાવની આગાહી આમતો તોફાની અને ખોટી પાડવાની ખૂબ શક્યતાઓ રહે છે. આથી કહી શકાય કે બજારમાં મોટા ગાબડાં પડશે અને અફડાતફડી વચ્ચે તેજી તંદુરસ્ત બનશે. અલબત્ત, ૨૦૧૭ કરતાં વર્તમાન તેજી સાવ અલગ અને વાસ્તવિક છે. તેમાં મોટી માંગનું ભરપૂર તત્વ સમાયેલું છે. રોકાણકારો પણ હવે એવું માણી રહ્યા છે કે કોરોના મહામરીને સંભાળતા સંભાળતા સેન્ટ્રલ બેન્કો ફુગાવાની આગમાં ઘી હોમી રહી છે.

સામાન્ય રીતે ફુગાવા અને અન્ય જોખમો સામે સલામતીના પરંપરાગત સાધન તરીકે અત્યાર સુધી સોના ચાંદીને સલામત મૂડીરોકાણ ગણવામાં આવતું હતું. તર્ક એવો છે કે બિટકોઇનનું ઉત્ખનન મર્યાદિત પ્રમાણમાં જ થઈ શકશે, તેની ડીજાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તેનું ઉત્ખનન માત્ર ૨૧૦ લાખ બિટકોઇન જેટલુંજ થઈ શકશે, અત્યાર સુધીમાં ૧૮૬ લાખ બિટકોઇન અસ્તિત્વમાં આવી ગયા છે. હવે તેના ઘણા વૈકલ્પિક કોઈન પણ આવી ગયા છે.

જો બિટકોઇનની તેજી અહી એકાએક અટકી જાય તો નવાઈ નહીં, કારણ કે ૨૦,૦૦૦ ડોલરના ઉપરના ભાવે ઘણા રોકાણકારોએ ઓટોમેટિક સેલના ઓર્ડર મોટાપાયે મૂકી રાખ્યા છે. મુંબઈ સ્થિત એક નિષણાત ક્રિપ્ટો કરન્સી ડિલરે કહ્યું હતું કે રોકાણકારોએ અહી સાવધ થઈ જવું જોઈએ. જો તમે મોટી ખોટ ખમવાની ક્ષમતા ન ધરાવતા હોય તો રોકાણ ન કરતાં. આમ તો બિટકોઇન એ સટ્ટાની જાત (અસ્ક્યામત) છે. અને તે એકાએક ડૂબકી મારવાનો ઇતિહાસ પણ ધરાવે છે.

તમે તમારા ઘરબાર કે તમારી આખી જિંદગીની કમાઈને જોખમમાં ન મૂકી શકો. અને જો ઉધારનું ઘી પીને ક્રિપ્ટો કરન્સી કે બિટકોઇનમાં રોકાણ કરશો તો, લાખના બાર હજાર થઈ જશે. સિવાય કે તમે વ્યવસાઈક ટ્રેડર હોવ અને બધુ જાણતા હોવ તો જ આ ઊડતી છરીને કેચ કરવા પ્રયાસ કરશો.             

(અસ્વીકાર સૂચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)