ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): છેલ્લા કેટલાક મહિનાઓથી ત્રીજા બિટકોઇન હેલ્વિંગ (ખાણકામ) વિષે ખુબ ચર્ચાઓ અને હવા ઉભી કરવામાં આવી હતી. તેનાથી વિપરીત સાવ ઠંડો પ્રતિસાદ, ચાર વર્ષે એક વખત બનતી આ ઘટનાને મળ્યો હતો. હવે પછીની હેલ્વિંગ પ્રક્રિયા ૨૦૨૪મા યોજાશે. ક્રીપ્ટો કરન્સી કોમ્યુનીટી હવે શુ? અને બેન્ચમાર્ક ગણાતા બિટકોઇનના ભાવ કઈ દિશા પકડશે? તેની ચર્ચામાં લાગ્યા છે. ત્રીજા હેલ્વીન્ગ્ના આગલા દિવસે શનિવારે ભાવ ૮૩૦૦ અને ૮૭૦૦ ડોલર રહી ગુરુવારે ૯૪૩૩ ડોલર આસપાસ મુકાયો હતો.        

હવે હેલ્વિંગ પ્રક્રિયા પૂરી થઇ છે અને અંદાજે ૬.૩ લાખ નવા બિટકોઇનનું માઈનીંગ કરવામાં આવ્યું છે. ક્રીપ્ટો ટ્રેડરો કહે છે કે પાછલા બે બિટકોઇન હેલ્વિંગ દરમિયાન (૨૦૧૨થી ૨૧૦૪) ભાવ ૧૦,૦૦૦ ટકા અને ૨૦૧૬ના મધ્ય સુધીમાં ૨૫૦૦ ટકા વધ્યા હતા. ડીસેમ્બર ૨૦૧૭મા ભાવ ૨૦,૦૦૦ ડોલરથી સહેજ નીચે ઓલ ટાઈમ હાઈ મુકાયો હતો. આ વર્ષે બિટકોઇનનાં ભાવ અત્યાર સુધીમાં ૨૫ ટકા જેટલા વધ્યા છે. 

વૈશ્વિક અર્થતંત્રોના જહાજ તોફાને ચઢ્યા છે, તેને શાંત પાડવા સેન્ટ્રલ બેંકો આડેધડ કાગળિયું નાણું છાપવા લાગી છે. પરંતુ જગતનું સૌથી પ્રખ્યાત ક્રીપ્ટો નાણું બિટકોઇન સાવ ઉંધી દિશામાં આગળ વધી રહ્યું છે. કુલ બિટકોઇન પુરવઠો નિયંત્રિત રાખવામાં આવે એ પ્રકારે તેનું ગણિત (અલગોરિધમ) નિર્ધારિત કરવામાં આવ્યું છે. એક વખત લક્ષ્યાંકિત ૨૧૦ લાખ બિટકોઇનનું માઈનીંગ (ઉત્પાદન) થઇ જશે, પછી આ હેલ્વિંગ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવશે.

અત્યાર સુધીમાં લક્ષ્યાંકના ૮૫ ટકા એટલે કે ૧,૮૩,૭૬,૩૦૬ બિટકોઇન પુરવઠો બજારમાં આવી ગયો છે. પૂર્વીય દેશોના સમય પ્રમાણે ૧૧ મેએ રાતે ૩.૨૧ કલાકે અને ભારતીય સમય પ્રમાણે મંગળવારે રાતે ૧૨.૫૧ વાગ્યે બિટકોઇન બ્લોક્ચેઇન ટેકનોલોજી પર ત્રીજા બ્લોક રિવાર્ડ હેલ્વિંગની શરૂઆત થઇ હતી. આ ત્રીજા માઈનિંગમાં પ્રત્યેક બ્લોક દીઠ માત્ર ૬.૨૫ બિટકોઇન ઉપલબ્ધ થવાનાં હતા ૨૦૧૬ના બીજા હેલ્વિંગમાં ૧૨.૫ કોઈન પ્રાપ્ત થયા હતા.

ખાણીયાઓની કામગીરી માપવાનો દર બિટકોઇન હેશ (જમ્બલીંગ) રેટ કહેવાય છે, તે ત્રીજા હેલ્વિંગમાં ૧૬ ટકા જેટલો ઘટી ગયો હતો. બ્લોક અંદાજ પ્રમાણે હેલ્વિંગ પછી માઈનારોની રેવન્યુ ૧૬૧ લાખ ડોલરથી ૪૪ ટકા ઘટીને બિન નફાકારક ૯૦ લાખ ડોલર રહી ગઈ હતી. જેમણે ન્યુ જનરેશન ડીવાઈસ એન્ટીમાઈનર એસ૧૭ અને વ્હોટ્સમાઈનર એમ૩૦એસથી માઈનીંગ કર્યું હતું તેઓ જ વર્તમાન હેલ્વિંગમાં મોટો નફો પ્રાપ્ત કરી શક્યા હતા.

જૂની ટેકનોલોજી સાથે હેલ્વિંગમાં હિસ્સેદારીને લીધે પ્રત્યેક બ્લોક વચ્ચેનો સરેરાશ માઈનીંગ સમય વધીને ૧૦.૩૨ મિનીટ થયો હતો. હેલ્વિંગનો કાઉન્ટડાઉન સમય, સર્વાંગી જંબલ રેટ અને પ્રત્યેક બિટકોઇનનો ભાવ આ ત્રણ મુદ્દા પર, રોકાણકારોએ હેલ્વિંગ પછી ધ્યાનકેન્દ્રિત કરવાનું રહેશે. હેલ્વિંગ ઇવેન્ટ અગાઉ, છેલ્લા કેટલાંક સપ્તાહથી બિટકોઇનનાં ભાવ સતત વધી રહ્યા હતા. મધ્ય માર્ચમાં ભાવ ૪૧૦૦ ડોલર હતો તે ૬ મેએ વધીને ૧૦,૦૦૦ ડોલર નજીક પહોચી ગયો હતો. ગત રવિવારે એકએક ભાવ ૯૬૪૦ ડોલરથી ઘટીને ૮૬૫૦ ડોલર થયો હતો.        

ક્રીપ્ટો ડીલરો કહે છે કે સેન્ટ્રલ બેંકો રાહત પેકેજનાં નામે બજારમાં આડેધડ નાણા ઠાલવી રહી છે, કોરોના મહામારીમાં સરકારો પણ પેપર કરન્સી સંદર્ભે અનાપસનાપ પગલાં લઇ રહી છે, ત્યારે રોકાણકારો માટે સલામતી મેળવવા બિટકોઇનની માંગ વેગથી વધવાની શક્યતા છે.

(અસ્વીકાર સુચના: commoditydna વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)