ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ઇનસાઇડર ટ્રેડરોએ તેમના હોલ્ડિંગમાંથી અનુકૂળતા પ્રમાણેના બિટકોઇન અને અન્ય ક્રિપટોકરન્સીનું વેચાણ કરતાં ગત સપ્તાહે બજાર ઊંધેકાંધ પટકાઈ હતી. કોઈન માર્કેટ કેપ એજન્સીએ કહ્યું કે બિટકોઇન માઇનિંગ કરવા માટે જબ્બર ઇલેકટ્રીસીટી ઉર્જાની આવશ્યકતા રહે છે, ચીનના શેનજીયાંગ પ્રાંતમાં એકાએક વીજળી ગુલ થઈ જતાં ક્રિપટો માર્કેટમાં ઊડાઊડ વેચવાલી નીકળી હતી. ગત સાપ્તાહાંતે બિટકોઇન, ઇથેરીયમ સહિતના તમામ પ્રકારના ક્રિપટો કોઇનમાં જે ઉથલપાથલ થઈ અને ભાવમાં ૨૦ ટકાનું ગાબડું પડ્યુ તેને આખા જગતના મિડીયાએ બ્લેક સંડે ગણાવ્યો હતો.

ગત સપ્તાહના આરંભે શરૂ થયેલી વેચવાલીમાં કેટલાક કોઈન સ્થિર થવા મથી રહ્યા હતા, ત્યારે બિટકોઇન ૧.૫ ટકા જેવો સુધર્યો હતો, આમ તે ઓલ ટાઈમ હાઇ ભાવ કરતાં ૧૦ ટકા ઊંચા ભાવે ટ્રેડ થતો હતો. વિશ્વની સૌથી મૂલ્યવાન ક્રિપટોકરન્સી બિટકોઇન રવિવારે ૧૪ ટકા તૂટી ૫૧,૫૪૧ ડોલરના તળિયે ગયો હતો. પણ ગત સપ્તાહે આરંભિક ગાબડાં પછી ૧૦ ટકા જેવો સુધારી આવ્યો હતો. મંગળવાર (આજના)ના ટ્રેડિંગમાં ભાવ ૫૫,૨૧૫ બોલાયો હતો, આમ છતાં તે ગત બુધવારની ઓલ ટાઈમ હાઈ ૬૪,૩૭૪ ડોલરથી ૯૦૦૦ ડોલર નીચો હતો.

બિટકોઇનનો નાનો ભાઈ ઈથર કહેતા ઇથેરીયમ પણ ૧૦ ટકા ગબડી ૨૧૦૧ ડોલર થયો હતો. એક તરફી તેજીમાં ઓવરબોટ થયેલા આ વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં સાપ્તાહાંતે જે કઈ ઘટના બની તે આમ તો નફાબુકિંગનો એક હિસ્સો જ હતો. જો આ આકરી તેજીનો પ્રત્યાઘાત માત્ર હશે, તો સર્વાંગી ક્રિપટો ક્ષેત્રમાં તેજીનો નવો પાયો રાચાવાની શક્યતા વધી જશે. 


 

 

 

 

 

આ એક તરફી તેજીમાંથી શીખ એ લેવાની રહેશે કે આવી મોટી ઉથલપાથલ સમયે જોખમ હળવું કરવા તમારે રેશિયો અથવા પેર (જોડી) ટ્રેડિંગ કરવું આવશ્યક થઈ પડશે તમે બિટકોઇન/ડોલરમાં તેજી કરો અને ક્રિપટો કોઈન આધારિત શેરોમાં મંદીના સોદા ગોઠવો. બંને તરફ જો સલામતી કરવી હોય તો એક બિટકોઇન લઈને વીસ કોઈન બેઝ શેરમાં વેચાણ કરો. 

ગત સપ્તાહે ક્રિપટો એક્સ્ચેન્જ આધારીત કોઈનબેઝ શેરનું ૮૪ અબજ ડોલરનું જાહેર ભરણું થયું, અને સાપ્તાહાંતે શેરવેલ્યૂ ૧૦૦ અબજ ડોલરે પહોંચી ગઈ. એવા અસંખ્ય કારણો છે જેના આધારે કહી  શકાય કે કોઈન આધારિત શેર ઓવરવેલ્યુડ થઈ ગયા છે. આ બધાનું મૂળ કારણ, બિટકોઇનમાં આવેલા ભયંકર ઉછાળા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલું છે. પણ હવે જો બિટકોઇન પણ ઘટે તો આવા શેરોનું મોટાપાયે ધોવાણ થઈ જશે. 

હવે બજારમાં એવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે કોઈનબેઝ શેર ઓવરવેલ્યુડ હોવા છતાં, ભાવ ઉપર જઇ શકે છે? હા. પરંતુ આવું તો જ શક્ય બને જો બિટકોઇનમાં સમાંતર તેજી આગળ વધે તો કોઈનશેરના ભાવ કેટલા વધે તે કલ્પના બહારનું આકલન થઈ પડે. આથી જ ક્રિપટો એનાલિસ્ટો કહે છે કે તમારે નવા સોદાના હેજિંગ માટે પેર ટ્રેડનો આસરો લેવો જોઈએ. પણ આથી વિપરીત જો બિટકોઇન વધુ ઘટાડાની રાહ પકડે તો ઓવરવેલ્યુડ કોઈનશેરને વધુ વેગથી નીચે જવાની ફરજ પડશે. આ સ્થિતિમાં પેર ટ્રેડમાં વધેલી સ્પર્ધાની અફડાતાફડીમાં નફાનો ગાળિયો ધોવાઈ જવાની પણ સંભાવના રહેશે.   
          
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)