મેરાન્યૂઝ નેવર્ક.અમદાવાદઃ ગત વર્ષની શરૂઆતમાં સુરતના બીલ્ડર શૈલેષ ભટ્ટને અમરેલી પોલીસ દ્વારા લુંટી લેવામાં આવ્યો હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાયા પછી આખુ પ્રકરણનું કારણ બિટકોઈનનો બે નંબરનો ધંધો કારણભુત હોવાની હકિકત બહાર આવી હતી, આ મામલે અમરેલીના એસપી જગદીશ પટેલ સહિત દસ પોલીસ કર્મચારીઓની ધરપકડ પણ થઈ ચુકી છે, ત્યાર બાદ આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ સામે અપહરણ-અને 150 કરોડના બિટકોઈન લુંટી લેવાનો ગુનો નોંધાઈ ચુકયો છે. આ મામલે એક પછી એક એમ કુલ પાંચ ફરિયાદ નોંધાઈ છે. હવે ફરાર શૈલૈષ ભટ્ટની જામનગરમાં રહેલી સાળી નીશા ગોંડલીયા દ્વારા બિટકોઈન મામલે પોતાને ધમકી મળી રહી હોવાની ફરિયાદ જામનગર પોલીસમાં નોંધાવી છે.

મંગળવારના રોજ અમદાવાદ મિડીયા કર્મીઓને વોટસઅપ મેસેજ મળ્યા હતા જેમાં મોટુુ બિટકોઈન કૌભાંડ પડકાયુ હોવાનો દાવો કરી અમદાવાદના એસડી હાઈવે ઉપર આવેલી એક કલબમાં બુધવારના રોજ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હોવાનું જણાવ્યુ હતું. બિટકોઈન મામલે સીઆઈડી ક્રાઈમ હાલમાં પણ તપાસ કરી રહી  છે, એટલે સીઆઈડી શા માટે ખાનગી કલબમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે તેવા સવાલ સાથે પત્રકારો દ્વારા સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આવી કોઈ પ્રેસ કોન્ફરન્સ રાખી હોવાનો ઈન્કાર કરી દીધો હતો, આમ છતાં પત્રકારો બુધવારે કલબ ઉપર પહોંચ્યા ત્યારે એક મહિલા જેણે પોતાનો પરિચય નીશા ગોંડલીયા તરીકે આપી પોતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હોવાનું જણાવ્યુ હતું નીશા ગોંડલીયા જામનગરમાં રહે છે અને ઈવેન્ટ કંપની સહિત એન્કરીંગનું કામ કરે છે, તે બિટકોઈન કેસના ફરાર આરોપી શૈલેષ ભટ્ટની સગી સાળી થાય છે.

જામનગર પોલીસમાં નીશા ગોંડલીયા દ્વારા નોંધાવેલી ફરિયાદ પ્રમાણે બિટકોઈન મામલ શૈલેષ ભટ્ટ સામે સીઆઈડી ક્રાઈમ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ શૈલેષ ભટ્ટે પોતાની સાળી નીશાને એક મોબાઈલ ફોન બંધ હાલતમાં આવ્યો હતો, શૈલેષ ભટ્ટે સાળી નીશાને કહ્યુ આ ફોનમાં પોતાને કામ આવે  તેવા મહત્વના પુરાવા છે જરૂર પડશે ત્યાર તે તે ફોન લઈ જશે, જો કે ત્યાર બાદ શૈલેષ ફરાર થઈ ગયો હતો, ગત વર્ષે જુન 2018માં શૈલેષ ભટ્ટના એક સગા દ્વારા નીશાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યુ હતું આ મામલે મુળ જામનગરના વતની જયેશ પટેલને મળવા કહ્યુ હતું જયેશ પટેલ અનેક મોટા અધિકારીઓનો સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, નીશાએ જયેશ પટેલનો સંપર્ક કરતા જયેશ પટેલે તેમને દુબઈ આવવા જણાવ્યુ હતું આથી નીશા ગોંડલીયા જયેશને મળવા દુબઈ ગયા હતા.

નીશા અને જયેશ વચ્ચે થયેલી બેઠકમાં જયેશ દ્વારા શૈલેષ ભટ્ટને આ કેસમાંથી છોડાવી લેવાની ખાતરી આપી હતી, જો કે આ દરમિયાન જયેશ પટેલે ચર્ચા દરમિયાન નીશા પાસે રહેલા શૈલેષના ફોનની માગણી કરવામાં આવી હતી, જો કે નીશાએ શૈલેષ દ્વારા આપવામાં આવેલો ફોન આપવાની ના પાડી હતી, પરંતુ ત્યાંથી નિકળ્યા બાદ નીશાને ખ્યાલ આવ્યો તે જયેશ પટેલે પોતાની જાણ બહાર તેની પાસે રહેલો શૈલેષ ભટ્ટનો ફોન લઈ લીધો છે, આથી આ મામલે નીશાએ દુબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ નીશા ભારત ફરત ફરી હતી, બે મહિના પહેલા નીશાનો શૈલેષ ભટ્ટે ટેલીફોનીક સંપર્ક કરતા નીશાએ આખી ઘટનાની જાણકારી શૈલેષ ભટ્ટને આપી હતી ત્યારે શૈલેષ દ્વારા નીશાને કહેવામાં આવ્યુ હતું કે તે ફોનમાં કેટલાંક મહત્વના પુરાવા સાથે 699 બિટકોઈન પણ છે. જો કે નીશાનો દાવો છે કે ફોનમાં કઈ બાબત હતી તે પોતે જાણતી ન્હોતી તે પોતાના બનેવીને મદદ કરવાના ઈરાદે આ કેસમાં સામેલ થઈ હતી.

શૈલેષ ભટ્ટના ફોનમાં બિટકોઈન હોવાની જાણકારી મળતા નીશા ગોંડલીયા ફરી દુબઈ ગયા હતા અને તેમણે જયેશ પટેલ પાસે ફોનની માગણી કરતા જયેશ પટેલે આ મામલે  કઈ પણ કર્યુ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી, ભારત પરત ફરેલી નીશાને જયેશ પટેલ દ્વારા ફોન ઉપર સતત ધમકી મળી રહી હતી, આથી નીશાએ આ મામલે સીઆઈડી ક્રાઈમના વડા આશીષ ભાટીયા અને એટીએસના ડીઆઈજી હિમાંશુ શુકલનો પણ સંપર્ક કર્યો હતો ત્યાર બાદ જામનગર પોલીસ દ્વારા નીશા ગોંડલીયાની ફરિયાદ લેવામાં આવી હતી. જામનગર પોલીસ દ્વારા નીશા ગોંડલીયાને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું છે

પત્રકારો દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં નીશા ગોંડલીયાનો દાવો કર્યો હતો કે તે ખરેખર શૈલેષ ભટ્ટના કામ અંગે જાણતી ન્હોતી, શૈલેષ ભટ્ટ દ્વારા પોતે નિદોર્ષ છે તેવો દાવો કર્યો તેને તે સાચો માની લીધો હતો, પરંતુ પરિવારના સભ્ય હોવા છતાં શૈલેષ ભટ્ટ દ્વારા પોતાનો ખોટી રીતે ઉપયોગ કરી દેવામાં આવ્યો હોવાનું નીશાએ કહ્યુ હતું નીશા દાવો કરી રહી છે તેને શૈલેષ ભટ્ટ સાથે સારા સંબંધ નથી તેમજ શૈલેષ ભટ્ટ પણ પોતે જે કહે તેવુ કરવાની ફરજ પાડી રહ્યા હતા, બે મહિના પહેલા નીશા અને શૈલેષ વચ્ચે ટેલીફોન સંપર્ક થયો ત્યારે તે દિલ્હીમાં હોવાની જાણકારી ખુદ શૈલેષે આપી હોવાનું નીશા કહી રહી છે. જો  કે છેલ્લાં 15 મહિનાથી શૈલેષ ફરાર છે અને ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવી દેતા હવે મામલો સુપ્રીમ કોર્ટ સામે છે.

બિટકોઈનના મામલે એક પછી એક અલગ ફરિયાદો નોંધાઈ રહી છે, જેનો અર્થ મામલો સપાટી ઉપર દેખાય તેના કરતા વધુ ગંભીર છે, કદાચ પોલીસની સમજ બહારની પણ કેટલીક ઘટનાઓ ઘટી રહી છે, પત્રકાર પરિષદ કરવા અમદાવાદ આવેલી નીશા ગોંડલીયા એક કો્ફીડન્ટલી જવાબ આપી રહ્યા હતા, છતાં કેટલાંક પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ રીતે આપવાને બદલે તે કઈક છુપાવી રહ્યા હોવાની લાગી રહ્યુ હતુું. ઘટના એક વર્ષ પહેલાની હોવા છતાં આટલી મોડી ફરિયાદ કરવાનો કેમ નિર્ણય કર્યો તેનો પણ કોઈ ચોક્કસ તર્ક ન્હોતો, જે જયેશ પટેલને તે ઓળખતા નથી તેને મળવા તે દુબઈ પહોચી જાય તે પણ થોડુક શંકા ઉપજાવે છે તેવુ છે, જયેશ પટેલ દ્નારા મળી રહેલી ધમકી બાબતે કોઈ શંકા નથી, પરંતુ આ મામલે નીશાનું સામેલ થવુ અને પોતાના બનેવી શૈલેષ ભટ્ટે પોતાનો ઉપયોગ કર્યો તેવા પ્રકારનું નિવેદન સુચક છે. ઘટના સાચી છે કે ખોટી તેની તપાસ પોલીસ કરશે પણ કોના ઈશારે નીશાએ પોલીસ ફરિયાદ અને પ્રેસ કોન્ફરન્સ કરવાનો નિર્ણય કર્યો તે બહુ મહત્વનું છે કારણ નીશા જામનગરમાં પણ આ માહિતી પત્રકારોને આપી શકતા હતા પણ તેમણે અમદાવાદ કોન્ફરન્સ કરવાનો નિર્ણય કેમ લીધો.